પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થોડિ વારે એકાએક ભારે અકસ્માત થઈ ગયો હોય એવો ખળભળાટ થયો અને 'સાહેબ આવ્યા, સાહેબ આવ્યા' એવી વાત ચાલી રહી. ઠેકાણે ઠેકાણે લાંબા થઈ સૂતેલા પોલીસના સિપાઈઓ ઓશીકે મૂકેલી પોટલીમાંથી ડગલા કહાડી ખંખેરી, પહેરી ટટાર થવા લાગ્યા અને કમરેથી સિપાઈગીરી છટકી જતી હોય તેમ ખેંચી ખેચીને પટા બાંધવા લાગ્યા. ગુમાસ્તો ભાવિ પેઠે આવીને અમારી મરજી પૂછ્યા વિના અમને કોર્ટમાં લઈ ગયો. કોર્ટમાં પેસતાં સામે ખુરશી પર બેઠેલા મહોટી મૂછોવાળા અને કદાવર શરીરવાળા એક વકીલને 'સાહેબ' ધારી અમે સલામ કરી. તે પછી તેનાથી થોડે આઘે બેઠેલા લાંબા ઝભ્ભાવાળા બેરિસ્ટરને 'સાહેબ' ધારી સલામ કરી. તે પછી ઊંચી બેઠક પર ગાદીતકિયે બેઠેલા અને લખવામાં મશગૂલ થઈ ગયેલા શિરસ્તેદારને 'સાહેબ' ધારી સલામ કરી. અને જાણ્યું કે 'સાહેબ' તો હજી કોર્ટના ઓરડામાં આવ્યા નથી. આર્યમંદિરોમાં પહેલા દેવ પ્રકટ થાય અને પછી દર્શન કરનાર આવે, પણ અહિં ક્રમ ઊલટો છે તેથી સિદ્ધ થાય છે કે આ સુધારાવાળાનું સ્થાન છે, એમ ભદ્રંભદ્રે સમજાવ્યું, પણ ગુમાસ્તો આર્યધર્મ માટે ઉત્સુક ન હોવાથી તેણે લક્ષ આપ્યું નહિ.

અમને જામીન ઉપર છોડ્યા તે માજિસ્ટેટ સાહેબ બદલાઈ ગયા હતા તેથી નવા 'સાહેબ'ની મુખાકૃતિમાં ભરેલ ભેદ જોવાની અમને વિશેષ આતુરતા હતી. અને ભદ્રંભદ્રને આશા હતી કે પ્રથમ દર્શને જ તેમનું બ્રહ્મતેજ ઊડીને માજિસ્ટ્રેટનાં નયનોમાં ચહોંટશે. જીભ વશ રાખવાની વકીલ તેમને ઘડી ઘડી સલાહ આપતા હતા તેથી કંઈક ખોટું લાગવાથી ભદ્રંભદ્રે કહ્યું,

'આપનો ધંધો વાચાળતાનો છતાં આપ વાચાળાતાની વિરુદ્ધ છો એથી બ્રાહ્મણ ભોજન વિરુદ્ધ હોય એવું આશ્ચર્ય થાય છે. આ સમય વિવાદનો નથી, પરંતુ એટલું તો કહેવું જોઈએ કે મારી શક્તિ વિશે આપને કોઈએ પૂરેપૂરી માહિતી આપેલી જણાતી નથી.'

એવામાં એકાએક કોર્ટમાં તમામ માણસો ઊભા થઈ ગયા અને એક જ દિશામાં સલામ કરવા લાગ્યા. 'સાહેબ' ખરેખરા આવી પહોંચ્યા હતા. અને પાઘડી સાથે માથું હલાવી તેઓ સલામ કરનાર તમામ વર્ગને ઉપકૃત કરતા હતા. ભદ્રંભદ્ર ઉપર તો તેમની નજર પડી નહિ. પણ, તે ખુરશી પર જઈ બેઠા તે પહેલાં ભદ્રંભદ્રે તેમનાં મોજાં, બુટ, ધોતિયાની કોર, પાઘડીનો તોરો એ સર્વનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી લીધું અને પોતાની પાસેની નોટબુક કાઢી તેમાં એ વિશે નોંધ કરી લીધી, અને પછી લખ્યું કે હિંદુ સાહેબ આર્યોને 'સાહેબ' એ નામ ચાજે ? 'મહારાજ' કહેવડાવે તો શું ખોટું ? પણ સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયની એટલી દાઝ કોને છે ?'

અમારા કામ પહેલાં બીજાં કામ નીકળવાનાં હતાં તેમાંથી પહેલું કયું લેવું અને શું કર્યાથી બીજાઓને નકામો વિલંબ ન થાય એ વિશે પોણા કલાક સુધી માજિસ્ટ્રેટ અને વકીલો વચ્ચે તકરાર થયા પછી ઇન્સાફની શરૂઆત થઈ.

પહેલું કામ નીકળ્યું તે જમાનપુરી ઉર્ફે લછમીચંદ ઉર્ફે શિવપ્રસાદ ઉર્ફે ગંગુમલ ઉર્ફે પ્રીતમસિંહ ઉર્ફે બંસીધર ઉર્ફે હરદયાલ નામના કંઈ ભાગે બાવા, કંઈ ભાગે