પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે સ્ત્રીમાં વખતે કંઈ પ્રાણ હોય તો તેને મદદ કરવા સારુ હું તેને સ્પર્શ કરવા જતો હતો. પણ ભદ્રંભદ્ર કાનમાં કહેતા હોય તેવે ઘાંટે બોલ્યા: 'શબ હશે અને નાતજાત જાણ્યા વિના અડક્યા અને વળી નહાવું પડે, માટે દૂર જ રહેજે, હું તો નજીક આવતો જ નથી. અહીં ઊભા રહેવામાં શો લાભ છે ? સવારે ઘણુંયે થઈ પડશે. માત્ર મોં જોઈ લે કે કઈ સ્ત્રી છે.'

મુખ બારીકાઇથી જોઈ હું વધારે ચમક્યો. વલ્લભરામની સ્ત્રીનું આ રીતે વલ્લભરામના ઘરમાં જ ખૂન થાય અને બે પારકા માણસો સિવાય તેના શબ પર કોઇ દૃષ્ટિ કરનારું પણ ન હોય એ વિચિત્રતાથી મારો ગભરાટ ઊલટો વધ્યો. ભદ્રંભદ્રનો ગભરાટ પણ મારા જેટલો જ હતો, પણ આ સ્થળેથી જતા રહેવાની તેમની ઉતાવળમાં તે બેદરકારી રૂપે દેખાતો હતો. વલ્લભરામ ક્યાં સૂતા છે એ ખબર નથી તો આવી અનિષ્ટ ખબર આપવા સારુ પ્રયાસ લઇ તેમને જગાડવા અને આ બનાવનો ખુલાસો સહુથી પહેલો આપવાની જવાબદારી માથે લેવી તેના કરતાં પાછા જઈ ઊંઘી જવું અથવા ઊંઘી ગયેલા પેઠે પડી રહેવું એ બહેતર છે, એમ તેમનાં છૂટાંછવાયાં અધૂરાં વાક્યોનો ભાવાર્થ જણાતો હતો. મને આમ કરવામાં કઠોરતા જણાતી હતી. પરંતુ જેમ ગણિતમાં પાછળ જવાબ આપ્યા વગર દાખલો ખરોખોટો ઠરી શકતો નથી, તેમ ભદ્રંભદ્રણી સંમતિ વિના કોમલતા - કઠોરતાનો અથવા યોગ્યતા - અયોગ્યતાનો નિર્ણય થઇ શકતો નથી એમ મને પ્રત્યય હતો. તેથી તેમના મતને અનુકૂળ થઇ હું તે સ્ત્રી પાસેથી ખસી જવાની તૈયારીમાં હતો, તેવામાં ઓરડાનું એક બાજુનું બારણું ઊઘડ્યું અને તેમાંથી 'ગઈ ક્યાં?' એ શબ્દ પહેલાં નીકળ્યા અને તેની પાછળ વલ્લભરામ નીકળ્યા. તરત જ તે એવી એકાએક 'હાય હાય' કહીને પછી મૂર્છા ખાઈને પડ્યા કે મને તો લાગ્યું કે સ્ત્રીનું શબ પૂરેપૂરું તેમણે જોયું પણ નહિ હોય અને તે પહેલાં જ તે શોકાભિભૂત થઇ ગયા. અમે દયાર્દ્ર થઇ આશ્વાસન કર્યું અને તેમને બેઠા કર્યા.

ભાનમાં આવી તેમણે તરત બોલવા માંડ્યું કે 'તમને આ શું સૂઝ્યું? તમે મારા ઘરમાં પરોણા રહ્યા અને તેનો મને આ જ બદલો આપ્યો? એ બાપડીએ તમારું શું બગાડ્યું હતું? થોડાં ઘરેણાં માટે તમારી દાનત ફરી? એટલા માટે તમે છેક જીવ પર આવી ગયા? મને દુઃખી કરી તમને શું સુખ મળશે?'

આ વાક્યો ઉપરાછાપરી બોલ્યા જતા વલ્લ્ભરામ શબ પર નજર પણ નહોતા કરતા અને જાણે પાઠ બોલી જતા હોય તેમ અર્થની દરકાર વિના શબ્દના ઉચ્ચાર કર્યા જતા હતા. તેમનું ભાષણ લાંબું ચાલત પણ ભદ્રંભદ્ર અધીરા થઈ બોલી ઊઠ્યા, 'અમારા પર આવો આરોપ મૂકતાં પહેલાં વિચાર તો કરો, પ્રશ્ન તો કરો, શોધ તો કરો. શું અમને એવા નીચ લોભી ધારો છો, એવા ઘાતકી ધારો છો કે ઘરેણાં માટે આ સ્ત્રીનો પ્રાણ લઈએ? અમે સ્વપ્નમાં પણ એવું ધારીએ એમ તમે સ્વપ્નમાં પણ ધારો એ તમારા આર્યપક્ષત્વને છાજતું હોય તેમ સ્વપ્નમાં પણ ધારી શકાતું નથી.'

વલ્લ્ભરામ સ્વસ્થ રહીને જ બોલ્યા, 'એ બધું કહેવું તો સહેલું છે. ફક્ત જીવ ગયો તે પાછો આવવો જ અઘરો છે. વેદાન્તજ્ઞાનના પ્રસંગ વિના કોઇ એમ કદી કહેતું જ નથી