પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂછી જોયું અને તેઓ જોશી પાસે નહોતા તોપણ વાડકો અશ્વારોહણને સમયે જ ડૂબતો પ્રત્યક્ષ જોવાનું તેમણે ખાતરીથી કહ્યું. પણ તેથી તંદ્રાચંદ્રને ખાતરી થઈ કે નહિ તે સમજાયું નહિ. વરઘોડો ચાલતાં તેમણે જોશી મહારાજને પાસે બોલાવી પૂછ્યું અને તે કંઈ કહેવા જતા હતા પણ એટલામાં એક પાશ્વચરે જોશી મહારાજ તરફ મોં ફેરવી એક આંખનો છેડો મીંચીને ઉઘાડવાની ક્રિયા કર્યાથી 'હા મહારાજ, બરોબર હતું' એટલું કહીને તે પાર્શ્વચર પાસે જતા રહ્યા. તંદ્રાચંદ્રથી ઘોડા પરથી ઊતરી જોશીની પાછળ જવાય તેમ નહોતું. તેથી તે મ્લાન મુખાકૃતિ કરી બેસી રહ્યા. વિજયયાત્રાને સમયે તેમની આવી નિરાધારતા જોઈ મને દયા આવી અને તેમને કંઈક સહાયતા કરવાની મને ઇચ્છા થ ઈ. પરંતુ તેમને મળવાનું ફળ નક્ષત્રોથી અને ગ્રહોથી નહિ પણ સંયોગીરાજથી નક્કી થયેલું છે, અને તેમ નહોતાં પ્રારબ્ધથી નક્કી થયેલું હોય તોપણ મુહૂર્તની પસંદગીથી તેમાં ફેરફાર થાય તેમ નથી એવો કંઈક વિચાર આવ્યાથી તંદ્રાચંદ્ર તરફ એક ભાવભરી દષ્ટિ નાખી મેં દયાવ્યાપાર બંધ કર્યો. તે કાગળના રમકડાંના ઘોડા પર બેઠા છે અને પાર્શ્વચરો દોરી ખેંચી લેશે એટલે હમણાં કાગળ ને સવાર બંને ભોંયે બેસી જશે એમ મને લાગ્યું. પણ આવી કલ્પનાઓ પ્રસંગને અયોગ્ય જાણી બંધ કરીને જ્યોતિષ વિરુદ્ધ થયેલા, સુધારાવાળાના સરખા વિચારનું પાપ ધોઈ નાખવા હું ભદ્રંભદ્ર પાસે ગયો. તેમને મેં તંદ્રાચંદ્રની હકીકત કહી. તંદ્રાચંદ્રની આ બધી મશ્કરી છે એમ તે હજી પણ અંતરથી માનતા નહોતા અને તેથી મુહૂર્તની ખામીથી તેમના વિજયમાં ભંગ ન થવા દેવો જોઈએ એમ તેમનો મત થયો. મારી શંકા સંબંધે તેમણે કહ્યું :

'પ્રારબ્ધથી નિર્માણ થયેલું પરિણામ કશાથી ફેરવાતું નથી અને ગમે તે મુહૂર્તમાં કાર્યનો આરંભ થાય પણ તે આવીને ઊભું રહે છે એ ખરું છે. પણ તે પરથી મુહૂર્ત જોવડાવવું વ્યર્થ માનવું એ અપરાધ છે, કેમ કે સુધારો છે. વળી ગ્રહો હર વર્ષના આરંભમાં પ્રારબ્ધને મળીને તેની જોડે ગુપ્ત મંત્રણા કરી મૂકે છે, કે પછી સામસામી ખેંચાખેંચ ન કરવી પડે. કોઈ મનુષ્યના ભવિષ્ય વિષે જ્યારે પ્રારબ્ધને અને ગ્રહોને એકમત ન થતાં તેમના બલની પ્રવૃત્તિ સાથે થતી નથી અને તે મનુષ્ય તેમની તાણાતાણમાં આવી જાય છે ત્યારે તેની અસર તેના શરીર પર રહી જાય છે, કેટલાંક માણસો એકાએક સોટા જેવાં ઊંચા થઈ જાય છે અથવા કોઠી જેવાં ફૂલી જાય છે, તે આ ખેંચાખેંચ અને તાણાતાણનું પરિણામ સમજવું. મને સ્મરણ છે કે એક વેળા કાર્તિક સુદી પડવાને દિવસે હું ઊંઘતો હતો ત્યારે મારા પ્રારબ્ધને મારા ગ્રહો મળવા આવ્યા, પ્રારબ્ધ તેમને મળવા નીકળી પડેલું તેથી બંનેનો મેળાપ થયો નહિ. ગ્રહો પાછા ફરતા હતા તેવામાં પ્રારબ્ધ પાછું આવતું તેમને સામું મળ્યું. બંનેને ખોટું લગેલું હોવાથી તેઓ લઢવા લાગ્યાં. ગ્રહોએ મારા પગ ઝાલ્યા અને પ્રારબ્ધે મારી ચોટલી ઝાલી. હું તણાઈને લાંબો થવા લાગ્યો, પરંતુ લાંબા માણસને કોઈ વાર વૈકુંઠમાં પડતા ઘરના થાંભલા થવાને વેઠે પકડે છે તેથી લાંબા થવા મને ઇચ્છા નહોતી. અને શિખા ઊખડી જશે તો સંધ્યા કેમ કરાશે અને મોક્ષ કેમ મળશે એ ચિંતા થવાથી મેં વિગ્રહ કરનારને કહ્યું કે મને લંબાણને બદલે પહોળાણમાં ખેંચો. પછી તેમણે મને પેટની અને