પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેથી એ વિષયકમાં ભદ્રંભદ્રની શ્રેષ્ઠતા ખંડિત થતી નહોતી અને તેમને સંતોષ હતો. પહેલાં કલહને પ્રસંગે અમારા વકીલની વૃત્તિ ક્રોધમાંથી એકદમ પ્રસન્નતામાં આવી ગઈ હતી, તેનું કારણ પણ એ માલમ પડ્યું હતું કે સંયોગીરાજે અમારી તરફથી ભારે બદલો આપવાનું કહેવડાવ્યું હતું અને વધારે ઉદ્યોગ આપવાની અનુકૂલતા કરાવી આપી હતી. આ સર્વ કારણોને લીધે સંયોગીરાજનો યશ તાળીઓ પાડીને, ઘોંઘાટ કરીને, ઢોલનગારાં વગડાવીને, ગધેડાં ભૂંકાવીને, કૂતરાં ભસાવીને વગેરે અનેક રીતે ફેલાવવાની ગંજાવર કોશિશમાં મશગૂલ થયા વિના ભદ્રંભદ્રને છૂટકો નહોતો.

પણ, આ સર્વ તેજસ્વી વિધિ આ વખત ફલવંત થવાનું સર્જેલું નહિ હશે, તેથી અમારા સર્વના પ્રકટ અને સંયોગીરાજના ગુપ્ત નિસાસાની બીકે નસીબે એ પ્રયત્ન પ્રથમથી જ બંધ કરવાનું સુઝાડ્યું. અમારા વકીલો અને સંયોગીરાજ પેઠે કૂદકા મારી કાર્ય ન કરનારા બીજા જનોએ સલાહ આપી કે કોર્ટમાં કામ પૂરું થયું નથી ત્યાં સુધી એ જ કામ સંબંધે આવી તકરાર ઉઠાવી ક્ષોભ કરવાથી ભદ્રંભદ્રને અને તેમની સાથે રણમાં ઘૂમેલા વીરોને હાનિ થવાનો સંભવ રહે છે અને અમને નિરપરાધી ઠરાવવા કરતાં પણ સ્વપ્રતિષ્ઠા વધારવાનો જે મુખ્ય હેતુ છે તે એટલો બધો નિષ્ફળ જશે કે સર્વ પ્રયત્ન ન્યાયમાં વિઘ્ન કરાવવા માટે કરેલો ગણાઈ ઉદ્યમ કરનારાઓની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેમ છે.

ધારેલી યોજના પડતી મૂકી; પરંતુ આરંભેલા પ્રયાસની ચેષ્ટા મૂકી દેવા સંયોગીરાજનો પાર્શ્વચરવર્ગ ખુશી નહોતો. ભૂત-રાક્ષસોને બોલાવ્યા પછી મહેનત કે ભક્ષ મળ્યા વિના તે પાછાં જતાં નથી, તેવી રીતે ચાપલ્ય માટે ઉદ્‌ભૂત થયેલા પાર્શ્વચરોના ઉત્સાહને શાંત કરવાની મુશ્કેલી જોઈ સંયોગીરાજે તેમના ઉદ્યોગ માટે અન્ય કાર્ય-વ્યાપાર ખોળી કાઢ્યો.

વલ્લભરામના મામા શંભુ પુરાણીના પુત્ર તંદ્રાચંદ્ર ગામમાં આવ્યા હતા અને વલ્લભરામ સાથે સંયોગીરાજને ત્યાં આવતા હતા. તેમનો પહેરવેશ ગુજરાતી કરતાં મારવાડી અને મુલતાની વચ્ચનો વધારે હતો અને તેમની વાણીમાં પણ ઉત્તરની ભાષાઓનું મિશ્રણ ઘણું હતું. તેમનું મૂળ નામ તંદ્રાચંદ્ર નહોતું પણ રજપૂતાના અને મધ્ય હિન્દુસ્તાનનાં સંસ્થાનોમાં કારભારીપણાના શિકારનો ધંધો કરવા માંડ્યો ત્યારથી તે દેશને કંઈક મળતું નામ તેમને આપવામાં આવ્યું એમ બીજાઓ કહેતા હતા. મુખથી ભાષણ તે બહુ ઓછું કરતા હતા અને ઘણાં વર્ષ થયાં ગુજરાતમાં થોડો થોડો વખત જ આવી જવાનું થયેલું હોવાથી થયેલી અણમાહિતીને લીધે તેમ કરતા હશે એમ ધારવામાં આવતું; કેમ કે ઊભી કરચોલીવાળાં પહોળાં હાડકાં અને ઓછા માંસવાળા, ચોરસ, લાંબા મુખ પરની સફેદ ફિકાશમાં અને જાડાં લાલ પોપચાંવાળી ઉજાગરા ભરેલી આંખોની મન્દતામાં ક્ષુધા, પીડા, દરિદ્રતા અને આશાભંગ જ જણાતાં હતાં તથા કાંઈ રાજકાર્ય ચિંતા કે ગૂઢ મનન દેખાતાં નહોતાં. તેમ મૌનનું કારણ કેવળ જાડ્ય તો નહોતું જ, કેમ કે વદનની ક્ષમતામાં જે વ્યસનાસક્તિ જણાતી હતી તે જ ચપળતાની દર્શક હતી. કેટલીક