પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'એસા હોવે તો ઘોડેકું રસી પકડ કે લે જાના. અલો યારો.'

વાજાંવાળા ચાલ્યા ગયા. જતાં જતાં તેમનામાંથી કોઈ બોલ્યું, 'કૈસા હેમકે હયે !' તંદ્રાચંદ્રે તે સાંભળ્યું ખરું પણ નહિ સાંભળ્યાનો ડોળ કરી ન છૂટકે કરી તે લોક ચાલ્યા જવાની વાટ તે જોઈ રહ્યા. તેઓ દષ્ટિ બહાર ગયા એટલે પોતે ધીમે રહીને ઘોડા પરથી ઊતર્યા, પણ ઘોડો દોરીને ચાલવાની મહેનત કરવી પડી નહિ. પેંગડામાંથી બીજો પગ કાઢતાં તે ભરાઈ ગયો અને તંદ્રાચંદ્ર ગભરાટમાં એક પગે લટકી પડ્યા. ઘોડો અસાધારણ ઠંડાઈવાળો હતો તે પણ ગરમ થવા અને પાખર સાથે પેંગડું ઘસાઈ ખડખડાટ થવાથી ચમકીને નાઠો....ચાલતા ઘેર જવાનો વિચાર તંદ્રાચંદ્રને હશે હ નહિ અને ઘોડા ઉપરથી ભાર ઓછો કરવાને આમ કર્યું હશે કે ઢેઢવાડામાં ઘોડે બેસીને જવુનહિ એવો 'પોલિટિકલ' માણસનો નિયમ હશે તેથી આમ કર્યું હશે તે સમજાયું નહિ; કેમ કે ઘોડા પર બેસવાની તેમની કુશળતા વિશે તો તેમણે પોતે જ સર્વની ખાતરી કરેલી હતી. 'ઘોડે બૈઠવા એ કાંઈ અઘરા નથી, બદનકો જોર એકઠો કરવો લાગે છે, તો કર્યા ફીર બસ.' એમ એમણે ઘણી વાર વરઘોડો નીકળ્યાના દિવસ પહેલાં કહી પાર્શ્વચરોને વિશે ઊંચો અભિપ્રાય બંધાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઘોડા સાથેની આ ત્વરિત મુસાફરીમાં તંદ્રાચંદ્રને બહુ ઈજા થઈ નહિ, શું થયું એ કહેવા તે ફરી સંયોગીરાજને ઘેર આવ્યા જ નહિ પણ સંયોગીરાજે છૂપી રીતે ખબર કહડાવી તથા વલ્લભરામ 'મારાથી વરઘોડા વખતે ઉઠાય તેવું નહોતું' એમ કહી અજાણ્યા થઈ તંદ્રાચંદ્રને પૂછી આવ્યા, તેથી જણાયું કે શૂરવીર છતાં અપવિત્ર થઈ જવાની બીકે લાચાર થઈ નાસતા સાજનને ઘરનો રસ્તો જડે ત્યાં સુધી વળાવી પાછા ફરેલા ઢેઢવાડાના વંશપરંપરાના માલિકો તંદ્રાચંદ્રને માર્ગમાં મળ્યા અને તેમણે તંદ્રાચંદ્રનો અને ઘોડાનો વિયોગ કરાવ્યો. ઘોડાએ અને તંદ્રાચંદ્ર બંની પોતપોતાનાં ઘર વગર સહાયતાએ શોધી કહાડ્યાં, પણ બંનેની કૃતિમાં એટલો ફેર પડ્યો કે તંદ્રાચંદ્રે પ્રતિજ્ઞા લીધી કે હવે ફરી એ ઘોડા પર ન બેસવું. પરંતુ ઘોડાએ તંદ્રાચંદ્રને ફરી પીઠ પર ન બેસાડવા સંબંધે એવી દ્વેષી પ્રતિજ્ઞા ન લીધી. એ ઘોડાનો કોઈ દોષ કંઈ નહોતો પણ વલ્લભરામના કહેવાથી માલૂમ પડ્યું કે તેના ત્રણ પગ જ દૂધે ધોયેલા (ઘૂંટી આગળથી ધોળા) હતા, ચોથો પગ લાલ હતો, તેથી તે અમંગલ હતો. અને તે જ એ સર્વ વિપત્તિનું કારણ હતું, એમ તંદ્રાચંદ્રે છેવટે નિશ્ચય કર્યો, મુહૂર્તમાં કંઈ ખામી રહી એમ ભદ્રંભદ્રે નિશ્ચય કર્યો પાર્શ્વચરોએ તે ન માન્યું, પણ તંદ્રાચંદ્રના નસીબમાં ખામી હતી એમ ઠરાવ્યું. તંદ્રાચંદ્રની બુદ્ધિમાં ખામી છે એમ જોશી સિવાય બીજા કોઈએ ન કહ્યું.

ખરેખરી સભા ભરાઈ હોત તો તંદ્રાચંદ્ર શું બોલત એ કલ્પના કરવી તો અશક્ય છે. પણ ઘોડા પર બેઠા વિના ઘોડાની ગતિથી તંદ્રાચંદ્ર ચાલી નીકળ્યા પછી હું ઝાડ પરથી ઊતરી તેમની પાછળ જતો હતો ત્યારે તેમના ગજવામાંથી નીકળી પડેલો એક કાગળ મને જડ્યો. તે ઘણે ઠેકાણેથી ફાટી ગયો હતો પણ જેટલું વંચાતું હતું તેટલા પરથી સમજાયું કે ભાષણમાં બોલવાનાં વચનો એમાં લખી રાખેલાં હતાં.