પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાંસાની ચામડીથી ખેંચ્યો. તે દહાડાથી જેને સારા શબ્દના અભાવે લોકો દુંડ કે ફાંદ કહે છે તેની સહેજસાજ પ્રાપ્તિ થઈ છે. અને મને એ લાભ થયો છે કે વીસ-પચીસ લાડુ વધારે ખવડાવી શકાય છે. તેથી મુહૂર્તની સંભાળ ન રાખી ગ્રહોનું અપમાન કરવાનું સાહસ તો કરવું જ નહિ. આપણે પૂછીને નક્કી કરવું જોઈએ.

એમ કહી ભદ્રંભદ્ર આવેશથી ગભરાઈ દોડ્યા અને વરઘોડામાં ધસ્યા ધસ્યા ફરવા લાગ્યા. તેઓ મુહૂર્તને ખોળે છે, ગ્રહોને ખોળે છે કે જોશીને ખોળે છે એ તેમણે મને કહ્યું નહોતું. પરંતુ, અનુયાયીના ધર્મ પ્રમાણે હું પણ તેમના જેવી ગભરાયેલી મુખાકૃતિ કરી તેમની પાછળ ધસવા લાગ્યો. વરઘોડામાં ગરબડ થઈ રહી અને સર્વ કોઈ અમારી દોડાદોડનું કારણ પૂછવા લાગ્યા. ઉત્તર ન દેતાં અમારું લક્ષ્ય અગાડી છે એમ ઇંગિતથી સૂચવી અમે દોડ્યા ગયા. બીજું કોઈ એ પ્રમાણે દોડતું હોત તો અજાણતાં કેટલાકની પાઘડીઓ પાડત, કેટલાકને ધક્કા મારત અને કેટલાકને અફળાટમાં પાડી નાખત. પરંતુ ભદ્રંભદ્રે લીધેલી સાવચેતીને લીધે એવું કંઈ ન થયું. પણ, માત્ર તેમની પાઘડી કેટલીક વાર પડી. તેમને ધક્કા લાગ્યા અને આખરે કોઈ દુષ્ટ પુરુષે પોતાનું શરીર બહુ અક્કડ રાખ્યું હશે તેથી અથવા એવા કોઈએ જાણી જોઈને હાથ કે પગ લાંબો કર્યો હશે તેની અફળાટમાં આવતાં ભદ્રંભદ્ર ઊથલી પડ્યા. માનભંગ ઘણા ઓછાના જોવામાં આવે તે માટે તરત ઊભા થઈ તેઓ પાછા દોડવા લાગ્યા. પરંતુ આ બધી હકીકતથી ગભરાટ એટલો બધો વધી પડ્યો કે વરઘોડો ઊભો રહ્યો. વાજાં વાગતાં બંધ થયાં, સાજનના લોકો ટોળે વળ્યા અને પાણીની બહાર કહાડેલા તરફડતા માછલા પેઠે હું અને ભદ્રંભદ્ર બધાથી જુદા પડી એકલા દોડતા ચાલુ રહ્યા. આખરે કોઈએ ભદ્રંભદ્રને પકડીને ઊભા રાખ્યા અને આ બધી આકુલતાનું કારણ પૂછ્યું. કારણ સાંભળી કેટલાક મૂર્ખ માણસો હસ્યા. ભદ્રંભદ્રને ક્રોધ કરવાની ફુરસદ નહોતી તોપણ ઊભા રહી સહેજ ક્રોધ કરી લઈને બોલ્યા,

'દક્ષના યજ્ઞમાં શિવ હરણ પાછળ દોડ્યા, ત્યારે પણ મૂર્ખ માણસો હસ્યા હતા, પણ શિવનું કે હરણનું લાઘવ લેશ માત્ર જણાયું નહોતું. સુધારાના નાશ અને આર્યધર્મના વિજય માટે મહાભારત પ્રયત્નમાં હું હાલ રોકાયેલો છું. તે છતાં તે જોઈ તમને હાસ્ય ઉત્પન્ન થાય છે તો તમારું જ લાઘવ જણાય છે. દોડવામાં આ નાશ અને વિજયની સિદ્ધિ શી રીતે સમાયેલી હોય એમ તમને સુધારાવાળા જેવી શંકા થશે. પરંતુ જેમ ગોમાતા પછાડી પુચ્છ હોય છે, ભોજન પછાડી દક્ષિણા હોય છે, ગદર્ભના ભૂંકવા પછાડી ડાંગ હોય છે, તેમ મારા દોડવા પછાડી મહોટું ફળ સમાયેલું છે.

સુધારાવાળા વેદને નથી માનતા તેથી તેઓ હું જે બ્રાહ્મણ હોઈ જન્મથી વેદમૂર્તિ છું, તેને ન માને, પણ, તમે વેદાનુયાયી છો તો તમારે તો મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ, હું જે કહું તે માનવું જોઈએ, હું જે સિદ્ધાંત કહું તેનો અંગીકાર કરવો જોઈએ, કેમ કે વેદ શબ્દપ્રમાણ છે. મારી મૂઠીમાં સૂર્ય છે એમ હું કહું અને તમે મૂઠી ઉઘાડવા-આદિ તાર્કિક પ્રમાણોની અપેક્ષા કરો તો તમે વેદવિરોધી, સનાતન ધર્મના શત્રુ અને અનાર્ય જ ગણાઓ. મારા પર અશ્રદ્ધા રાખી તમે વેદનું લાઘવ કરો છો, સુધારાવાળાના લાઘવનું લાઘવ કરો છો. હું જે સિદ્ધ કરવાનો