પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં હતું નહિ અને હજુ સુધી મળ્યું નહિ. કૂતરો મને શબ ધારીને આવ્યો હશે કે મારા મ્હોંમાંથી નક્ષત્રોના મદિરા સરખી જે વાસ આવતી હતી તેનાથી આકર્ષાઈને આવ્યો હશે એ એ પણ મહોટો પ્રશ્ન હતો અને તેના ઉત્તરમાં અનેક વાતોનું નિરૂપણ થઈ શકે એમ હતું, પણ, ઉત્તર દેનારનો અભાવ જોઈ એ પ્રશ્નનું ચિંતન પડતું મૂક્યું. ઉદ્વેગના આવેશમાં તે પ્રશ્ન એકાદ વાર કૂતરાને મારાથી પૂછાઈ ગયો પણ મારું માથું ઘૂમતું હતું તે જ એમ થવાનું કારણ હતું. કૂતરાઓ મનુષ્ય સાથે સંભાષણ કરી શકે છે એવો મારો મત થયો નહોતો. મદિરાની વાસ શી રીતે મુખમાં પેસી ગઈ તે સમજાતું નહોતું. પણ જોયેલા ચમત્કારોમાં સમજાય તેવું કેટલું ઓછું છે એ લક્ષમાં લઈ આ જીજ્ઞાસાને મેં પ્રબલ થવા દીધી નહિ. કોઈ મને આ સ્થાનમાં જુએ તો અનુચિત શંકાઓ કરે, તથા જે અજ્ઞાની જનોની પીડાથી દૂર રહેવા હું નગર બહાર જતો રહ્યો હતો તેઓ હવે મને પ્રાપ્ત કરવાના વિષયમાં નિરુત્સાહ થયા હશે એમ ધારી મેં નગરમાં પ્રવેશ કર્યો. આ સર્વ વૃત્તાંત આર્યપક્ષની વિજયયાત્રાના રૂપમાં ગોઠવતો હતો, તેવામાં જ્ઞાતિના વિગ્રહના સંબંધમાં દુષ્ટોના છલથી મારું રક્ષણ કરવા રક્ષકો મને આગ્રહ કરી કારાગૃહમાં લઈ ગયા. તે પછી આ ચમત્કારોના સંબંધમાં કંઈ વધારે જણાયું નથી. હવે તો નિદ્રાનો સત્કાર કરવો જોઈએ.

વલ્લભરામ કહે, 'હા મહારાજ, નિદ્રાવશ થાઓ. નિદ્રામાં જેવા આપને સ્વપ્ન જણાશે તેવું આપે વર્ણન કર્યું તે સર્વ સ્વપ્ન જ જ હતું. રાત્રે દરવાજા બહાર નીકળ્યા પછી દીવાઓ જોઈ ભય લાગવાથી આપ કોઈ ઠેકાણે પડીને ઊંઘી ગયા હશો અને પછી કોઈ પ્રકારે સ્વેચ્છાએ નહિ તો પરેચ્છાએ મદિરાપાન થયું હશે. આ બેભાન દશાઓનાં જે સ્વપ્ન તથા ભ્રાંતિ થયાં તેમાં હું ને ત્રાવડી પણ આપની નજર આગળ તરી આવ્યા તે આપના ચિત્તમાં અમે કેવા દૃઢ વસ્યા છીએ તે દર્શાવે છે. એવી ભ્રમણાને આપ ખરી માનતા હો તો અમારા પર દ્વેષ હોવાથી આપ એમ કહો છો એમ તો અમે નહિ જ માનીએ, કેમ કે અમારા પર આપનો સદ્ભાવ અમે જાણીએ છીએ, પણ આપ વેદાંતજ્ઞાનમાં કાચા છો એમ જ ન છૂટકે માનવું પડશે.'

નિદ્રાને હવે વધારે વાર અટકાવવા ભદ્રંભદ્ર બિલકુલ રાજી નહોતા, તો પણ આવા આરોપ સાથે સકલ શ્રમની સમાપ્તિ થવા દેવાય તેમ નહોતું. તેથી આંખો મીચવી થોડી વાર મુલતવી રાખી હુશિયાર થઈ તેમણે ઉત્તર દીધો.

'સુધારાવાળા પેઠે આપ પણ અદ્ભૂત વાતોને સ્વપ્ન ને ભ્રાંતિ કહી તેમની અદ્ભૂતતા ખૂંચાવી લેવાને પ્રયત્ન કરવો યોગ્ય ધારો છો એ નવાઈ જેવું છે. સૃષ્ટિક્રમ વિરુદ્ધ અથવા અમાનુષ શક્તિવાળું જે કાંઈ જણાય તેને સાધારણ બનાવી નાખનાર "ખુલાસો" તો કદી સાંભળવો જ નહિ - એ એકેએક આર્યનું કર્તવ્ય છે. ચમત્કારો ખોટા પાડવાના ગમે તેટલા પુરાવા સુધારાવાળા લાવે તો એ જ ઉત્તર દેવો ઘટે કે "ચમત્કારો ખોટા પડી શકે જ નહિ," છતાં આ અનાદિ સિદ્ધાંતની અવગણના કરવાની અનાર્યવૃત્તિ આપ ધારો છો એ જોઈ ખેદ થાય છે. વેદાંતજ્ઞાનમાં હું કાચો છું કે પાકો તે તો પરીક્ષા કરી શકે એવો કોઈ મળશે ત્યારે હું નક્કી કરાવી લઈશ.