પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વ વસ્તુઓનું નિરીક્ષણ કરી શક્યો. પડ્યે પડ્યે મેં દીપપ્રકાશની સહાયતાથી દ્રષ્ટિ ફેરવી તો જણાયું કે વગર નોતરે હું જેનો પરોણો થઈ પડ્યો હતો તે અસાધારણ શરીર પુષ્ટિવાળો બાવો હતો. ભોંયરું ઘણું જ સાંકડું ને નહાનું હતું. એક પાસે દેવીની મૂર્તિ હતી, એક પાસે સાદી ભીંત હતી. એક પાસે ભીંતમાં ગોખલામાં ખીંટી હતી અને એક પાસે હું જે માર્ગે આવી યશસ્વી કૂચ કરીને આવ્યો હતો તે સીડી હતી. ભોંય પર એક મૃગચર્મ, એક મદિરાની શીશી, એક ત્રિશૂળ, બે ખોપરીઓ, બે દીવાઓ અને ત્રણ-ચાર વિચિત્ર આકારના ત્રાંબાના વાસણ પડેલાં હતાં. ઉપર છતમાં બે જાળીઓ હતી અને વચમાં એક કોડિયું ઊંધુ ટીંગાવ્યું હતું. તેમાં ગરોળી જેવું કંઈ તરફડતું બાંધેલું હતું. તેથી ખોપરીઓમાં સાપના અને દેડકાનાં ડોકા જેવા કકડાઓ બહુ જ દુર્ગંધ મારતા હતા, તેથી ત્રાસ પામી મેં દેવી ભણી દૃષ્ટિ કરી. દેવીની મુખાકૃતી પ્રસન્નતાવાળી હતી અને વદન પર કંઈ પણ ચંડતા નહોતી. સસ્મિત નયનવિકાસ હતો. તેના કેશ છૂટા હતા, પણ તે પર ફૂલ ગોઠવેલાં હોવાથી ચંડીસ્વરૂપની એ સાધારણ સામગ્રીથી સૌંદર્યમાં જ વધારો થતો હતો. જમણા હાથમાં શસ્ત્ર હોવાને બદલે એક કમલની આકૃતિ હતી અને હાથનો અગ્ર ભાગ કોણી આગળથી ગાલ ભણી વળેલો હતો. ડાબો હાથ સરળતાથી સીધો નીચો રાખેલો હતો. શરીરે કસુંબલ ચૂંદડી પહેરાવેલી હતી. શીર્ષ પર મુગટ હતો. કપાળે ચાંલ્લો હતો, હાથે બંગડીઓ હતી. દેવીનું આસન વાઘ કે મહિષ પર નહોતું પણ એક પગ સીધો અને એક સહેજ વાંકો રાખ્યાથી કંઈક રમ્યતા જણાતી હતી. મૂર્તિ શ્વેત પાષાણથી ઘડેલી હતી અને તે પર પીઠીનો લેપ કર્યો હતો એમ લાગતું હતું. આખી પ્રતિષ્ઠામાં કાળો પથ્થર કોઈ ઠેકાણે નહોતો.

'હું આ નિરીક્ષણ કરતો હતો તે વખતે બાવો બીજી દીવીમાં તેલ રેડવામાં તથા દીપ પ્રગટાવવામાં રોકાયો હતો. બંને દીવામાંનું તેલ કોઈ પ્રાણીને પીલીને કહાડેલું હોય એમ લાગતું હતું, તથા દીવા તડતડ થતા હતા. બીજો દીવો સળગાવી બાવાએ તરત દેવીની આરતી ઉતારી. તે વખતે માલૂમ પડ્યું કે તેની ડોકે એક સાપ વીંટાળેલો ઝૂલતો હતો, આવી ત્રાસદાયક સામગ્રીથી આવી સૌમ્યાકૃતિ દેવીની શા માટે ઉપાસના કરતો હશે તે વિસ્મયની સાથે આ ગુપ્ત મંદિરમાં આવવાનું મારું વૃતાંત બાવો પૂછે તો શી રીતે આપવું તે હું મનમાં ગોઠવતો હતો. તેવામાં તે બાવાએ આરતીવાળો દીવો હોલવી નાંખ્યો અને દીવી પર પાછો મૂક્યો. એકાએક ડોક પરથી સર્પ કહાડી ગોખલાની ખીંટી પર મૂક્યો. બીજો દીવો હાથમાં લઈ તેની જ્યોત ખીંટીને થોડી અડકાડી. બીજે હાથે તે ખીંટી નીચે ખેંચી એટલે તરત કડાકો થયો. છતમાં ટીંગાવેલું કોડિયું નીચે પડીને ભાંગી ગયું. ગરોળી પૂંછડીની દોરી સાથે દોડી ગઈ. છતમાંની એક જાળી ખસી બીજી જાળીની અડોઅડ આવી અને તેની જગ્યાએ એક બાંકું પડી રહ્યું. એક પગ ખીંટી પર મૂકીને એક હાથે જાળીના સળિયા ઝાલી બીજા હાથમાં દીવા સાથે બાવો ઉપર કૂદી ગયો અને પછી જાળી ખસી આવી. અંધારું થઈ ગયાથી બીજું શું થયું તેની મને ખબર પડી નહિ, પણ ખીંટી પર સર્પ હતો તેથી ત્યાં સ્પર્શ કરી બાવાના જેવો પ્રયોગ કરવાની ઇચ્છા મને થઈ નહિ.'