પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રચનાથી નક્ષત્રો ગોઠવવા લાગ્યા તે જોતાં ચિત્ત સભય કુતૂહલની અવસ્થામાં આવ્યું. પાત્ર ગોઠવાયા પછી વહેંચવાની આજ્ઞા મને કરી. દેવીને પ્રથમ નમસ્કાર કરી એક પાત્ર આપ્યા પછી પ્રત્યેક પાત્ર દેવીની પ્રદક્ષિણા કરી રચનાને અમુક ખૂણાથી ઉપાડી હારેહાર બેઠેલા નક્ષત્રોને એક પછી એક આપવાનું હતું. આ સેવા કરવાના કે ન કરવાના વિષયમાં મને ઈચ્છા વાપરવાની છૂટ આપી જ નહોતી. તેથી એ સેવાની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય કરવામાં મેં કાલ કહાડ્યો જ નહિ. પાત્ર લેતી વેળા નક્ષત્રો કંઈક અનુનાસિક ઉચ્ચાર કરતા હતા. પાત્રની આકૃતિ એવી વાંકીચૂંકી હતી કે, તેમાં મદિરા રેડ્યાં છતાં હાથમાં લેતાં તે મારાથી દેખાતો નહોહો, તેથી પાત્રમાં શી રીતે પાન કરશે તે જોવાની મને ઉત્કંઠા થઈ. પણ પ્રત્યેકે મ્હોં પર લૂગડું આડું ધરી પાત્ર ઢાંકેલું રાખીને ઠાલવી દીધું. આ જ વિધિએ મદિરાપાન બીજી વાર કરવામાં આવ્યું.

'નક્ષત્રોમાં ઉન્મત્તતા વધશે એટલે નાસી જવું અનુકૂલ પડશે એમ ધારી ક્યે દ્વારથી ચાલ્યા જવું તે નક્કી કરી રાખવા હું ચારે મત જોતો હતો, એવામાં એક નક્ષત્ર મદિરા પાત્ર લઈ મારી પાસે ધસી આવ્યો. કદાચ તે પીવાને આગ્રહ કરે તો દેવીને અર્પિત કરવાથી દોષરહિત થયેલ મદિરા, પણ પાત્રમાં પ્રથમ પીનારની જાત જાણ્યા વિના કેમ પીવાશે એ આશંકાથી હું દૂર હઠવા લાગ્યો. બીજા બે-ત્રણ નક્ષત્રો ત્યાં દોડી આવ્યાં. ભયનો માર્યો મારું મહત્ત્વ ભૂલી જઈ હું આમતેમ દોડવા લાગ્યો. મારી પાસે આવવાનો હેતુ તેમને પૂછવાનું ગભરાટમાં મને સાંભર્યું નહિ. આ દેખાવ જોઈ ફરી પાછું અટ્ટહાસ્ય વ્યાપી રહ્યું. એ છેલ્લું જ અટ્ટાહાસ્ય મેં સાંભળ્યું. દોડતાં દોડતાં ઠોકર વાગવાથી કે કાંઈ આંટી આવવાથી હું પડી ગયો, પડી ગયો તેવો જ મને ઉપાડી એક અંધારી ઓરડી ઉઘાડી તેમાં નાખ્યો. ત્યાં પડતાં માથું એકાએક ઘણું અફળાયું એમ લાગ્યું તે પછી શું થયું તેનું મને ભાન રહ્યું નહિ.

'હું શુદ્ધિમાં આવ્યો ત્યારે આંખો ઉઘાડીને જોયું તો એક કૂતરો મારું મ્હોં સૂંધતો હતો. તેનો આ કુચેષ્ટાવાળો વ્યાપાર અટકાવવા મેં તેના મ્હોં પર મુક્કી મારી અને તેને અપમાન ભરેલા શબ્દ સાથે દૂર કહાડ્યો. બેઠા થઈ આસપાસ દૃષ્ટિ ફેરવતાં કૂવો કે ભોંયરું કંઈ જોવામાં આવ્યું નહિ. એક પડખે નગરનો ઊંચો કોટ હતો, બીજે પડખે ઉકરડો હતો. ઉકરડા ઉપર કાગડાઓ બેઠા બેઠા જાણે કૂતરાને મારી ખબર કહાડવા તેમણે મોકલ્યો હોય તેમ મારા ભણી અને જિજ્ઞાસુ વદને ઊંચા કાન અને નીચી પૂંછડી કરી મારી સામે આઘે સ્થિર ઊભા રહેલા કૂતરીજાયા ભણી, તેઓ સર્વ જોઈ રહ્યાં હતા. પશ્ચિમમાં સૂર્ય રક્ત થઈ મારા લોહીલોહાણ થયેલા શત્રુવર્ગ પેઠે અસ્ત પામતો હતો તથા પૂર્વમાં આઘે નગરમાંથી બહાર નીકળતાં ગાડાંની ધૂળ મારા યશ પેઠે આકાશ ભણી ઊડતી હતી અને બે વચ્ચે આવેલો હું યુદ્ધ અને યશ વચ્ચે આવેલા વિજયની ઉપમા પામતો હતો. રાક્ષસના હાથમાંથી છૂટી નગર પાસે આવ્યો એ જ વિજય હતો, પરંતુ એ વિજય શી રીતે મળ્યો એ હજુ સુધી અજ્ઞાત રહ્યું છે. મને શું સવારનો કોઈ બહાર લાવ્યું હશે અને શું સવારથી સાંજ સુધી આ દુર્ગન્ધી સ્થાનમાં આ કૂતરાની સંભાવના પામતો હું અહીં અલક્ષિત પડ્યો રહ્યો હોઈશ, એ શંકાનિવારણ કરે એવું કોઈ