પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનુષ્યમંડળી પાસે જઈ પહોંચવા હું અગાડી વધ્યો.

'ગલીના બે-ત્રણ આંટા ફર્યા પછી વધારે પ્રકાશ જણાયો અને નાતમાં શાકાદિ બંધ થઈ એકાએક લાડુ દર્શન દે તેમ લાંબી ચાલતી આવેલી ભીંત બંધ થઈ એકાએક દ્વાર દૃષ્ટિએ પડ્યું. દ્વારમાં પ્રવેશ કરતાં લંબાણમાં ઘણો વધારે અને પહોળાણમાં ઘણો ઓછો એવો એક ઓરડો આવ્યો. ઓરડામાં પચીસેક પુરુષો હતા, પણ, તેઓનું ફરીનું (મારા સાંભળવામાં ત્રીજું) અટ્ટાહસ્ય તે જ ક્ષણે આરંભાયેલું હતું તેથી તેઓનાં શરીર એટલાં ડોલાયમાન હતાં કે તેઓની મુખાકૃતિ તત્કાળ હું જોઈ શક્યો નહિ અને કોઈની દૃષ્ટિ મારા ઉપર પડી નહિ. સર્વનાં મ્હોં પહોળાં હતાં, દૃષ્ટિ ઊંચી હતી અને સર્વ બેઠાબેઠા પોતાનું ધડ હલાવી કમરથી તાળવા સુધીના ભાગને ત્રિજ્યા બનાવી અર્ધવર્તુલ રચતા હતા. બધાનાં માથાં ઉઘાડાં હતાં અને માથાંમાં ગુલાલ પડેલું જણાતું હતું. બોંય પર કંઈ ફાટુંતટું પાથરેલું હતું, તે ઉપર ગુલાલ વેરાયેલું હતું અને મદિરાની શીશીઓ તથા ભોંયરાના મંદિરમાં મેં રાત્રે જોયાં હતાં તેવાં વિચિત્ર આકારનાં તાંબાનાં વાસણો પડ્યાં હતાં. શરીરકમ્પનાં મોજાં બંધ થવાં આવ્યાં એટલે બધાંના લૂગડાં ગુલાલથી છંટાયેલાં જણાયાં. હાસ્ય પુરું થઈ રહેતાં સર્વ સ્વસ્થ થયા, પરંતુ મને ત્યાં આવેલો જોઈ કોઈને વિસ્મય થયેલો જણાયો નહિ. મેં ઊભા ઊભા કૌતુકભરી દૃષ્ટિ ફેરવી તો જે પુરુષને મેં રાત્રે ભોંયરામાં મારાથી ડરાવી નસાડી મૂક્યો હતો તે સર્વની મધ્યમાં બેઠેલો હતો. હું આશ્ચર્યથી ચકિત થયો અને આ સમયે તે પુરુષ સામું વેર વાળી મને ડરાવી નસાડી મૂકશે કે કેમ એ શંકા મને થઈ અને બીજો શરીરભાગ કરતાં મારા પગને તે પુરુષનો અને તેના દંડનો વિશેષ સ્પર્શ થયો હશે તેથી કે કોણ જાણે શાથી મારા પગ વિશેષ કંપવા લાગ્યા.

'તેવામાં વળી એક બીજું આશ્ચર્યકારક થયું. હજી લગી બધા પુરુષો જ છે એમ મેં જાણ્યું હતું, પણ એક પાસેની હારના છેડા નજીક એક સ્ત્રી બેઠેલી જણાઈ અને ભોંયરામાં જે દેવીની મૂર્તિ મેં જોઈ હતી તેના જ સમાન આ સ્ત્રીની આકૃતિ હતી. હું આર્ય છું તેથી હું માનું છું કે મૂર્તિપૂજા એ આ દેશની કીર્તિસ્તંભભૂત વ્યવસ્થા છે અને અતિસૂક્ષ્મ બુદ્ધિથી શોધી કહાડેલું પરમ રહસ્ય છે અને તે જ માટે મૂર્તિઓમાં દિવ્યતા છે અને તેઓ હાલી શકે છે, ચાલી શકે છે, ભોજન ખાઈ શકે છે, બગાસાં ખાઈ શકે છે, વિચાર કરી શકે છે અને પોતાના ભક્તો પેઠે ઢોંગ પણ કરી શકે છે, એમ હું માનું છું અને એમ માનવા કારણ ન માગવાને હું બંધાયેલો છું. છતાં આ મૂર્તિ સ્વસ્થાન તજી અહીં આવી મનુષ્યો સાથે બેઠેલી જોઈ એથી મને આશ્ચર્ય થયું. તે સુધારાવાળાના આર્યધર્મોચ્છેદક વચનોના સતત શ્રવણનું પરિણામ હોવું જોઈએ અને તેમના જ ભ્રષ્ટ પાસ બેઠેલો તેથી મૂર્તિમાં ચમત્કારિક શક્તિ હોય છે તે માટે જ તે રૂપ ધરી આવ્યાથી આમ થયું છે એ સંભવને બદલે, ભોંયરામાં દીઠેલી આકૃતિ મૂર્તિ જ નહોતી પણ સ્ત્રી હતી એ સંભવ મને વધારે માન્ય થવા લાગ્યો. મૂર્તિના જે ચમત્કાર માટે મેં વિકત્થન કરેલાં તે ચમત્કારના પ્રથમ દર્શને જ હું સુધારાના પાશમાં લપટાઈ ક્ષણભર અનિચ્છાપૂર્વક આર્યપક્ષને આમ અયોગ્ય બનતો જોતો હતો,