પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. એ પ્રસિદ્ધ થયું ત્યારે એણે આપણા સુશિક્ષિત ને સાહિત્યકિ તરુણો પર એટલો બધો પ્રભાવ પાડ્યો હતો કે સામાન્ય વાતચીતમાં પણ એમાંનાં વાક્યોનો એઓ પ્રયોગ કરતા. ‘ક્યાં માધવબાગની સભામાં ચાલ્યા ?’ એવો પ્રયોગ ઘણા માણસો એક સ્થળે જતા હોય ત્યારે સામાન્ય રીતે કરવામાં આવતો. ‘પણ લોકો. અઘરણીની નાતો નથી કરતા તેનું કેમ ?’ કોઈક અપ્રસ્તુત વાત કરે ત્યારે આ વાક્યનો પ્રયોગ કરવામાં આવતો.

આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને ‘ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે એવા છે. તે વખતે ઉગ્ર રીતે ‘સળગતા’ એ પ્રશ્નો આજે લગભગ હોલવાઈ ગયા છે. આમ છતાં, એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ, એની નિર્બલતા, સમાજની હાસ્યજનક રૂઢિઓ, દંભો ઈત્યાદિનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાદૃશ આલેખન કર્યું છે, તે તેમ જ સભાઓ ને ન્યાતના કોલાહલ ને અવ્યવસ્થા, રેલવેની મુસાફરી દરમ્યાન પ્રશ્નો પર પ્રશ્નો પૂછી કંટાળો આપતા સહપ્રવાસીઓ; કોર્ટમાં અર્થ વગરની ને બિનજરૂરી તકરાર કર્યા કરતા વકીલો; ‘કહ્યું કશું, ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું’, એ ઉક્તિના નમૂનારૂપ, ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા ન્યાયાધીશ ઇત્યાદિના અસામાન્ય, કંઈક અતિશયોક્તિથી રંગાયેલાં છતાં આકર્ષક વર્ણનો અને અવનવી કલ્પના, અભિનવ અલંકારો અને મર્મ ને નર્મથી ઓપતો, કોઈ પણ જાતના અંતરાય વિના સડસડાટ વહી જતો શૈલીનો પ્રવાહ ઇત્યાદિ એ પુસ્તકની ગુણસમૃદ્ધિથી કોઈ પણ વાચક આકર્ષાયા વગર રહી શકે એમ નથી. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણન છટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.

ભદ્રંભદ્ર એ વિશેષમાંથી સામાન્ય નામ બની ગયું છે. જમાના સાથે પરિવર્તન કરવાની આનાકાની કરનાર જડબુદ્ધિ મનુષ્ય માટે એ પર્યાયરૂપ બન્યું છે. સંસ્કૃતમય ભાષા માટે ‘ભદ્રંભદ્રીય’ એવા વિશેષણનો પ્રયોગ પણ આપણી ભાષામાં દાખલ થયો છે. કોઈ પણ કથાનાયકનું સંજ્ઞાવાચક નામ સામાન્ય ભાવ પામી કોઈક ગુણ વિશેષનું વાચક બને ત્યારે એ કથાનો નાયક કથાની દુનિયા કરતાં બહુ મોટી દુનિયાનો નિવાસી બને છે ને અમરપદ પ્રાપ્ત કરે છે. મહાનુભાવ ભદ્રંભદ્રે આવી અમરતા સિદ્ધ કરી લીધી છે અને અત્યારે એ ડોન ક્વિકઝોટ, પિક્વિક, ફોલસ્ટાફ આદિ અમરજનોની સાથે જ વિરાજે છે. જો કે આ યવનોની સંગતિમાં રહેવું એમને કદાચ ફાવતું નહિ હોય.


જ્યોતીન્દ્ર હ. દવે