પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખોરવાયેલા અજાદિ પ્રાણીની પેઠે કેટલુંક ઉદ્દેશરહિત ભ્રમણ કર્યાં પછી, તથા કુશલ વાદ કરનારની પેઠે કેટલાંક સંદેહાકુલ સ્થાનો દૂરથી જ ત્યાજ્ય કર્યા પછી સૂર્યોદયનાં ચિહ્ન પૂર્વ દિશામાં જોઈ પ્રભાત થયે સૂર્યની સલાહ લઈ હવે અગાડી પગલું ભરવું એમ નક્કી કરી શકે સ્થાને પદ્માસન વાળી હું બેઠો.

'પદ્માસનનું ફળ પ્રાપ્ત થયા વિના રહ્યું નહિ. કેટલીક વારે મારી ઈચ્છા પ્રમાણે પૂર્વમાં સૂર્યનો ઉદય થયો અને પદ્માસનનું શાસ્ત્રોક્ત મહત્વ ન માનનારા સુધારાવાળા ખોટા પડ્યા. આંખો મીંચી સૂર્ય ભણી દૃષ્ટિ કરતાં ચક્ષુ ઉપર જે આકૃતિઓ દેખાઈ તેનો સાર એવો સમજાયો કે સૂર્યની સલાહ એ હતી કે હવે ઊઠીને ચાલવા માંડવું અને માર્ગ દેખાય તે ભણી જવું. આ અમૂલ્ય શિખમણનો પ્રત્યુપકાર વાળવા સૂર્યને વચન આપ્યું કે આજે તને બેવડો અર્ધ્ય આપીશ. નિત્ય આપતા અર્ધ્ય સૂર્ય ક્યાં એકઠાં કરી મૂકતો હશે તેનો વિચાર કરતો હું માર્ગ શોધવા લાગ્યો. એક તળાવડીને કિનારે ઢોર પાણી પીતાં હતાં, ત્યાં જઈ સહુ ઢોરને ડચકારાથી અને લાકડીથી જલપાનનો વિધિ શીખવનાર એક પુરુષ પાસે જઈ હું બેઠો. તળાવડીની એક પાસે બે ઊંચા તાડ ઊગેલાં હતાં, તે જોતાં રાત્રે મારા હરણના અધ્યાયનો અહીંથી આરંભ થયો હશે એમ વિચાર આવતાં ભયંકર જણયેલી બે આકૃતિઓ તે આ તાડ જ હશે એમ પ્રતીતિ થઈ. એ પ્રતીતિને પરિણામે અભેતવ્યથી ભય પામ્યો માટે માનભંગ થયો એટલું જ નહિ, પણ ભૂત ન માનનારા સુધારાવાળાને દેહરહિત વિચિત્ર પ્રાણીઓના સાક્ષાત્ દર્શનના પ્રમાણ સાથે આપવાનો એક ઉત્તર જતો રહ્યો તેથી ખેદ થયો. બીજા ઘણા આર્યપક્ષવાદીઓએ ભૂત જોયેલાં છે તેથી સુધારાવાળાને જય પામવાનો અવકાશ છે જ નહિ; પરંતુ, રાત્રે ભૂત દીઠાં હોય ત્યાં દિવસે જવું નહિ એ શિખામણ કેટલી અમૂલ્ય છે તે સમજાયું અને આર્યપક્ષને ભૂત વિના ચાલે એમ નથી એ પ્રતીતિ હોવાથી આ શિખામણનો વિશેષ પ્રચાર કરવાનો સંકલ્પ કર્યો. ઢોરના મનુષ્યરૂપ સહચારીને એ સ્થાન વિષે કેટલાક પ્રશ્ન પૂછ્યા પછી તે સુધારાવાળો નથી એમ વિશ્વાસ થતાં તે સ્થાનનું નામ સાંભળી આશ્ચર્યપૂર્વક સ્મૃતિ થઈ હોય એવી મુખાકૃતિ કરી મેં પૂછ્યું. "ઓહો, ત્યારે ભોંયરામાં દેવીના મંદિર વિષે સાંભળ્યું છે તે અહીં જ કે?"

મંદિર સંબંધમાં "ક્યા હે" અને "કોન હે" એ બે જ વાક્ય મેં સાંભળ્યા હતાં, અને બાકીનું બધું તો ચક્ષુ વડે જોયું હતું અને ત્વચા વડે અનુભવ્યું હતું; છતાં મારા પ્રશ્નમાં અસત્યનો અંશ લેશમાત્ર પણ નહોતો, કેમકે આ ઘડીએ જે પ્રશ્નનું વાક્ય હું બોલ્યો તે મેં સાંભળ્યું હતું અને એ મનુષ્યે પણ સાંભળ્યું હતું, અને તેથી મંદિરની વાર્તા મારા વાક્યના ઉચ્ચારને અંતે શ્રવણનો વિષય થઈ ચૂકેલી હતી. સત્ય ભાષણના બચાવ માટે આર્યપક્ષને આવા તર્કપ્રયાસની કેવી આવશ્યકતા છે તે આ મનુષ્યના મનમાં ઠસાવવાની અગત્ય હતી. પણ વાચાલતાને મૌનમાં લીન કર્યા વિના મારા હરણનો ઇતિહાસ ગુપ્ત રાખી શકાય તેમ નહોતું. અને તે ગુપ્ત રાખ્યા વિના મારું ગૌરવ જળવાય તેમ નહોતું, અને વળી મારું ગૌરવ જાળવ્યા વિના મારાથી આર્યભૂમિના ઉદ્ધારક રહી શકાય તેમ નહોતું. ધર્મોદ્ધારકોમાં ચરિત જ તેમને રહસ્યપ્રીતિ કરાવે છે.