પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડાંગધારી શત્રુરૂપ મિત્રે કરેલી સૂચના સાંભળી અને તેમ કર્યાથી ભૂતની દિવાળી વિશે વધારે જાણી શકાશે એમ લાગતાં તત્કાળ ઝાડ પર ચઢવાનો સંકલ્પ કર્યો.

'ઝાડનું થડ કૂવાના મ્હોં પર એટલું બધું પાસે હતું કે થડ પરથી ચઢવામાં કૂવાને ગોઝારો કરવાનો ભય હતો અને અપરાધ વિના તે કૂપને ભરતભૂમિના ભાનુના નાશનું હતબાગ્ય નિમિત્ત બનાવવો એ અન્યાય ભરેલું હતું. તેથી મને પોતાને ભય નહિ છતાં ઝાડ પર ચઢી જવાનો બીજો પ્રકાર શોધી કહાડ્યો. થડને બીજે પાસે એક ડાળ નીચે લટકી રહી હતી. તે ભણી જઈ તે ડાળ ઝાલીને લટક્યો તથા મારા શરીર તથા ગૌરવને અનુરૂપ ઉછાળા મારી ઉપર જવા લાગ્યો. હું આમ થોડેક ઊંચે ગયો તેવામાં કોઈ ભૂતે દુષ્ટ ખેલ કર્યો તેથી અથવા તો વિધાતાએ કર્મફળનો ઉદય પ્રગત કર્યો તેથી, અથવા તો મારા સાંનિધ્ય માટે કૂપ અને વૃક્ષ વચ્ચે ટંટો થતાં બંનેએ સમાધાનનો મધ્યમ માર્ગ શોધી કહાડ્યો તેથી, હું ચડતો હતો તે ડાળી આંટો ખાઈને કૂવાના મહોં ઉપર વહી આવી અને તેની મધ્યમાં આવી અટકી અને કૂપનું વૃત્તાંત પૂછવા વૃક્ષમાંથી નીકળી આવેલ અધિદેવ સમ હું કૂપ ઉપર ટીંગાઈ રહ્યો. ઉપર જવા કૂદકા મારવાનું ચાલુ રાખતાં ડાળી તૂટી જવાની હવે બીક લાગવા માંડી અને નીચે ઊતરવાનો તો વિચાર કરવો જ વ્યર્થ હતો, કેમકે કૂવાના પહોળાણને લીધે ભૂમિનો સ્પર્શ કરી શકાય એમ હતું નહિ. તરફડિયાં મારવાથી લાભ નહોતો છતાં આજ્ઞા વિરુદ્ધ થઈ પગ સહેજાસાજ હાલતા હતા. આ સ્થિતિ બહુ વાર ટકશે તો મારાથી ડાળીને ઝાલી રેવાશે નહિ એ સંશય મારા ચિત્તમાં વ્યાપિ રહ્યો. નીચેનું પાણી ઘણું ટહાડું હશે કે કેમ, ડૂબકીઓ ખાવાથી પાણી મ્હોંમાં જાય કે કેમ, લાંબો કાળ તરતા રહી શકાય કે કેમ, ઈત્યાદિ વિચાર ચિત્તમાં પ્રવેશ કરી એ સંશયનો અવકાશ ઓછો કરતા હતા. એવામાં ડાળી ધીમા કડાકા સાથે મારી આશા પેઠે મૂળમાંથી ઊતરવા લાગી અને હું ધબકતા હ્રદય સાથે કૂવામાં અનિચ્છાપૂર્વક ઊતરવા લાગ્યો. ડાળીનો વૃક્ષ સાથેનો સંબંધ કેટલો બાકી રહ્યો છે તે દેખાતું નહોતું. તેથી ગમે તે થાય પણ ડાળીને પકડબળથી ઝાલી રાખવાનો મેં નિશ્ચય કર્યો.

'એવામાં એક ઠેકાણે મારા પગ કૂવાની ભીંતને અડક્યા અને ત્યાં ગોખલાથી વધારે પહોળી જગા છે એમ લાગવાથી દૃષ્ટિ ફેરવી તો જણાયું કે મનુષ્ય ઊભો રહીને પ્રવેશ કરી શકે એવડું બારણું હતું અને તેમાં વચ્ચે દોરડું લટકતું હતું. વેદાંતજ્ઞાનનો આ પ્રસંગ ન હતો તેથી રજ્જુ સર્પની ભ્રાંતિનો વિચાર ન કરતાં એક હાથ છૂટો કરી મેં દોરડું પકડ્યું અને બારણામાં પગ મૂકી સ્થિર ઊભો રહી બીજે હાથે ડાળી પણ મૂકી દીધી. ડાળીની અને મારી મૈત્રી દીર્ઘકાળની નહોતી તેથી ડાળીનું શું થયું તે જોવા હું ન રહ્યો, પણ બારણું મૂકે અગાડી અંદર ગયો.

'અંદર સર્વ સુખની જ સામગ્રી હશે એમ માનવાને કંઈ કારણ નહોતું અને શરીરકષ્ટ મારી પેઠે ભલું પડેલું હોવાથી મારે ને તેનો ઘડી ઘડી અકસ્માત મેળાપ થઈ જતો હતો એમ મને વિચાર કરતાં હવે લાગતું હતું. કૂવાની વચમાં આવેલી આ વિચિત્ર જગામાં અંદર જતાં એવા કષ્ટના પ્રસંગ સાથે ફરી મેળાપ થઈ જવાનો સંભવ