પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરનારને જોવાની ઈચ્છા કરી નહિ. ધનહરણ કર્યા પછી પણ મારો ત્યાગ તે લોકોએ કર્યો નહિ, તેથી નિશ્ચય થયો કે હું પોતે ઘણો મૂલ્યવાન છું. માત્ર એમ જણાયું કે આ લોકો એમ સમજતા હતા કે પ્રહારથી મૂલ્ય વિશેષ વધે છે. વિચાર કરતાં મને લાગ્યું કે તેમની આ ભ્રાંતિનું કારણ એ હોવું જોઈએ કે લોહ, સુવર્ણ, મણિ ઇત્યાદિનું મૂલ્ય પ્રહારથી અને છેદથી જ વધે છે, આ ઉપરથી એ લોકોના ધંધા વિષે અનુમાન કરતો હતો તેવામાં અમે પગથિયાં ઊતરવા માંડ્યા એમ જણાયું. પગથિયાં ઘણા હશે એમ લાગતું હતું, તેથી મારા પગને શ્રમ આપ્યા વિના આ લોકો મને અધ્ધર ઉપાડીને ઊતરતા હતા. તે માટે ઉપકારવૃત્તિ મારા હ્રદયમાં સ્ફુરતી હતી. તેવામાં તેઓ એકદમ અટક્યા અને મને પગથિયા પર ઢળતો સુવાડ્યો. મારાં મ્હોંમાંથી ડૂચો કહાડ્યો. મારી આંખોના પાટા છોડ્યાં અને જાણે હું ત્યાં જ રહું તેમાં તેમને વાંધો ન હોય તેમ મારા શરીરને નીચે ગગડાવવાની જોરથી ગતિ આપી તેઓ એકાએક જતા રહ્યા. તેઓ શા માટે જતા રહ્યા તે વિચાર કરવાનો અવકાશ મને મળ્યો નહિ, કેમકે હું એવો ઝપાટામાં નીચે ચાલ્યો કે મારી ગતિ વિનાની બીજી બધી વાત મારા ચિત્તમાંથી ખસી ગઈ. અટકવાને મેં બહુ પ્રયત્ન કર્યો. પણ ઢોળાવ સીધો હતો અને આસપાસ હાથ ફેલાવતાં કંઈ ઝાલી લેવાય એવું જડતું નહોતું. પગથિયાં સાંકડાં હતાં અને બે બાજુની ભીંતો સીધી હતી. પાતાળમાં વીજળી ઊતરે તેમ હું વેગથી ચાલ્યો. પગથિયે પગથિયે માથું કુટાવાથી તથા કોઇ કોઈ ઠેકાણે શરીર અથડાવાથી વાગતું હતું ખરું, પણ ત્વરા ઓછી થતી નહોતી. અંધારામાં ગોળ કડવો લાગતો નથી અને જીભ બંધ થઈ જતી નથી એ અતિ પ્રયાસે શોધી કહાડેલા મહાન સિદ્ધાંતો વિદિત હોવાં છતાં શ્રોતા કોણ છે તે ન જાણવાથી મારી અમૃતમય વાણીનો ઉચ્ચાર કરવો યોગ્ય લાગ્યો નહિ.'

'એવામાં હું એકાએક અટક્યો અને મારા પગ કોઈને જોરથી વાગ્યા. તે માણસ બેઠો હતો તે ઊથલી પડ્યો એમ લાગ્યું અને કેટલાંક વાસણ પણ ખખડ્યાં. તે માણસે "ક્યા હૈ" એવી એકાએક બૂમ પાડી, અને હું બેઠો થઈને ઉત્તર દેવો કે નહિ તેનો વિચાર કરી રહું તે પહેલાં તો એક દંડ વતી તેણે મને સ્પર્શ કરી તથા ખસેડી જોઈ "કોન હે" એવી બદલાયેલા અર્થની બીજી બૂમ પાડી અને હું થાક્યો હઈશ એમ ધારી તે દંડથી તત્કાળ મારો થાક ઉતારવા માંડ્યો. બોલવામાં કંઈ સાર નથી અને બોલ્યું કોઈ માને એમ નથી એમ નક્કી જાણ્યા છતાં મારાથી ભાવિ હતું તે થઈ ગયું. માણસ પરતંત્ર છે, કર્મને વશ છે. માણસ કશું કરી શકતો નથી, કશા માટે જવાબદાર નથી. માણસ બગાસું ખાય છે તે પણ પૂર્વજન્મના કર્મનું પરિણામ હોય છે. લખ્યા લેખ ટળતા નથી તેથી મારાથી બોલાઈ ગયું કે "હું છું." દંડ પ્રહાર ક્ષણભર બંધ રાખી તે માણસે દીવો પ્રગટાવ્યો અને મારા મુખનું દર્શન કર્યું. પળવાર તે મારા ભણી તાકી જોઈ રહ્યો. તેને મારું મુખ સૂર્ય જેવું લાગ્યું કે મેઘ જેવું તે તેણે કંઈ કહ્યું નહિ, પણ મને તો તેનું મુખ કાળ જેવું લાગ્યું. મારા મનમાં ઊભી થયેલી ઉપમા તે જાણી ગયો કે શું પણ હું ઊભો થતો હતો તેવામાં લાત લગાવી તેણે મને પાછો નીચે પાડ્યો તે એક રીતે ઠીક થયું કે શરીરને શ્રમ આપ્યા વિના હું આસપાસ