પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમારો તો ખેર પણ જ્યોતિષનો મહિમા તો સાચવવ્તો પડે. સુધારાવાળા અમારા શાસ્ત્ર પર શ્રદ્ધા નથી રાખતા અને મુહૂર્ત વિના બધાં કાર્ય કરે છે તેથી તેઓ મૃત્યુ પામે છે. વૈદ્યૃત, વ્યતિપાત સંભાળે નહિ તેથી એવું થાય છે. કહેશે કે ત્યારે જોશ જોઈને વર્તનારા કેમ મરતા હશે ? પણ મોત કોઈથી અટકાવાય છે ? અને તેમાંએ એમ તો ખરું કે રોગાદિ કારણથી મૃત્યુ થાય છે તે ઘડીએ અને પલકે જોશ ન જોવાથી થાય છે. છીંક ખાવાથી માંડીને બધાં કામમાં લોકો જો જોશીને પ્રથમ પૂછી જોતા હોય તો રોગાદિ ઉપદ્રવ થાય હ નહિ અને કોઈની હાનિ કે પરાભવ કદી જોવામાં આવે જ નહિ. સત્‌યુગમાં યુદ્ધ સમયે બંને પક્ષવાળા મુહૂર્ત જોઈને નીકળતા તો બંનેનો સંપૂર્ણ જય થતો. જોશીઓ ધારે તો મૃત્યુથી ખસ્યા ને ખસ્યા જ રહે ને અમર થઈ જાય. અમારા પાડોશીનો છોકરો અંગ્રેજી ભણ્યો છે તે તો કહે છે કે સુધારાવાળાને તો એવો જવાબ અપાય કે સૂર્ય જેમ આકર્ષણથી તથા તાપથી પૃથ્વીના જીવો પર અસર કરે છે તેમ ગ્રહોની પન એવી અસર મનુષ્યના શરીર પર તથા વ્યવહાર પર થાય છે. અમારા જ્યોતિષમાં તો ગ્રહોના અહીં સુધી પહોંચતા એવા આકર્ષણ કે તાપ વિષે લખ્યું નથી અને અંગ્રેજી ચોપડીઓમાં લખ્યું છે કે નહિ તે આપણને ખબર નથી. પન હશે તો ખરું અને તેમાં એમ પણ હશે કે વેપારીનું વહાણ ડૂબે અથવા તેની દુકાન બાળે તેમાં વેપારી પર થયેલી ગ્રહોની અસર દરિયા અને પવન સુધી તથા સળગાવનારના મન સુધી પહોંચતી હશે અને તેમને પ્રેરતી હશે. પરંતુ જ્યોતિષ પર શ્રદ્ધા હોય તો જડશાસ્ત્રની એવી યુક્તિપ્રયુક્તિની કડાકૂટની જરૂર જ ન પડે. અને ગ્રહોને જડ ગણવા એ તો નાસ્તિકતા છે. ગ્રહો તો દેવતા છે અને ધારે તે કરે છે. એમનામાં બળ ક્યાંથી આવે એ પૂછવાની જ ધર્મશાસ્ત્રમાં ના કહી છે. તેમના ક્રોધથી બચી જવાની લોકોની યુક્તિ તે નહિ સમજતા હોય એમ કેમ જાણ્યું ! પણ જોશીઓના ગણિતથી બંધાયા તે શું કરે ? જોશીઓનો મહિમા એવો છે. જોશીઓ પર શ્રદ્ધા રાખવી જોઈએ, મહારાજ.'

નાસ્તિકતાનો આક્ષેપ સહન ન થઈ શકવાથી તંદ્રાચંદ્ર એકદમ બોલી ઊઠ્યા, 'શ્રદ્ધા તો હમારી જ્યોતિષ બિષે દૃઢ છે. એભી વિશ્વાસ છૈ કિ સુમુહૂર્તથી કાર્યસિદ્ધિ તુરન્ત થાશે. કિન્તુ—'

એવામાં ઘડીનો વાડકો ડૂબવાનો સમય પાસે આવ્યો જોઈ જોશી મહારાજ 'સાવધાન'ની બૂમો પાડવા લાગ્યા અને 'અક્ષરસમય'નો ઘોષ કરતા અડધો અક્ષર ન થાય એટલામાં અક્ષર 'વીસના અંતર સમય'થી ક્રમશ: અક્ષર 'પાંચના અંતર સમય' પર આવી લાગ્યા. તેમની ગર્જના સાંભળી પાર્શ્વચરો દોડી આવ્યા અને અક્ષરના અંકનો એક પછી એક ભારથી ઉચ્ચાર થતો સાંભળી સંભ્રમ પામતા તંદ્રાચંદ્ર પણ મહાકાર્યની પ્રવૃત્તિ માટે ઊભા થયા.