પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભોજન કરી પરસ્પરને સંતુષ્ટ કરી અમે ચાર જણ આર્યપક્ષના વિજયની વાતો કરવા બેઠા. ત્રવાડી કહે, ’વલ્લભરામ, આજકાલ તો ગુજરાતમાં આર્યપક્ષ તમારા વડે જ દીપી રહ્યો છે, બોલનારા, લખનારા બીજા છે, પણ વિદ્વત્તા ભરેલી દલીલો આપી આર્યપક્ષનું સમર્થન તમે જ કરી શકો છો.’

વલ્લભરામને હા કે ના કહેવાનો પ્રસંગ નહોતો તેથી ઐતિહાસિક વૃત્તિ ધારણ કરી તેમણે કહ્યું :

’એક વખત એવો હતો કે ઊંચી ઇંગ્રેજી કેળવણી પામેલા તો સુધારાવાળા જ હોય એમ મનાતું અને સભામાં તે જ અગ્રેસર હતા. જૂની પદ્ધતિના જનોને એથી ભારે મુશ્કેલી થઈ પડી હતી. સુધારાવાળાની દલીલો છતાં તેમને પોતાના વિચાર તજી દેવા નહોતા ગમતા. ઇંગ્રેજી કેળવણીનો ઉપયોગ સુધારા વિરુદ્ધ કરી તેમના મનને રુચતી પુષ્ટિ આપનારની આકાંક્ષા હતી અને તે જ પ્રમાણે કેળવણી પામેલા વર્ગને આર્યપક્ષમાં ભળવામાં શાસ્ત્રીઓને શરણે જતાં લજ્જા લાગતી હતી અને તેથી સંકોચ થતો હતો. તે કારણથી તેમને પણ પોતાના વર્ગના કોઈ ગુરુની જરૂર હતી.’

હવે પછી કહેવાનું વાક્ય બોલતાં વલ્લભરામને ગૂંચવણ પડે એ જાણે ધ્યાનમાં એકદમ ઊતરી ગયું હોય તેમ ત્રવાડી બોલી ઊઠ્યા, ’તે પુષ્ટિ આપનાર અને તે ગુરુ તે તમે જ.’

ભદ્રંભદ્રની મુખમુદ્રા પર અભિમાનવૃત્તિ કંઈક ખંડિત થયાની રેખા જણાઈ, પણ સ્વપ્રતિષ્ઠાની સૂચના ન કરતાં તેમણે એટલું જ કહ્યું, ’શાસ્ત્રીઓની અવગણના થાય એ ઇષ્ટ પરિણામ નથી, તેમ પાશ્ચાત્ય વિદ્યાની સહાયતાથી આર્યપક્ષનો ઉત્કર્ષ થાય એ સંભવતું પણ નથી.’

વલ્લભરામ કહે, ’આર્યધર્મનું સનાતન સ્વરૂપ તો આપ કહો છો તે પ્રમાણે જ છે. પણ એવાં વચનો કહ્યાથી આપણા પર મતાંધતાનો આક્ષેપ થવાની ભીતિ રહે છે. માટે હું બહારથી તો એમ જ કહું છું કે જ્યાં હોય ત્યાંથી સત્ય લેવાને અમે તૈયાર છીએ. જૂનું કે નવું, આ દેશનું કે બીજા દેશનું, જે સત્ય હોય તે ગ્રહણ કરતાં અમને બાધ નથી. ત્યારે જ સત્યના શોધક તરીકે માથું ધરી શકાય છે. પછી જ્યારે અમુક નવી પાશ્ચાત્ય વાત સત્યને ઠરીને ગ્રહણ કરવાની આવે ત્યારે ક્યાં આપણે નથી કહી શકતા કે "તે અમારા સનાતન ધર્મથી વિરુદ્ધ છે ? વેદ ઈશ્વરપ્રણીત અને તેને આધારે થયેલાં સ્મૃતિપુરાણ પણ તેવાં જ શબ્દપ્રયાણ એટલે તેનું ઉલ્લંઘન અમારાથી થાય નહિ. વેદવ્યાસાદિ ઋષિઓથી અમે પોતાને વધારે ડાહ્યા સમજતા નથી." એમ કહી બીજી જ તકરાર ઉઠાવીએ એટલે સત્યના રૂપરંગની અવગણનાનો ઉપલો સ્વીકાર પ્રતિપક્ષીના મનમાંથી ખસી જાય. આ દેશનું જે સર્વ જૂનું તે જૂનું છે એટલા માટે જ ખરું છે એમ એક નિબંધમાં દર્શાવી મેં અંતે એમ જ લખ્યું છે કે અમારે તો જૂનું ને નવું બધું સરખું છે. જે સત્ય હોય તે ગ્રહણ કરવું છે તેથી સુધારાવાળા ગૂંચવાઈ ગયા છે અને ઉત્તર આપી શકતા નથી, કેમકે જૂના માટેનો આગ્રહ સત્યશોધક વૃત્તિથી ઊલટો છે એમ કહે તો ઉપલું અંત્ય વાક્ય હું બતાવી શકું. આ દેશનું જે અસત્ય ઠરે તે ત્યાજ્ય છે