પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારું હૃદય ધબકવા લાગ્યું અને કોઈ મંત્રોપચારથી જોશીની જીભ કપાઈ જાય કે બંધ થઈ જાય એમ હું ઈચ્છવા લાગ્યો.

પરમ્તુ તંદ્રાચંદ્રનો ઉત્તર સાંભળવા ધ્યાન તે તરફ દોરવાની જરૂર હતી.

'ચિંતા મને માત્ર મુહૂર્ત કો છૈ. માંગલ્ય ભી મુહૂર્તથી મિલે છૈ.'

'જ્યોતિષના ગ્રંથમાં પણ એ જ કહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર વેદનું નેત્ર છે. માટે તે વિના સિદ્ધિ જ નથી. પણ મુહૂર્ત વિશે આપે ચિંતા કરવી નહિ. સમય આવશે ને હું આપને સાવધાન કરીશ.'

'હાં સાવધાન તો કરોગે. પણ યાવની ત્વરા ક્યાં છે ? યાવનો સહારો હોવો ચાહીએ. તે વિના ક્યા ભી થશે ?'

'એમની સાથે આપને સમાગમ કેમ થયો ? અને આ શહેરમાં આ પ્રસંગ આપને ક્યાંથી આવ્યો ? આપનો સંબંધ તો સર્વ ઉત્તરમાં થતો હશે ?'

જોશીને અટકાવવા સારુ ઉપાય શોધવા લાકડી ખોળતો હોઉં તેમ હું આસપાસ જોવા લાક્યો. શું ખોળું છું તે હું જ જાણતો નહોતો. પણ તંદ્રાચંદ્રે તર ઉત્તર દીધો.

'નહિ, હમે ઉત્તરના કવ્હરાઈએ છૈયે તે ભૂલ છૈ. હમે આ મુલકના છૈયે. નોકરી પ્રયોજન ઉત્તર જાવું પડે તો કૈ નિવાસ ફિરાસે ? સંબંધ હમારો આંહી છૈ. ઔર નથી.'

'મેં તો જાણ્યું આપની ઉંમર વધારે છે તેથી આ તરફ ઊતરવું પડ્યું.'

'ઉંમર મારી પેંતાલીસથી જાસ્તી નથી. નોકરી ઢૂંઢવા આંહીં આવ્યા નથી, અચ્છા તનખા મિલૈ છૈ. કુટુંબીસે ભેટનો મૈકો હોવા આવાવા હેતુ છૈ, વેતનકી ગરજ નથી.'

વાત આડિ ગઈ જાણી હું જરા સ્વસ્થ થયો, પણ જોશી મહારાજ લેશ માત્ર સ્વસ્થ થયા નહોતા. સભ્ય થઈ તે બોલ્યા, 'સ્થિતિએ સારી હશે નોકરી પણ મહોટી હશે. નહિ તો સામો કોઈ સહેજ આવે છે. કુંટુંબે હશે. શા માટે ન હોય ? પન વૃદ્ધિએ થવી જોઈએ. સગાં હોય તે તો ગમે તે મિષે તેડાવી પેરવી કરે, સંયોગીરાજ આપના સગામાં છે ?'

'સગા તો ક્યાં ? સ્નેહી છૈ. ત્યાવનું સામને આવવું, હમારું સામને જવું. એ પ્રકારની બડાની મૈત્રી પ્રતિષ્થાની આ વૃદ્ધિની પેરવી તો ત્યાવની જ છૈ. પ્રીતૈ આ સબ બણવાવ્યા.'

'પ્રતિષ્ઠા' શબ્દથી જોશીની ભ્રાંતિ દૂર થવાનો આરંભ થશે એમ મેં ધાર્યું પણ તે ધારણા ખોટી પડી. ભાસ્કરાચાર્યના અવતારે તરત પોતાના પૃચ્છાવ્યાપારનું અનુસંધાન કરી લીધું અને તે બોલ્યા,

'પત્ની એ પન પ્રતિષ્ટ્ઃઆ જ છે, અને આપને મેં જે મુહૂર્ત આપ્યું છે તે એવું અત્યુત્તમ ફલદાયક અને સિદ્ધિદાયક છે કે પુત્ર પરિવારથી કુટુંબવૃદ્ધિ થયા વિના રહે નહિ.'

'એ તો ભગવાનની કિરપાની બાત છૈ. હિંતુ હમારે ગૃહમેંથી ગત છૈ. આપ બેખબર તેથી અમે કહ્યા. આપ જ્યોતિષી ને આપને માલૂમ નહિ એ કેસા ?'