પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહ્યું ત્યારે જ જાણ્યું કે આ કૂવામાંથી મંદિરમાં જવાય છે. અહીંથી બહાર કેમ નીકળાશે તે પણ હું જાણતો નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનું મારું અજ્ઞાન મને નિરાપરાધી ઠેરવે છે. દેવીના મંદિરમાં મારું ઊતરી આવવું ઈચ્છાપૂર્વક નહોતું, બે-ત્રણ માણસો અંધારામાં મને સીડીમાં નાખી ગયા હતા અને તે પછીની મારી ગતિ મારા શરીરની છતાં મારી ઈચ્છાને અનુસાર નહોતી. તેમનો હેતુ શો હશે તે હું જાણતો નથી અને તે વિષે તેમને પૂછી જોવાનું બની શક્યું નથી. હું પાછો બહાર નીકળ્યો ત્યારે પણ તેઓ કે બીજા કોઈ દૂર ચાલ્યા જતા હતા અને સીડીનું બારણું ઉઘાડનાર અમે છીએ કે અમે નથી એટલું પણ કહેવા ઊભા રહ્યા નહોતા. તે પછી શત્રુરૂપ કુતૂહલથી ભમાઈ વૃક્ષ પર ચડતાં ડાળી ભાંગ્યા પેઠે આડી વળી જવાથી હું કૂવામાં લટકી આવ્યો અને તે દશામાંથી છૂટવા અકસ્માત આ માર્ગના બારણામાં ઊતરી પડ્યો છું. આપ સર્વ વિશે જાણતો હોઉં તે છતાં હું અહીં આવું એમ તો આપ પણ માની શકો નહિ. મેં જે કષ્ટ અને વેદના સહ્યાં છે તે લક્ષમાં લેતાં હું કોપને નહિ પણ દયાને પાત્ર થાઉં છું. તમારા સર્વનું અટ્ટહાસ્ય અખંડિત રહો, પણ તે હાસ્યની શ્વેતતા મારા રુધિરથી રક્ત કરવી ઘટતી નથી. મારું શરીર રોગવાળું તથા દુર્બળ છે, તે ભક્ષ કરવાથી તમારી ક્ષુધા તૃપ્ત નહિ થાય. મને બહાર નીકળવાનો માર્ગ જડે તો આ દિશા ભણી મારા પગ ફરી વાળ્યા પણ વળે નહિ એવો મને તો નિશ્ચય થયો અને આપને પણ થવો જોઈએ.

'મારું માન સચવાય નહિ એવી રીતે મારા પેટ પર તથા શરીર પર બે-ત્રણ ઠેકાણે આંગળીઓ દબાવી તથા ઠોકી તેણી ઉત્તરમાં કહ્યું,

"આ શરીર રોગી કે દુર્બલ હોય એમ માની શકાતું નથી. પણ માંહેની માટી હલકી જાતની હશે ખરી. તે વિના આવું કાયરતાપણું હોય નહિ. એવી માટી કૂતરાને જ નાખવા જોગ છે. તારો વાંક નથી. પણ અદેખા નક્ષત્રોનું એ કામ છે. હવે તો તને બહાર કહાડ્યા પછી જ ઘટતા ઉપાય લઈ શકાશે. પણ બહાર નીકળવાની યુક્તિ તો તને બતાવાય નહિ. જા બેસ, તને કોઈ નહિ છેડે. માથાનાં બે ફાડ્યાં કરાવવાં હશે તે જ હવે આ કોથળામાં ભરેલી માટીનાં આહાર માટેના શાસ્ત્રાધારનું ઓથું પકડી મારા વ્રતભંગમાં થયેલા દગાની વાત ઉડાડવા પ્રયત્ન કરશે."

'શાસ્ત્રમાંની બહુ બહુ વાતો કહેનાર ભણી મારાથી જોવાઈ ગયું, પણ તેમને ધ્રૂજતા અને બેઠા બેઠા સ્વસ્થાનમાં પાછા હઠતા જોઈ મેં બીજા નક્ષત્રો ભણી દૃષ્ટિ કરી. નિરાશા, ભય, કુતૂહલ ઇત્યાદિ વિવિધ ભાવોની રેખા તેમના મુખ ઉપર જોઈ છુટકારાનો સમય પાસે આવ્યા છતાં કંઈ અનિષ્ટની શંકા થવાથી વિચારશૂન્ય થવાનો પ્રયત્ન કરતો હું એક ખૂણામાં બેઠો.

'તે પ્રચંડ પુરુષની સંજ્ઞાથી એક એક નક્ષત્રો ઊઠ્યા અને શીશીઓમાંથી ત્રાંબાનાં પાત્રોમાં મદિરા રેડવા લાગ્યા. મદિરાપાનથી મંડળી પાછી કેવી દશામાં આવશે અને તે દશાથી મારા ભાગ્યમાં શું પરિણામ થશે એ વિચારથી ચિત્તમા વ્યથા થવા લાગી. પણ મદિરાથી ભરેલાં પાત્ર લીલાદેવીની આસપાસ સાપ, વીંછી ઈત્યાદિ જેવી વિધવિધ