પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભદ્રંભદ્રને ઉત્તર દીધો, ’નિજ અને પરના એ અભેદનું જ્ઞાન તો અધિકારીને થઈ શકે. સુધારાવાળા તો ભેદભ્રમમાં ગોથાં ખાય છે, એને સારું-નઠારું, પાપ-પુણ્ય, અનીતિ-સુનીતિ ઇત્યાદી યુગ્મ વ્યાવહારિક જ્ઞાનથી કલ્પે છે તે વેદાંતને કબૂલ નથી. આપ જે વિરોધથી વિસ્મય પામો છો તેમાં પણ આશ્ચર્યકારક કાંઈ નથી. વિરોધ પરથી જ અવિરોધ થાય છે. આપનું મત અને મારું મત કંઈ ભિન્ન નથી. આપણ બંને આર્યપક્ષવાદી છીએ. આ તો સહજ આપને રહસ્યલીલા દેખાડી.’

ત્રવાડી આકૃતિની વિકૃતિ દસ્તુર મુજબ કરીને બોલ્યા, ’વલ્લભરામનું "રહસ્યલીલા" નામે કાવ્ય આપે વાંચ્યું જણાતું નથી. તેમાં અજવાળાની અંધારાની નામે સ્તુતિ કરી છે અને અંધારાની અજવાળાને નામે નિંદા કરી છે. વળી અંધારાની અજવાળાને નામે સ્તુતિ કરી છે અને અજવાળાની અંધારાને નામે નિંદા કરી છે અને આખરે બંનેનો અભેદ ગાયો છે.’

ભદ્રંભદ્રની રસિકતા જાગ્રત થઈ અને પ્રથમની કટુતા ભૂલી જઈ તે બોલ્યા, ’ધન્ય છે. એ તો અનુપમ કાવ્ય હોવું જોઈએ.’

ત્રવાડીને વલ્લભરામની સ્તુતિ ગમી પણ ભદ્રંભદ્રની પરીક્ષાશક્તિમાં ભૂલ કહાડવામાં આનંદ થતો હોય તેમ તે બોલ્યા, ’એ તો મેં આપને એ કાવ્યનું રહસ્ય કહ્યું, લીલા તો જુદી જ છે. ’લીલા’ અને ’રહસ્ય’ નામે કાવ્યના બે ભાગ છે. ’લીલા’ અને ’રહસ્ય’ ટીકારૂપમાં છે. અધિકારીઓને ’રહસ્ય’માં આનંદસ્થાન છે અને વલ્લભરામને પોતાને ’લીલા’માં આનંદસ્થાન છે. માટે વલ્લભરામની કૃપા હોય તો બંનેમાં છે.’

વલ્લભરામે રોષમાં અને રમતમાં ત્રવાડી પર પ્રહાર કર્યો તે પ્રસાદ પેઠે સ્વીકારી લઈ ત્રવાડીએ ભદ્રંભદ્રને કહ્યું, ’"લીલા"ની ખૂબી તો ઓર જ છે, એ કાવ્યદેવી છે.’

કંઈ સ્મૃતિ થતી હોય તેમ વિચારોને મધ્ય ભાગમાં વહી આવવાની બીક જોવા ખાડા કપાળમાં પાડી ભદ્રંભદ્ર બોલ્યા, ’આપ તો લીલાને કાવ્યદેવીરૂપે વર્ણવો છો, પણ મેં તો એ નામની દેવીનું ખરેખરું મંદિર જોયું છે. કાળિકાનું નામ "લીલા" કદી સાંભળ્યું નથી, પણ ત્યાં જે અદ્‌ભુત ચમત્કાર મેં જોયા તેની આગળ એ નામની અપૂર્વતા તો કંઈ નથી. આપની ઇચ્છા હોય તો એ સર્વ ચમત્કારોનું વર્ણન કરું. નિદ્રાનું સામ્રાજ્ય હજી મારા પર તો થવા માંડ્યું નથી.’

ત્રવાડીએ ઇંગિતથી વલ્લભરામની સંમતિ મેળવી કહ્યું, ’થવા માંડ્યું હોય તો તે દૂર કરતાં અમને આવડે છે તો આપ વાત કહોને.’

ભદ્રંભદ્ર કહે, ’ભૂંડ ને પાડામાં ફેર છે તેટલો વાત અને વર્ણનમાં ફેર છે. પણ એ વર્ણન હજુ સુધી કોઈને કહેવાનો પ્રસંગ મને મળ્યો નથી, તેથી એ ભેદનાં કારણ તથા પરિણામ વિષેના શાસ્ત્રાનુસાર વિસ્તાર કરવા રોકાવું હું યોગ્ય ધારતો નથી અને નિદ્રાનું સામ્રાજ્ય મારા પર થવા માંડ્યા પછી તો આપ શું, બ્રહ્મા પણ તે અટકાવી શકે તેમ નથી. લગુડાદિના પ્રહારથી જેમને નિદ્રા આવતી અટકે અથવા આવેલી ખંડિત થાય તેમને