પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'દીવો ફરી પ્રગટાવવાનું સાધન ત્યાં કંઈ હોય એમ મારા જાણવામાં નહોતું. તેમ અંધારામાં તે માટે ખોળ કરવાની પણ વૃત્તિ થઈ નહિ. મૂર્તિ દેખાતી નહોતી પણ ત્યાં મૂર્તિ છે એ જ્ઞાનથી મને બીક લાગવા માંડી. ફાંફા મારી સીડી શોધી કહાડી અને ઉપર ચઢવા માંડ્યું. હેઠળ આવતી વેળા શ્રમ વિના કેવો સપાટામાં આવ્યો હતો તેની સ્મૃતિ થઈ, પણ તે પ્રમાણે આ વેળા કોઈ મારે શરીરે દોરડાં બાંધી મને ઉપર ખેંચી લે એવી ઈચ્છા ઉત્પન્ન થતાં જ તે અસ્વીકાર્ય થઈ. બ્રાહ્મણના પેટમાં માઈ શકતા મોદકની સંખ્યા પેઠે પગથિયાંની સંખ્યા અપાર જણાતી હતી. નીકળવાનું મૂળ સ્થાન અંધકારમાં શોધી કાઢવા સારુ પશુઓ જેવી ઘ્રાણશક્તિની મને ઈચ્છા થઈ અને તેથી મેં સિદ્ધાંત કર્યો કે પુનર્જન્મમત સામે પૂર્વજન્મની સ્મૃતિના અભાવનો વાંધો સુધારાવાળા ઉઠાવે છે તે કેવળ ભ્રાંતિ છે. કેમ કે આ જન્મમાં પશુ પેઠે ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ કદી કર્યા વિના મને થયેલી આ ઈચ્છા પૂર્વજન્મનો સંસ્કાર જ સિદ્ધ કરતી હતી. સંસ્કારજાગૃતિ મહાપુરુષોને જ થાય છે તેથી સુધારાવાળાઓનો આ વાંધો પાછું સિદ્ધ કરે છે કે તેઓ મારા જેવા મહાપુરુષ નથી. આવા વિચારોમાં પગથિયા ચઢતાં હું ઊંચે હાથ રાખવાનું ભૂલી ગયો અને મારું માથું એકાએક કશા સાથે બહુ જોરથી અથડાયું. હું કળ ખાઈ બેસી ગયો, પરંતુ માર પડતાં પણ એટલો લાભ થાય છે કે દંડના સ્વરૂપનું જ્ઞાન થાય છે. વેદના છતાં મને જ્ઞાન થયું કે સીડીને મથાળે હું આવી પહોંચ્યો છું અને ઉપરનું ઢાંકણ બંધ છે. વળી, અંધકારમાં આ જ્ઞાન થયું તેની અજ્ઞાનને અંધાકારની ઉપમા આપવી એ કેટલી મહોટી ભૂલ છે તે સમજાયું.'

'વેદના પૂરેપૂરી બંધ થાય ત્યાં સુધી વાટ જોવાનું બની શકે તેમ નહોતું, કેમકે અંધકારમાં જ્યાં ભૂત, ભવિષ્ય ને વર્તમાન અભેદજ્ઞાનથી એક થઈ ગયેલા લાગતા હતા ત્યાં કાલની બહુ અછત હતી. તેથી આ એકાએક આવી પડેલા ભારથી શિર મુક્ત થયું તે પહેલાં તેના પર એક બીજો ભાર વધારવો પડ્યો અને બહાર શી રીતે નીકળવું એ ચિંતનમાં વ્યાપ્ત થવાથી શિરને આજ્ઞા કરી. એ નિર્ણય કરવો કંઈ સહેલો નહોતો. ભલભલા શાસ્ત્રીઓ પણ ગોથાં ખાઈ જાય એવો પ્રશ્ન હતો અને શાસ્ત્રીઓ કરતાં કંઈ વધારે જ્ઞાનવાળું હોઈ શકે નહિ, શક્યું નથી અને શકવાનું નથી, એ તો અનાદિ કાલથી સિદ્ધ થઈ ચૂકેલું છે. દિવસ થતાં સુધી વાટ જોવી એ પણ આશાસ્થાન નહોતું કેમકે આ ભોંયરામાં દિવસ અને રાત્રિનો ભેદ પડતો હોય એમ લાગતું નહોતું, અને અંધકાર જ પારમાર્થિક અભેદ જ્ઞાનનું મૂળ થઈ ચૂક્યું હતું. અંતે તર્કબળ વાપર્યું અને હું સંભાળીને ઊભો થયો. ઢાંકણું કેવા પ્રકારનું છે તે જાણવા સારું ન્યાયાનુસાર અનુમાન બાંધવું આવશ્યક હતું. તેથી ઢાંકણાને હસ્તથી સ્પર્શ કર્યો. ડગે નહિ એવડી મહોટી શિલા છે એ જાણતાં જે નિરાશા પ્રાપ્ત થઈ, તેથી થતી મુખ પરની ગ્લાનિ દર્પણને અભાવે મારાથી જોવાય તેમ નહોતું અને બીજું કોઈ તે જોનાર નહોતું તેથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો નહિ, પણ શિર પર છત્ર થઈ રહેલી શિલાસમ ચિત્તને પણ દૃઢ કરવાનો પ્રયત્ન આરંભ્યો; કેમકે અરણ્યમાં રુદન વ્યર્થ છે એ શાસ્ત્રવચન વિદિત હોવા છતાં રુદનનો કંઈક સંભવ જણાતો