પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૃત્યુ થયા પછી આવે છે, માટે સુગતિ દુર્ગતિનો આધાર જીવતાં કરેલાં કર્મ કરતાં મડદાંની જાળવેલ પવિત્રતા પર વધારે છે. આર્યવ્યવસ્થાની આ બધી ખૂબી શબને માન આપવાનું ન શીખેલા યવનો અને શાસ્ત્રરહસ્યમાં રહેલી આ દેશની મહોટાઇ ન સમજનારા સુધારાવાળા ગ્રહણ કરી શકતા નથી, પણ આપ તો સુજ્ઞ છો, સનાતન ધર્મના સ્તંભ છો આ શબની પ્રતિષ્ઠાની હાનિ થાય તેવા માર્ગનો આપ આગ્રહ કરો એમ તો બને જ નહિ.'

ભય કરનારું કારણ દૂર થવાથી વધારે ક્ષમાશીલ થઈ ભદ્રંભદ્રે પૂછ્યું, 'આપ કેવી વ્યવસ્થા કરવા ધારો છો તે સમજાતું નથી. આપને હાનિ થાય એમ હું ઉચ્છતો જ નથી. કાયદાવાળા કે સુધારાવાળા જે ઉભય પર્યાયરૂપ છે તે ફાવે અને આર્યવ્યવસ્થાનો અપકર્ષ થાય એવું વચમાં મારાથી બોલાવાનું નથી, પછી હું જીવતો હોઉં કે મૃત્યુ પામ્યો હોઉ. પરંતુ, હમણાં નહિ તો પ્રાતઃકાળે અગ્નિસંસ્કાર માટે શબને લઈ જશો ત્યારે તે બહાર તો નીકળશે જ. આપ કહો છો એવી ધર્મહાનિ ન થાય તે માટે મૃત્યુકારણનું આ વૃત્તાંત બહાર ન પડે તેમાં વાંધો નથી.'

વલ્લભરામ વધારે સ્નિગ્ધ દૃષ્ટિ કરી બોલ્યા, 'આપની વિચક્ષણતાને ધન્ય છે. આપ મુદ્દાની વાત સમજી ગયા છો. શબને બહાર કાઢીએ તો તો આ વૃતાન્ત ગુપ્ત રાખી શકાય નહિ. શબનું વહન કરી સ્મશાનમાં આવનારાની પ્રથમથી આંખો ફોડી નાખવાનું કે પછીથી જીભ કાપી નાખવાનું આ સુધરેલા રાજ્યમાં બની શકે તેમ નથી. આપ અગ્નિસંસ્કાર વિશે કહો છો અને તે શાસ્ત્રવિહિત છે. શાસ્ત્ર સર્વશઃ માનનીય છે. પ્રાણાન્તે પણ શાસ્ત્રોક્ત ધર્મનું ઉલ્લંઘન થવું ન જોઇએ. પણ આ છેલ્લું સૂત્ર ધ્યાનમાં લેતાં વળી વિચાર આવે છે કે પ્રાણાન્ત થાય તો શું શબની પવિત્રતા સાચવવાના શાસ્ત્રોક્ત ધર્મનું ઉલ્લંઘન થવા દેવું જોઇએ ? નહિ જ. ધર્મ ખાતર પ્રાણાન્તની દરકાર ન રાખવી તો અગ્નિસંસ્કારની શા માટે રાખવી ?'

ભદ્રંભદ્રે આંખો અને મહોં પહોળાં કર્યાં પણ પછી ફક્ત મોંમાંથી જ શબ્દ કાઢીને પૂછ્યું, 'ત્યારે શું અગ્નિસંસ્કાર નહિ કરો?'

વલ્લભરામે કહ્યું, 'નહિ જ. પણ આપની સલાહ, શિખામણ, આજ્ઞા હોય તો જ. આપ મારા ગુરુ છો. શું શબને બહાર કહાડવાની આપ શિખામણ આપો છો ?'

ભદ્રંભદ્રે આંચકો ખાઈ કહ્યું, 'ના, ના, એમ તો નહિ જ. પણ ત્યારે શું શબને ઘરમાં રાખશો? જીવતા માણસને ઘરમાં રખાય છે, પણ મરણ પામેલાને ઘરમાં રાખવા માટે કંઇ પ્રમાણ છે ?'

વલ્લ્ભરામથી 'પ્રમાણ' પ્રતિ ગાલિપ્રદાન થઈ ગયું, પણ તરત જીભ કચરી પોતાને હલકેથી તમાચા મારી બોલ્યા, 'એમ તો બીજા કોઇ કહે. મેં દર્શાવ્યું તેમ ધર્મરક્ષણનો હેતુ સિદ્ધ કરવો એ જ પ્રમાણ. વળી ગીતાજીમાં કહ્યું છે કે नात्मानमवसादयॆत "આત્માનો નાશ કરવો નહિ." આપણા હાથમાં હોય ત્યાં સુધી કોઇ કાળે પોતાને નાશ થવા દેવો નહિ. આપ જાણો તો છો જ કે અગ્નિસંસ્કારનું ડહાપણ કરવા જઈએ તો આપણા ત્રણેનો જરૂર નાશ થાય. વખતે હું એકલો બચું તો બચું.