પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભ્રાંતિ માનવામાં હું કોઈથી જાઉં એવો નથી. સર્વ કોઈના ડહાપણને અને અભિમાનને હું ભ્રાંતિ જ માનું છું. ને- પછી-તમે- આપણે- હું કહેતો હતો કે- હવે- તો- બીજે કોઈ સમયે વાદ કરીશું."

આટલું કહી ભદ્રંભદ્ર સૂતા. પણ સૂતા સૂતા સાંભળે છે એમ ધારી ઊઠવાની તૈયારી કરતાં વલ્લભરામ બોલ્યા:

"મહારાજ, આપ ઊંઘમાં આવ્યા છો માટે સૂઈ જાઓ. ચમત્કારનો "ખુલાસો" ન ખોળવો જોઈએ. માટે જ આપે મદિરાપાન ન કર્યા છતાં તેની દુર્ગંધ, વિસ્મૃતિ, ઉન્મત્તતાદિ થયેલી અસરો આપનામાં જણાઈ તેમાં હું અશ્રદ્ધા નથી કરતો અને મદિરાજન્ય જેવી જ વિસ્મૃતિ થઈ એમ માનું છું. અદ્ભુતતા ન માનતો હોય તો મદિરાપાન થયું હોવું જોઈએ એવો આગ્રહ કરત અને ભ્રાંતિ વિશે તો આપ ખરું જ કહો છો, આજકાલ સંભળાયાં જાય છે તેવો જ આપનો વેદાંતવાદ છે એમાં લેશમાત્ર શક નથી.'

આ વાક્યો પૂરાં થયાં તે પહેલાં ભદ્રંભદ્ર તો નિદ્રાવશ થઈ ગયા હતા. તેથી સગવડ વિશે કેટલીક સૂચનાઓ મને આપી વલ્લભરામ તથા ત્રવાડી અમારા સૂવાના ઓરડામાંથી ચાલ્યા ગયાં.


૨૧ : રાત્રિમાં થયેલા અનુભવ

હું પણ તરત ઊંઘી ગયો અને વિચિત્ર રીતે સંધાઈ ગયેલા સ્વપ્નોના દર્શનમાં પડ્યો: કોઈ પ્રચંડ પુરુષે ભદ્રંભદ્રને ભેંસો સાથે બાંધીને કૂવામાં ઉતાર્યા અને કૂવામાંથી જે કોસમાં પાણીને બદલે દીવા નીકળતા હતાં તે કોસમાં ભદ્રંભદ્ર પાછા નીકળી આવ્યા...પછી ઉકરડા પર ઊભા રહી એક કોઠીમાં તેમણે મદિરા રેડ્યો અને તે પછી કોઠી પરથી એક છાપરા પર કૂદતા કોઠીમાં પાછા પડ્યા, તેમાંથી સર્પથી બાંધી મેં તેમને બહાર કાઢ્યા અને એક તળાવ પર મહોટી જાળી નાંખેલી હતી તે પર સુવાડ્યા તે જાળીના કાણામાંથી ભદ્રંભદ્ર એક કૂતરા સાથે નીકળી પડયા ત્યાં નીચે પડતાં હેઠળ ગયા...અને એ પાતાળમાં બે તાડ પર પગ મૂકી દેવી ઊભેલી હતી ત્યાં કૂતરાને માથે મૂકીને હું નાચ્યો અને તે સંયોગીરાજનો કાણો રસોઈયો ખૂબ હસ્યો અને કાગડાઓએ ચાંચમાં ભરીને ગુલાબ ઉડાડ્યું, તે મારી આંખમાં પડવાથી હું નાસવા ગયો પણ નસાયું નહિ અને પગથિયાં પરથી સરી પડ્યો...આવી સ્વપ્નની ઘટમાળ ચાલતાં મેં એક મૅજિસ્ટ્રેટની આસપાસ નાત મળેલી દીઠી અને ત્યાં વંદા સામાં બારણાઓ પર ઇન્સાફ જોવા બેઠેલા હતા. તેમની મૂછો પર આગીઆ કીડા આવીને બેઠા. ભદ્રંભદ્રે ઊઠીને વંદાઓને પૂછ્યું કે તમને સુધારાવાળા મારી નાંખે છે તેનું શું કારણ છે અને વાંક કોનો છે? વંદાઓ કહે કે અમે ગયે જન્મે સુધારાવાળાના ગોર હતા પણ અમને ચોપડીઓનો શોખ થયાથી અમને જમાડ્યા નહિ તેથી તેમની