પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાબતમાં તેમની મૌનવૃત્તિ એટલે સુધી હતી કે તેમના દુરાચાર વિશે સંયોગીરાજ અને પાર્શ્વચરો બહુ જ ઓછી વ્યંગ્યતાથી ઢંકાયેલી મશ્કરીઓ કરતા હતા, તે છતાં તે કદી ઉત્તર આપતા નહોતા. મંડળમાં અસભ્ય વચનોનું બંધન નથી એ તો તેમનાથી અજાણ્યું નહોતું જ; કેમ કે નવા દાખલ થનારને સંયોગીરાજ પ્રથમ એ જ ઉપદેશ કરતા કે એવી મર્યાદા પાળવી એ તો સાહેબલોકના અનુકરણવાળો સુધારો છે અને આ દેશના સાદા લોકો એવા સખ્ત આચારના નિયમ ન પાળતાં સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ સર્વ કોઈની સમક્ષ પ્રસંગોચિત વચનો બોલી નાંખે છે અને સ્ત્રી સિવાયના સર્વને એવાં વચનો બોલવાની છૂટ આપે છે. હાસ્ય કરનારાઓની પ્રતિ ગાલિપ્રદાન ન કરવામાં તંદ્રાચંદ્રને સ્વવૃત્તિનો વિરોધ કરવો પડતો હતો કે કેમ તે સમજાતું નહોતું. કેમ કે તેમની આકૃત્તિ પરથી દીનતા કદી ખસતી જ નહોતી. મેં જેટલી વાર તેમને મૌનભંગ કરી સંભાષણ કરતા સંભળ્યા હતા તે બધી વાર તે પોલિટિકલ એજન્ટનું રજા પર જવું, રાજાનું ઘોડા ખરીદવું, દીવાનનું સંસ્થાન બદલવું વગેરે કારભારની વાતો જ ટૂંકાં વચનોમાં ચાલતી વાતના વિષયોનો સંબંધ ન છતાં તેમના મુખમાંથી એકાએક નીકળતી. માત્ર એક વિષયમાં ઉત્તરનાં સંસ્થાન અને ઉત્તરની ભાષા પડતાં મૂકી મન્દતાનો ત્યાગ કરી ઉત્સાહથી બોલતા અને તે એ કે ગુજરાત છોડ્યા છતાં એક કહેવતની બાબતમાં તેમણે ગુજરાતી સાહિત્યની વિવૃદ્ધિ એટલે સુધી ચલાવી હતી કે આખરે તે કહેવતમાં બે નવી લીટીઓ ઉમેરી આખી કડી બનાવી હતી. જે સાંભળે તેને સ્વર પર યોગ્ય ભાર દઈને એ કડી કહી સંભળાવતા કે,

‘રજપૂત ગોજારો નહિ,
કણબી નાતબહારો નહિ;
કારભારી ઠગારો નહિ,
ગધેડો બિચારો નહિ.’

ચારે લીટીઓનો અર્થ તે બહુ ઉમંગથી સમજાવતા અને તે પર જે લક્ષ દે તેના પર પ્રસન્ન થતા. આવે એક પ્રસંગે કહેવતમાં નવાં ઉમેરેલાં પ્રાણીઓ તથા તેમનાં વિશેષણો વિશે અનેક સોત્કંઠ પ્રશ્નો પૂછવાનો આડંબર કરી સંયોગીરાજે તેમને બહુ ખુશ કર્યા અને પાર્શ્વચરોના ઉદ્યોગ માટે ધારેલી યુક્તિમાં સાધનભૂત થવાનું તેમની પાસેથી વચન લીધું.

પ્રથમ સંયોગીરાજના પ્રમુખપણા નીચે જાહેર સભા મેળવવાનો વિચાર હતો ત્યારે ગોઠવણ એવી હતી કે સંયોગીરાજે ઘોડા પર બેસી વાજતેગાજતે ડંકાનિશાન સાથે મોટી ધામધૂમથી સભામાં જવું; પાર્શ્વચરોએ સાંબેલાં થઈને જવું કે સાજન થઈને જવું એ વિશે મતભેદ હતો. વળી કેટલાક પાર્શ્વચરોની ઇચ્છા સિંધીઓ પેઠે છરા લઢાવતાં ચાલવાની હતી અને કેટલાકની સૂચના હતી કે સંયોગીરાજે અશ્વને બદલે હસ્તી પર આરૂઢ થવું. આ બધી અનિશ્ચિતતાનો લાભ લઈ મૂળ યોજના બંધ રાખ્યાની વાત તંદ્રાચંદ્રથી છાની રાખવામાં આવી અને તૈયારી જારી જ છે એમ તેમને સમજાવવામાં આવ્યું. સંયોગીરાજે તેમને સમજાવ્યું કે ’સભામાં નાતનો વિષય દર્શાવવાનો છે માટે આપ જેવા દેશદેશની નાતોના રિવાજના અનુભવી વધારે સારી