પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જઈ મારા પરથી કૂદી ગયો અને તે પછી બાકીના સોબતીઓએ પણ તેમ કર્યું. ખભા પર આટલા બધા આંચકા લાવ્યા છતાં હું ઊથલી ન પડ્યો એ નવાઈ જેવું હતું. તે લોકોની કૂદવાની કુશળતા અથવા મારી બેસવાની કુશળતા એ બેમાંથી એકનું પરિણામ તો એ હતું જ. બળતી આંખો, ભીનાં લૂગડાં, દુખતા ખભા ભૂતકાળનો શ્રમ અને વર્તમાનકાળની અસ્વસ્થતા. એ સર્વ સાથે આ કુશળતા કોની તેનો નિર્ણય કરવામાં ચિત્તને લગાડવાનું બની શકે તેમ નહોતું અને બીજા કોઈ નિષ્પક્ષપાત નિર્ણય કરે એવી આશા નહોતી તેથી કોઈ વધારે ન્યાયાનુકૂળ સ્થળમાં જતા રહેવા નિશ્ચય કરી મેં ધૈર્ય ધરી સર્વ ભણી દૃષ્ટિ ફેરવી કહ્યું,

"હું આ કૂવામાં અકસ્માત્ ઊતરી આવેલો છું અને બહાર નીકળવાનો માર્ગ શોધું છું."

'રાત્રે ભોંયરામાં જે અસાધારણ પુષ્ટિવાળો પુરુષ મને મળ્યો હતો તે સુભાગ્યે મારા પરથી કૂદી જવામાં નહોતો પણ દૂર બેઠો નિરીક્ષણ કરતો હતો. આ સમયે તે બાવા જેવો નહોતો લાગતો પણ સર્વ પેઠે સાધારણ વેશમાં જ હતો, તેનું મૌન અપૃચ્છામાં ન માઈ શક્યાથી તે બોલે ઊઠ્યો,

"રાત્રે દેવીના મંદિરમાં મારી પૂજામાં વિધ્ન કરવા તું આવ્યો ત્યારે પણ અકસ્માત્ આવ્યો હતો અને માર્ગ શોધતો હતો ખરું વારુ?"

'ઊભો થઈ અગાડી આવી બધા ભણી જોઈ તે બોલ્યો, "લીલાદેવીના મંદિરનો તળાવ તરફનો પગથિયાવાળો માર્ગ અને કૂવા માંહેલો ગલીનો માર્ગ આ માણસ જાણી ગયેલો છે. એ મારી શંકા ખરી ઠરે છે અને કોઈ રીતે ભોંયરાનું ઢાંકણું ઉઘાડવાનો વિધિ પણ એ જાણી ગયો છે, માટે હવે એને પાછો જવા દેવો એ સલામત નથી. બે તરફને માર્ગે આવજા કરતો એને અટકાવવો જ જોઈએ. માટે એના શરીરના અઠ્ઠાવીસ કકડા કરું છું, તેમાંથી એકેક તમો સત્તાવીસ નક્ષત્રમાંના દરેકને અને એક સોમસ્વરૂપ લીલાદેવી! તને બલિદાન આપું તે માટે પરવાનગી આપ. મારી પૂજાની ઈર્ષ્યા નક્ષત્રોમાંથી પણ કોઈકને હશે અને તેમાંથી કોઈએ ભંગ કર્યો હોત તો તેની શિક્ષા દેવી! તું કરત. પણ પાતાળમાં કૌતુક જોવા નીકળેલા આ સાહસિક દુષ્ટને તો મને જ શિક્ષા કરવા દે. મંદિરમાં તળવાની સામગ્રી હોત તો હું ત્યાં જ એનો વધ કરત અને વ્રતભંગ પછી મંદિરમાં પગ મૂકવાનો નિષેધ ન હોત તો એને ત્યાંથી ઉપાડી લાવવાની ગોઠવણ કરત. ચંદ્રમંડળ બહારના મનુષ્યના સ્પર્શ અને દર્શનથી દૂર રહેવાનું મારું વ્રત છેક છેલ્લી રાત્રિએ આ દુષ્ટે ભગ્ન કર્યું છે તેથી મારો કોપ એનો વધ કર્યા વિના નહિ શમે."

'ચંદ્રમંડળમાં ફરી અટ્ટહાસ્ય વ્યાપી રહ્યું, પણ તે પહેલાં જેટલું લાંબું ચાલ્યું નહિ. લીલાદેવીની પાસેના બે પુરુષોએ ઊઠીને કેટલાકને ઘસડ્યા, કેટલાકના કાન આગળ બૂમો પાડી અને સર્વને હાસ્યના કેફમાંથી જગાડ્યા. બેમાંથી જે આપ વલ્લભરામના જેવો હતો તેણે સ્વસ્થ થયા પછી મારા ભણી આંગળી કરી દેવીને કહ્યું.