પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોશીથી તે વળી કંઈ અજાણ્યું રહે ? वेदचक्षु किलेदं स्मृतं ज्योतिषं मुख्यता जाड़गममध्यस्य | વેદના ચક્ષુ એવા જોતિષશાસ્ત્રને સર્વ અંગમાં મુખ્ય અંગ કહ્યું છે. શાસ્ત્રીઓ અમારી નિન્દા કરે છે કે વ્યાકરણ સિંહે ડરાવેલાં અશુદ્ધિરૂપી હરણાં નાસીને જ્યોતિષશાસ્ત્રમાં પેસી ગયાં. તેથી અમે ઝાઝા શ્લોક બોલીએ નહિ એટલું જ. પણ જ્યોતિષ વિના વેદ આંધળા છે અને વેદ વિના દેવો આંધળા છે. તેથી જ્યોતિષ જાણે તેને ત્રણ કાલનું અને ત્રણ લોકનું જ્ઞાન થાય છે, સુધારાવાળા જ્યોતિષ નથી માનતા, પણ, મહોટી રેલ આવી ત્યારે કલેક્ટરે બાધાની બંગડીઓ પહેરી હતી અને મારે ઘેર પૂછવા આવ્યો હતો કે તમારા શાસ્ત્ર પરથી પાણી ક્યારે ઊતરવાનું નીકળે છે. હું તો ઘેર નહોતો પણ એ રસ્તે થઈને એ ગયો તે લોકોએ જોયો. આપણા લોકોના ઘર આગળ એને બીજા શા સારુ આવવું પડે ? સુધારાવાળા કહે છે કે ગ્રહોમાં કંઈ સમજણ છે કે સારું-ખોટું કરે ? પણ સમજણ ન હોય તો ગ્રહોનો ગણિત પ્રમાણે નિયમસર રાશિભોગ કેમ બને ? અને સારું કરવા કે નડવા સારુ અમુક વખતે તે અમુક રાશિમાં આવીને ઊભા રહે છે તે એમને કોઈ કહેવા જાય છે ? સાહેબ લોકો તો હજી ગ્રહોમાં વસ્તી છે કે નહિ, પાણી છે કે નહિ, પર્વત છે કે નહિ એવું બધું ખોળવાનાં ફાંફાં મારે છે, પન, અમને તો ગ્રહોના અંતરની ખબર પડેલી છે અને તેમનો ક્રોધ તથા તેમની પ્રિતિ અમે જાણી શકીએ છીએ, તો પછી આપની વાત કેમ ન જાણિએ ? મુહૂર્ત આપતાં પહેલાં આપનાજન્માક્ષર મેં જોયછે. આપની પત્ની ગત થઈ તેથી જન્માક્ષરથી એમ ન નીકળે કે આપને પત્નીનું સુખ નથી. સ્ત્રીનો ધણી મરી જાય ત્યાર પછી જોઈએ છીએ તો એના જન્માક્ષરમાંથી નીકળે છે ખરું કે એને ધણીનું સુખ નથી. પણ સ્ત્રીની જાત જુદી છે અને સુધારાવાળા વિધવાઓને ફરી પરણવાનું કહે ત્યારે એ બતાવવાનું છે. આપ બીજી કરો તેમાં કશી હરકત નથી. ખુશીથી લગ્ન કરો.

'ખરચો થાય અને આપ સરખાને લાભ પહુંચે એવા આપને તો સોચા; પરંતુ એવા ભાષણ બંદ રાખ્યા ગયા ઠીક છૈ. સબબ સબ સબકી મુખત્યારીકી એ બાત છૈ.'

જોશી મહારાજને લેશ માત્ર પણ ખોટું લાગ્યું હોય એમ જણાયું નહિ. વાત કરવાની તેમની ઇંતેજારી કશાથી ખળાય તેમ નહોતી અને હવે પછી મળવાની ગમ્મતનું ગમે તે થાય, પણ મને તો આ સૌ સંભાષણમાં જ એટલી ગમ્મત પડતી હતી કે તેમાં વિક્ષેપ કરવા મારી બિલકુલ ઇચ્છા નહોતી અને ક્યાંથી વચ્ચે પડવું એ મારાથી નક્કી પણ થઈ શકતું નહોતું તંદ્રાચંદ્ર અને જોશી એકબીજાનો ભાવાર્થ સમજવામાં એવા આડે રસ્તે ચઢી ગયા હતા કે તેઓ અથડાઈ પડે અને ખરી વાત તેમને જણાઈ જાય એવો સંભવ બહુ ઓછો હતો. તેથી મારી ચિંતા જરા દૂર થઈ હતી. જોશીએ કહ્યું,

'હું કાંઈ મશ્કરી નથી કરતો. પ્રસ્તુત હોય ત્યારે સર્વ કોઈને બોલવાનો પ્રસંગ હોય અને તેમાં કંઈ આપને શરમાવાનું નથી. સંસારવ્યવહાર તો ચાલ્યો જ જાય. મેં કહ્યું તે તો એટલા માટે કે મારા જોયેલા જોશ પર આપની શ્રદ્ધા કંઈ કમ જણાઈ અને