પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છું. તેનું લાઘવ કરો છો, સુધારાવાળાના લાઘવનું લાઘવ કરો છો, એમ જણાય છે.'

લાઘવ ગમે તેનું જણાયું હશે, પણ પછી વરઘોડામાં સ્વસ્થતા થઈ અને તે પહેલાંની માફક આગળ ચાલવા માંડ્યો.

જોશી મહારાજ ને ભદ્રંભદ્રે આખરે શોધી કહાડ્યા, અને કપોત પછાડી પડેલા શ્યેન માફક તેમણે ઝડપ મારી, પણ કલિયુગમાં જોશીને બચાવનાર કોઈ શિબિ રાજા નીકળ્યો નહિ. ભદ્રંભદ્રના મનમાં આ કથાની ઉપમા આવી નહોતી, તેથી તેનો દોષ તેમને લાગ્યો નહિ. એકાએક જોશીનો હાથ ઝાલી લઈ તે બોલી ઊઠ્યા, 'જૂઠાં વૃત્તાન્તો ઊભાં કરી મ્લેચ્છો આકાશમાંથી વીજળી શોધી લાવવાની વડાઈ કરે છે, પરંતુ મેં વીજળી કરતાં પણ મહોટી શક્તિની શોધ કરી છે; કેમ કે સૂર્યના બળનો જ્યોતિષમાં સમાવેશ થાય છે અને જ્ઞાતાજ્ઞેયના અભેદના સિદ્ધાંતથી એ બળનો જોશીમાં પણ સમાવેશ થાય છે, તેનું પ્રમાણ પણ જોશી-રૂપ પ્રમેય સાથે પ્રત્યક્ષ મારા હાથમાં છે, મ્લેચ્છો પેઠે પતંગમાં કે પતંગની દોરીમાં નથી.'

આ પ્રમાણે બેન્જામિન ફ્રાંકલિનથી પોતાનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરી ભદ્રંભદ્રે તંદ્રાચંદ્રની જે શંકા તેમને પીડા કરતી હતી તે વિશે ખુલાસો પૂછ્યો. ભદ્રંભદ્રની વર્તણૂકથી થયેલો ક્ષોભ શમાવવાનો ઉપાય જાણે જોઈ રહ્યા પછી જોશીએ ઉત્તર દીધો,

'મુહૂર્તની ન્યૂનતા રહી જ નથી. ન્યૂનતા છે માત્ર તંદ્રાચંદ્રની અને બીજા કેટલાકની બુદ્ધિની, અને તેનો પ્રતિકાર જ્યોતિષમાં નથી. ગ્રહોની પ્રસન્નતાથી રાજ્ય ન હોય તેને રાજ્ય મળે પણ, બુદ્ધિ ન હોય તેને બુદ્ધિ મળે એમ કદી બન્યું નથી અને બની શકે તેમ નથી. માટે એ બાબતમાં આપે ચિત્તને ક્લેશિત કરવું જ નહિ. તંદ્રાચંદ્રના ચિત્તનું સમાધાન શક્ય અને ઇષ્ટ આપને લાગતું હોય તો બેલાશક જઈને તેમની ખાતરી કરો કે અશ્વારોહણ યોગ્ય વેળાએ જ થયું છે.'

જોશીના મુખમાંથી નીકળેલા 'બેલાશક' અને 'ખાતરી' એ ફારસી શબ્દો હ્રદય ચીરી નાખનારા બાણ સરખા હતા. પણ, રણસંગ્રામમાં ઘૂમતા યોદ્ધાઓ વ્રણોની ગણના ન કરતાં ધસ્યા જાય છે, તે પ્રમાણે ભદ્રંભદ્ર આન ઘવાયેલા છતાં તંદ્રાચંદ્રને ઉત્સાહિત કરનારી વાર્તા કહેવા વિલંબ વિના નીકળ્યા. પરંતુ તંદ્રાચંદ્ર પાસે તે પહોંચી શક્યા નહિ.

વરઘોડામાં એકાએક હૂલકું પડ્યું અને નાસાનાસ થઈ. 'ઇંજિન' રૂપ વલ્લભરામના નાયકત્વથી કે બીજા કોઈ કારણથી વરઘોડો ઢેડવાડામાં જૈઇ પહોંચ્યો હતો અને ત્યાંથી તે સ્થળના પુરવાસીઓનું મહોટું ધાડું સામું ધસી આવ્યું. ઢેડ લોકો જે સમર્પણી અને મરજાદી પેઠે સર્વ કોઈને પોતાના સ્પર્શથી દૂર રહેવાની વિનંતી કરતા સર્વત્ર વિચરણ કરે છે તેમને એકદમ આ સાજન મંડળ સાથે મૈત્રી કરવાની પ્રેરણા થઈ આવી હોય એ મને અસંભાવ્ય લાગ્યું અને પાર્શ્વચરોનો આમાં કંઈ સંકેત છે એમ સંશય થયો. પણ ભદ્રંભદ્રને એ ધારણા રુચી નહિ અને આર્યપક્ષને સ્પર્શથી દૂષિત કરવાની પાપી ઇચ્છા થઈ આવ્યાથી જ ઢેડ લોકોએ આવી કુચેષ્ટા કરી એમ ઘેર જઈ ઘણી વાર સુધી ઊંડો વિચાર કરી તેમણે ઠરાવ્યું. પરંતુ,