પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વૃત્તાંત ગુપ્ત રાખવું, વલ્લભરામે પ્રસિદ્ધ કહેલું કે સહેજ કલહ થવાથી તેમની સ્ત્રી રાતોરાત બાપને ગામ જવા સારુ ઘરેણાં લઈ રેલવે સ્ટેશન પર ચાલી ગઈ અને આગ્રહ કર્યા છતાં ટેવ મુજબ કોઇને સાથે આવવા દીધું નહિ. અમે રાત્રે ઘરમાં હતા, મોડે સુધી વાતો કરતા હતા અને પછી આખી રાતમાં કાંઈ ગરબડ કે અવાજ સાંભળ્યો નથી, એમ અમારે કહેવાનું ઠર્યું, ત્રવાડી હજી સુધી અમારી સાથે બોલ્યા નહોતા, તે ઊઠતાં ઊઠતાં નસકોરાં ફુલાવી બોલ્યા કે 'ચીસ પાડી ન હોત તો આપને આટલી પણ તસ્દી આપવી ન પડત અને વાતો કર્યાનું અને સૂઈ રહ્યાનું તો શીખવ્યા વિના પણ આપ કહી શકત.'

વલ્લભરામ અને ત્રવાડી ચાલ્યા ગયા અને જે થોડીઘણી રાત રહી હતી તેમાં બને તો આરામ લેવા, નહિ તો ભયભીત થઈ પડી રહેવા અમે પાછા સૂતા. સવારે કંઈક મોડા ઊઠીને આર્યાવર્તની 'અનાદિસિદ્ધ વ્યવસ્થા'ના કર્તાના નિવાસસ્થાનમાંથી નીકળી અમે ઘેર ગયા. પાછળથી ખબર પડી કે શબ માત્ર મીણનું હતું અને તે પર ગુલાલ નાંખી લોહીનો દેખાવ કર્યો હતો તથા અમારા સન્માનાર્થે આ વિનોદની રચના થઈ હતી. તે જાણી ભદ્રંભદ્રે કહ્યું, 'માયાને માટીરૂપ પ્રકટ કરવામાં કુશળતા રહેલી છે ખરી, પણ મારો આત્મા માયાની પણ પેલે પાર જોઈ શકે છે તે એ લોકોને વિદિત ક્યાંથી હોય?'


૨૨ : સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર

વંદાવધ પ્રકરણ કોર્ટમાં જવાથી તે કાર્યની અગાડી પ્રવૃત્તિ નાતમાં અટકી પડતી હતી. આથી તે સુપ્રખ્યાત રાત્રે જેમને ઝાઝું વાગ્યું નહોતું અને જેમના પર મારામારીના આરોપની વિપત્તિ નહોતી આવી, તે સર્વ નિરાશ થયા અને બબડવા લાગ્યા કે અખત્યાર ખૂંચવી લેવાનો સરકારને શો હક્ક છે? સુધારાવાળા પારકી નાતનાને મારી નાખી શકે નહિ તો ખેર, પણ બાંધી છોડી શકે નહિ અને મરી ન જાય એવો માર પણ મારી શકે નહિ એ તો બહુ મહોટો પક્ષપાત છે અને સુધારાવાળા ખ્રિસ્તી થવાની હા કહે છે તેથી સરકાર તેમના લાભમાં આમ ઊતરે છે; એમ આર્યપક્ષમાં છડેચોક કહેવાવા લાગ્યું. વર્તમાનપત્રોમાં ઉપરાછાપરી ચર્ચાપત્રો પ્રકટ થવા લાગ્યાં અને આખરે અધિપતિઓને પોતાની જાતની અક્કલ વાપરી વિષયો લખવાની તસદી લેવી પડી. તેઓએ સાફ સાબિત કરી આપ્યું કે જ્યાં નાતનો કંઈ પણ સંબંધ હોય, જ્યાં અમુક કાર્યથી નાતને લાભ થતો હોય, પછી તે પૈસા સંબંધી હોય, મિષ્ટાન્ન સંબંધી હોય કે વેર વાળવા સંબંધી હોય ત્યાં દેવો વચ્ચે પડતા નથી, મંદિરની મૂર્તિઓ હાલતી નથી, સિંહાસનમાં ઠાકોરજી ઊભા થઈ જતા નથી, તો સરકારે હાથ ઘાલવો એ ઘણું ગેરવ્યાજબી છે; કેમ કે હિંદુઓની બધી વ્યવસ્થા તેમની નાતને આધારે છે અને તેમના ધર્મ પ્રમાણે જે કરવાની દેવોને