પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે નઠારું કામ સારું છે, તેમાં વળી શિક્ષાનો ભય હોય ત્યારે તો અભેદવાદી "પણ મારાથી પાપ કેમ થાય અને મારાથી તો પુણ્ય જ થાય" એવા એવા ભેદ સમજાવવામાં પડે છે, પણ એમ તો મારાં વર્ષ પાણીમાં નથી ગયાં. હું કંઈ સુધારાવાળો નથી કે મારો મત વ્યવહારમાં કબૂલ રાખવાનો મને કોઈ આગ્રહ કરી શકે. તમને હમણાં પોલીસને સ્વાધીન કરી દઉં છું. મેં તમને ખૂન કર્યા પછી તરત જ શબ પાસે ઊભેલા-ખૂન કરતાં જ પકડ્યા છે. તમને સજા કરાવ્યાથી મારું દુઃખ ઓછું થવાનું નથી, પણ કંઇ શાંતિ તો વળશે.'

ભદ્રંભદ્ર આશ્ચર્યથી અને ભયથી સ્તબ્ધ થઈ ગયા હતા તે હવે ક્રોધથી ઊછળીને બોલ્યા, 'તમને દુઃખ થયેલું હોય તેમ તો જણાતું જ નથી. સ્ત્રીના શબ સમીપ જવાની તો તમને ઇચ્છા જ નથી. કોણ જાણે કેવા કપટથી આ સ્ત્રીની હત્યા થઈ હશે? તેના શરીરે ઘરેણાં છે નહિ; અમારી પાસે ઘરેણાં છે નહિ, અમે તેને નહિ સરખી ઓળખીએ છીએ અને અમે તેનો વધ કર્યો હોય એમ કદી કોઈ પણ માની શકશે નહિ. તમે સત્યશોધકત્વના મહોટા આડંબર કરો છો અને આવા જીવસાટાના વિષયમાં સત્ય શોધવાની ઇચ્છા પણ તમે ધારણ કરતા નથી? અસત્ય ઠોકી બેસાડવાની આવી તત્પરતા બહુ અઘટિત છે.'

વલ્લભરામ ગરમ થયેલા જ નહિ અને વધારે નરમ થઈ તે બોલ્યા, 'પરમાર્થનું સત્યશોધકત્વ જુદી વસ્તુ છે અને આવી વ્યવહારની બીના જુદી વસ્તુ છે. આપણે સુધારાવાળા નથી આપણે વ્યવહારને જૂઠો જ માનીએ છીએ. તો પછી તેમાં સત્ય શોધવું એ તો કાદવમાંથી ડહોળાણ કહાડવા બરાબર છે. અને પરમાર્થમાં પણ મેં આપને કહ્યું હતું તેમ માત્ર સત્યશોધનના આડંબરની જ જરૂર છે, સત્યશોધનની જરૂર નથી. સત્ય તો અનાદિકાળથી આપણા પૂર્વજોને જડી ચૂકેલું છે અને તે દ્વારા આપણને મળી ચૂકેલું છે. માત્ર આધુનિક પદ્ધતિનો વેષ ભજવવો પડે છે. તે વિના ગુરુપદ મળતું નથી પણ અત્યારે આ પદ કાંઈ કામનું નથી. આપનો શિષ્ય થવાને હું તૈયાર છું. આ લોહી વહેવાનું તે તો વહી ચૂક્યું છે. હવે આપણાં વસ્ત્રોને તેના છાંટા ઊડવા દેવા કે નહિ એ આપણી મુખત્યારી પર છે. આપ તો આ વિષે કંઈ જાણતા નથી. તો આપ બતાવો તે રીતે નિવેડો આણીએ. આપ તો અનુભવી છો. આ શબને બહાર કાઢવાથી શું શું પરિણામ થશે એનો આપ ખ્યાલ કરી શકો છો. જે પ્રકારનું જીવરક્ષણ આર્યોને ઇષ્ટ નથી તેની યોજના સારુ કાયદો કરી યવનો ગમે તેના શબને સ્પર્શ કરી અને કાપી આપણો ધર્મ ભ્રષ્ટ કરાવે છે અને મૃતજનોની સુગતિ થતી અટકાવે છે. જીવતાં માણસોને ઘા ન થાય તે માટે રક્ષણના અને સજાના કાયદાઓમાં યવનોએ આટલી બધી સખ્તાઇ કરી છે તથા વ્યાખ્યાઓની બારીકી રચી છે, પણ મડદાં ચૂંથવામાં તેમને લેશમાત્ર સંકોચ નથી. આર્યધર્મની વ્યવસ્થા એથી ઊલટી જ છે. જીવતા જનોને જખમ થવા ન થવા એ તો નસીબને આધારે છે. પણ મડદાંઓને નસીબ નથી હોતું માટે તેમના રક્ષણ માટે ખાસ વિધિ પાળવો પડે છે. વળી, આત્માની ગતિ થવાનો સમય