પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભદ્રંભદ્રે પણ પાઘડી પહેરતાં પહેરતાં એવી જ મરજી જણાવી, પણ વલ્લભરામ ત્રવાડી ભણી જોઈ બોલ્યા, 'હજાર વાર રહસ્ય સમજાવ્યા છતાં તું સમજતો નથી. દેવથી કથા તે અધૂરી રખાય! સત્યનારાયણની કથા અધૂરી સાંભળી ઊઠી જનાર હજારો મનુષ્યો તત્કાલ મૃત્યુ પામ્યાના દાખલા શું આપણે કલ્પી શકતા નથી? એવા દાખલા બન્યા નથી તેનું કારણ એટલું જ કે કોઈ એમ ઊઠી ગયું નથી. પણ માટે સિદ્ધાંત ખોટો નથી. ઊલટી ઉદાહરણ વિના સિદ્ધ થઈ શકવાની એ સિદ્ધાંતની ખૂબી જ પ્રકાશિત થાય છે અને લીલાદેવીનું માહાત્મ્ય કંઈ એથી ઓછું નથી કે કથા અધૂરી રાખતાં એવા કોપની ભીતિ ન રહે.' ભદ્રંભદ્ર તરફ જોઈ વલ્લભરામ બોલ્યા, 'મહારાજ, આપ એ વૃત્તાંત અગાડી ચલાવોને. ત્યાં અમે જણાયા એવી ભ્રાંતિ આપને કેમ થઈ તે આ પૂરું થયા પછી સમજાવીશું. એટલે ઠગ કોણ તે આપોઆપ જણાશે. ઠગ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત સ્થગ્ ધાતુ પર જ છે. જે છાનું રાખે, ખરું ન કહે, ખરી વાત ન કહે, પછી જાણી જોઈને, ભૂલથી કે ભ્રાંતિથી તે ઠગ. જે ખરી વાત જાણે તે ઠગ કહેવાય નહિ, કેમકે ખરું જાણવું તે ખરું કહ્યા બરોબર છે; જાણવું અને જણાવવું તે એક જ છે. કારણ કે જાણ્યા વિના જણાવી શકાતું નથી અને જ્ઞાતા જ્ઞાનક્રિયા સાથે વિશ્વમાં સર્વવ્યાપ્ત છે. આપના રસિક સુભાષિત અને મનોરંજક વૃત્તાંતમાં આ સર્વનું જ્ઞાનનું મૂળ છે. માટે તે અગાડી કહી અમને કૃતાર્થ કરો.'

આ વચનો સાંભળતાં ભદ્રંભદ્ર કંઈક વિચારમાં પડ્યા, કંઈક ગૂંચવાયા તથા 'મનોરંજક' શબ્દ સાંભળી ચમક્યા. છતાં આખરે કંઈક રાજી થયા અને વાર્તા ફરી શરૂ કરી બોલ્યા કે,

'દેવીની બે પાસે બેઠેલા બે પુરુષો વિશેની મારી કલ્પના ખરી હશે કે ખોટી હશે, પણ મારું ત્યાં જવું તેઓને રુચ્યું નહોતું એમાં સંશય નથી. ક્ષોભ મૂકી દઈ બેમાંથી એકે મને પાસે બોલાવવાની સાન કરી. હું સભય આશ્ચર્યથી એવો સ્તબ્ધ થઈ ગયેલો હતો કે અનાયાસે જ મેં તેની ઈચ્છાને અનુસરી તેના ભણી ગતિ કરી. એવામાં એકાએક બીજાએ મરા મુખ પર ખોબો ભરી ગુલાલ નાખ્યું. ચિંતાથી મારા મુખ પરથી પદ્મસમ રક્તતા ઊડી ગયેલી દેખાયાથી મારી મુખલક્ષ્મી પાછી આણવા તેણે આમ કર્યું હશે અને વૈકલવ્ય છતાં મારું મહાપુરુષત્વ જણાઈ જવાથી પોતાના મંડળની પ્રતિષ્ઠા વધારવા માટે અને તે મંડળમાં લઈ લેવા તે ઉત્સુક હશે; પણ મને પ્રથમ પૂછવું જોઈતું હતું કે હું મારી આંખોની સંમતિ મેળવી લેત. આંખોની સંમતિ વિના ગુલાલ અભ્યાગત થઈ તેમને આવાસે ઘૂસી ગયું તેથી મને ક્રોધ ચડ્યો અને તેમને મનાવવા હું નીચો વળી આંખો લૂછવા લાગ્યો. મારો શ્રમ બચાવવાના હેતુથી અથવા જે કૂવાના જલથી દૂર રહેવા હું ઉત્કંઠિત હતો તેને મારો પાવન સ્પર્શ થવો સમૂળગો રહી ન જાય એ ઈચ્છાતી કોઈએ મારા પર પુષ્કળ પાણી રેડ્યું. અભિષેક બસ કરવાની સંજ્ઞા કરવા મેં ઊંચુ જોયું તો એક મનુષ્યે જળપાત્ર નાખી દીધું અને બીજા કેટલાક તેને આવી મળતાં તેઓ કૂંડાળુ વાળી મારી આસપાસ ચક્કર ફરવા લાગ્યા. હસ્તના અનિયંત્રિત ઉલ્લાસ સહિતની તેમની ત્વરિત ગતિ વખાણવા જોગ હતી, પણ તે બહુ વાર ટકી નહિ. એક પુરુષ કૂંડાળામાંથી નીકળી મારા બે ખભા પર જોરથી હાથ મૂકી મને બેસાડી