પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે એ વાત ભૂલી જઈ અપ્રસન્નતા અને અધીરાઈ ગુપ્ત ન રહે એવી આકૃતિ ચાલુ રાખી તે બોલ્યો.

"ડાહ્યલું જણાય છે તો જતું હોય તો જા ને. કૂવે જવાની કોણ ના કહે છે? ઝાડ પર એ ચડજે ને."

'આ વાક્યને અંતે તેણે ડાંગ ઉપાડી. ઘણું કરીને એક ભેંસ આઘી જતી હતી, તેને શાસન કરવાનો તેનો ઉદ્દેશ હતો. પણ, તે તેને પૂછી નક્કી કરવાનો આ સમય નથી એમ ધારી હું ઊઠીને નાઠો. મને જોઈને ભેંસ બરાડા પાડતી આગળ નાઠી, અને મારી ખાતર અથવા તો ભેંસની ખાતર તે પુરુષ ડાંગ લઈને મારી પાછળ બૂમો પાડતો દોડ્યો. બેની વચ્ચે હું મૂંગો મૂંગો દોડ્યો જતો હતો અને દક્ષના યજ્ઞમાં મૃગ અને શિવની વચ્ચે ઊડતી નિરપરાધી અને શિવચરણથી પાવન થતી ઘૂલીની ઉપમાને પામતો હતો. સદ્ભાગ્યે આ ખેલ જોવા લોકો ભેગા થાય તેમ નહોતું. તેથી ડાંગ વિના બીજા કશાની મને ચિંતા નહોતી અને નિશ્ચિંત ચિત્તને લીધે ઠીક દોડાતું હતું. ડાંગધારીએ પોતાનો શ્રમ કંઈક બચાવવા ડાંગ છૂટી અગાડી ફેંકી, તે આઘે પડતાં તે, તે લેવા રહ્યો એટલે હું આડો ફંટાઈ ડાંગ, ભેંસ અને તે બંનેના સ્વામી એ જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞતા સમ ત્રિપુટીથી મુક્ત થઈ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને મને બ્રહ્મત્વની સ્ફુરણા થઈ. આવું અગત્યનું જ્ઞાન મને જેણે આપ્યું તેનાથી આવી રીતે વિયોગ થવાનું સર્જેલું જાણી ખેદ થયો. પણ, સમજફેરની બીકને લીધે તેનું ફરી દર્શન કરવું યોગ્ય લાગ્યું નહિ. બ્રહ્મત્વમાં આવો વિશેષ પ્રવેશ થયો તે સમયે પલાયનરૂપ કાયરતા સાધનભૂત બની એ માટે ગ્લાનિ થવા દેવી ઉચિત નહોતી, કેમ કે પરમાર્થમાં સાધનની યોગ્યાયોગ્યતા જોવાની નથી; બ્રહ્મત્વ પ્રાપ્ત કરવામાં પાપ, પુણ્ય, દુરાચાર, સદાચાર બંનેની સરખી છૂટ છે, તો કાયરતા અને શૂરતાનો ભેદ ક્યાંથી ગણનામાં લેવાય? આ અભેદ જ્ઞાનથી પોતાને શૂર માની લઈ સંતુષ્ટ થતાં પ્રેમની સ્મૃતિ થઈ અને ગૃહ પ્રતિ ગમન કરવાની વૃત્તિ થઈ. પણ "ભૂતની દિવાળી"નું સ્થાન ફરી જોવા આવવાનું મન નહિ થાય એવી મનની હઠ જાણી લઈ, ડાંગપતિએ દર્શાવેલી તેની દિશા ભણી મેં ગતિ કરી.

'કૂવા અને પીપળા પાસે આવી પહોંચતાં મને જે હર્ષ થયો તેને બે ઉપમાન સાથે જ સરખાવી શકાય: - એક પાશ્ચાત્ય દેશોની કલ્પિત કથામાં અમેરિકાનું પ્રથમ દર્શન થતાં કોલમ્બસને થયેલ હર્ષ, અને બીજું આર્યદેશના વાસ્તવિક રીતે બનેલા ઇતિહાસમાં વિંધ્યાચલને ઊંચો વધતો અટકાવવા તેને માથું નમાવવાનું કહી અગસ્ત્યને ફલંગ મારતા જોઈ સૂર્યને થયેલો હર્ષ. પહેલાં શ્રમમાં હર્ષ ભૂલી ગયો હતો તેમ હવે હું હર્ષમાં શ્રમ ભૂલી ગયો અને ત્વરાથી કૂવા-કિનારે જઈ ઊભો. કૂવો ઈંટેરી હતો, તેનું મ્હોં સાધારણ કરતાં વધારે પહોળું હતું, અને પીપળાની કેટલીક ડાળીઓ કૂવા પર લટકતી હતી એ વિના બીજી કંઈ વિશેષતા નહોતી. આગિયા કીડા એ સમયે જણાતા નહોતા માટે 'મેં તે જોયા નથી, પણ ભૂતની દિવાળી જોયેલી છે.' એમ કહી ભૂતપક્ષનું સમર્થન કરવાનો માર્ગ હું મનમાં ગોઠવતો હતો; તેવામાં ઝાડ પર ચઢવાની