પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેવામાં તે દેવીની બે પાસે બેઠેલા બે પુરુષો પર મારી દૃષ્ટિ ગઈ. તેઓ મારો દૃષ્ટિપાત સહન કરી શકતા ન હોય એમ લાગ્યું અને - અરે, હવે આજ તો લાગે છે કે એમાંનો એક આપ વલ્લભરામ જેવો જ હતો અને- બીજો પણ આપ ત્રવાડીના જેવો હતો. મને નિશ્ચય થાય છે કે આપ બંને જ ત્યાં હતા. વાહ! ત્યારે તે ઘડીએ કેમ નહિ! મેં તે સમયે આપને ઓળખ્યા નહોતા. બંને ઠગ તો ખરા!'

આ વાર્તા અહીં સુધી આવવા માંડી ત્યારના ત્રવાડી વ્યાકુલ થયેલા જ હતા અને અગાડી કહેતાં ભદ્રંભદ્રને અટકાવવાની ઈચ્છા ત્રવાડીના નાસિકાવિકારના પ્રાદુર્ભાવથી જણાતી જ હતી. તેવામાં 'ઠગ'નું ઉપનામ સાંભળી તેમને રોષ દર્શાવવાનો પ્રસંગ મળ્યો અને દેવને પણ અસ્પર્શયોગ ભદ્રંભદ્રના શરીરનું ગૌરવ ભૂલી જઈ જે હસ્ત તેમના ભણી નમસ્કાર માટે લાંબો થવો જોઈએ તે હસ્ત દુષ્ટ આશયથી લંભાવી ભદ્રંભદ્રના ગાલ પર તેમણે જોરથી તલપ્રહાર કર્યો. ભદ્રંભદ્ર અસાવધ બેઠા હતા તેથી ઈચ્છા ઉપરાંત જમીન સરસા ચત્તા થઈ ગયા. પણ પથારીમાં હતાં તેથી વાગ્યું નહિ અને જગતમાં ઉત્પાતસૂચક આ મહાન અધર્માચાર જોઈ ન શકવાથી હું દૂર ખસી ગયો હતો તે પાછો પાસે આવી પહોંચી સહાય થાઉં તે પહેલાં તો શૂરત્વ વાપરીને તે પોતાની મેળે બેઠા થઈ ગયા.

ભદ્રંભદ્રને ગબડી પડતા જોઈ ઉત્પન્ન થયેલું હાસ્ય દબાવી રાખી વલ્લભરામે ત્રવાડી તરફ કોપભરી દૃષ્ટિ કરી. તેને કાન પકડી પથારી પરથી આઘો ઘસડ્યો અને ભદ્રંભદ્રના સ્વસ્થાને પાછા આવેલા પગમાં નમસ્કાર કર્યા. આ સર્વ એક ક્ષણમાં બન્યું. હજી ભદ્રંભદ્રના કપોલ પર દોડી આવેલી રતાશ કાયમી હતી અને તેમની પાઘડી ગગડી જતી અટકી નહોતી. પણ એટલી થોડી વારમાં પણ હિંમત ધરી ભદ્રંભદ્ર મુક્કી વાળી ઊભા થઈ ગયા. પાઘડીને પડતી મૂકી ત્રવાડી તરફ ધસ્યા અને ગુસ્સાથી કે ડરથી જીભ લચકાતાં છતાં અસ્પષ્ટ કોપવચનો ઉચ્ચાર્યાં. વલ્લભરામે તેમને ઝાલી રાખ્યા અને હું ધારું છું કે તેમને ઝાલી રાખવા માટે જેટલા જોરની જરૂર હતી તે કરતાં ઘણું જોર કરી તેમને દબાવ્યા. ભદ્રંભદ્રે અકળાઈને છૂટવાનો પ્રયત્ન કર્યો; પણ વલ્લભરામે પ્રશ્રયનો ડોળ કરી બેહદ જોર વાપરી તેમને બેસાડી દીધા અને હું ન જાઉં તેવી રીતે નયન પલકારવાનો પ્રયત્ન કરી ત્રવાડીને પાસે બોલાવી તેના પર સ્મિત સાથે લત્તાપ્રહાર કર્યો. વલ્લભરામે પીડા કરવા સારુ જાણી જોઈને બહુ જોર વાપર્યું હતું કે ભદ્રંભદ્રને અતિબળવાન ધારી તેમ કર્યું હતું તે વિશે ભદ્રંભદ્રનો અભિપ્રાય પછીથી પૂછવા છતાં તેમણે મને કહ્યો નથી, પણ તે વાત જાણે લક્ષમાં જ ન હોય તેમ ભદ્રંભદ્રે ત્રવાડીની કુચેષ્ટા માટે જ ક્રોધવૃત્તિ પ્રકટિત કરી. આ મૂક વ્યાપાર આખરે બંધ કરી વલ્લભરામે કહ્યું, 'ત્રવાડીએ એવી મૂર્ખતા કરી છે કે તે માટે શિક્ષા નહિ પણ ક્ષમા જ ઘટે છે.'

ભદ્રંભદ્ર કહે, 'પ્રહર મૂર્ખતાથી કરવામાં આવે છે તે હું સમજી શકું છું અને તે માટે ક્ષમા કરવાનો મેં પોતાને અભ્યાસ પાડ્યો છે. પરંતુ મારો એક નિયમ છે કે સૂઈ જતાં સુધી પાઘડી માથા પર જ રાખવી અને ઊંઘની અપેક્ષાએ જ તે કહાડવી, એ નિયમ આજે જ ભગ્ન થયો છે. પાશ્ચાત્ય લોકો ઘડી ઘડી શિરોવેષ્ટન કહાડે છે