પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાંથી ઊકલી શકાયાં તે આ પ્રમાણે હતાં :

'.....આઈ ન્યાતમાં બંદોબસ્ત ન હોવાથી ઘણી દિક્કત હથી....કણબી ન્યાતબ્હારો નહિ. એ જો કહેવત કહા ગયા તિમાં જો સૌન્દર્જ....મંદિરમાં તુફાન સમય સુધારાબાલાભી આવતા જાવતા હોવા ચાહીએ....સુધારાબાલા કૈસા લોગ છે ? આપણે પાસ ધન નિકાલવા તેમના દિલ છૈ.... બિલાયતસે પટાટે લાવવાના સુધારાબાલા બોલે છૈ ? કોન સબબ....અખબારમેં છપ્યા તુમને ભણ્યા હસે. સુધારાનો ફૈલાવ જમાવવા સારુ તે લોગ પાણીના નલ હડ્ડીના બનાવવા લાટ સાહેબને અર્જ કર્યા છે....પોલિટિકલ સાબ કભી નાત બંધ નહિ ફરમાવ્યા....સુધારાબાલા કૈસા ફરમાવે ? ...સુધારાસે ન્યાતકા એસાન જ્યાસ્તી માનવાવાલા હમને તકલીફ દીધી ગઈ છે તો....ગ્યારહસૈ રૂપૈયાની હમને એ કાલમાં જરૂર છે... તી રકમ ઉપકારસે સ્વીકાર્યા હશે....

૨૫ : કોર્ટમાં 'કેસ' ચાલ્યો

મુદતો પૂરી થઈ અને નાતમાં ચાલેલો ઝઘડો મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આવ્યો. કોર્ટમાં જુદે જ પ્રકારે અને જુદાં જ શાસ્ત્રોથી લઢવાનું છે એ વાત અમારા વકીલે અમારા મનમાં સારી પેઠે ઠસાવી હતી. અને તેથી, બાહુબળ વાપરવાની કંઈ પણ તૈયારી કર્યા વિના ભદ્રંભદ્ર અને હું કામ ચાલવાને દિવસે સવારે વકીલના ગુમાસ્તા જોડે કોર્ટમાં ગયા. કોર્ટના મેદાનમાં બેઠેલા અને ફરતા અનેક માણસો તરફ ભદ્રંભદ્ર સત્કારની આશાએ ગયા, પણ સઘળા, માલ જડ્યાની, પુરાવો થયાની, જમાદાર આવ્યાની, સાહેદી ફરી ગયાની, એવી અનેક વાતોમાં એવા પડ્યા હતા કે ભદ્રંભદ્રને ઓળખી તેમને સન્માન આપવાનું કોઈને સૂઝ્યું નહિ. ગુમાસ્તો કોર્ટમાં કેદીને ઊભા રહેવાનું પાંજરું અમને બતાવવાને આતુર હતો. પણ એ સ્થાનથી પરિચિત થવાની અમારે જરા પણ ઉતાવળ નહોતી, તેથી ગુમાસ્તાને બીજે કામે જવા દઈ અમે વિશ્રામ માટે એક ઝાડ તળે બેઠા. થોડે દૂર એક માણસ કાને કલમ ખોસી અને હાથમાં કોરા કાગળો રાખી દસપંદર કોળીઓ અને કોળણોના ટોળા વચ્ચે બેઠો હતો. હાથમાંના કાગળો હલાવતો હલાવતો તે તેમને કંઈ બોધ કરતો હતો, અને ઘડી ઘડી કાનેથી કલમ કહાડી લખવા માંડવાનો ડોળ કરતો હતો. એવે સમયે તેના શ્રોતામંડળમાંથી પુરુષવર્ગ તેનો હાથ પકડિ રાખતો હતો અને સ્ત્રીવર્ગ લાંબા હાથ કરી તે કલમ પછી કાને મૂકે ત્યાં સુધી ઘાંટા પાડતો હતો આમ લખવાનો આરંભ કરવાની અનેક વાર ધમકી આપ્યા છતાં કાગળ પર એક પણ અક્ષર પડેલો જણાતો નહોતો. અને તોપણ તેના શ્રોતાઓના તેના તરફના પૂજ્ય ભાવમાં કે તેના ચમત્કારી લખાણના ભયમાં કંઈ ઘટાડો થતો જણાતો નહોતો. આ બનાવનું કેટલીક વાસ સુધી બહુ બારીકીથી નિરીક્ષણ કર્યા પછી ભદ્રંભદ્ર કહે,

'મને શક જાય છે કે આ માણસ સુધારાવાળો છે. અને આર્યપક્ષને ફેરવી નાખવાનો પ્રયત્ન કરે છે. મારાથી આ વિપત્તિનું દર્શન સહન થઈ શકતું નથી. ગમે તેમ કરીને પણ એ અનર્થ અટકાવવો જોઈએ. આર્યધર્મનું રક્ષણ કરવાને વિષ્ણુ ભૂંડ થયા હતા, કૃષ્ણ સારથિ થયા હતા, મરુત્સુત વાનર થયા હતા, તો એવા અથવા બીજા