પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથે લેવામાં માત્ર લૂગડાં અને પાથરણાં રહ્યાં. કોટ, પાટલૂન, બૂટ એવા વિલાયતી ઘાટ પર દોલતશંકરને અંતઃકરણથી તિરસ્કાર હતો. તેમનું એ જ કહેવું હતું કે આપણા બાપદાદાનો પહેરવેશ શા માટે છોડી દેવો? કોઇ ચિબાવલા કોઇ વખત તેમ પૂછતા કે આપણા બાપદાદાનો પોશાક તો મુસલમાનના પોશાક પ્રમાણે બદલાયેલો છે. તે આપણા બાપદાદાએ એમના બાપદાદાનો પોશાક કેમ બદલ્યો અને તેમના બાપદાદાએ વલ્કલ પહેરવાં અને ચર્મ ઓઢવાં કેમ મૂકી દીધાં? આવા લોકોને તે એ જ ઉત્તર દેતા કે, 'વેદ વાંચો.' તેથી આવે મહાભારત પ્રસંગે તો એક ધોતિયું પહેરીને, એક ધોતિયું ઓઢીને અને માથે પાઘડી મૂકીને જ મુંબાઇ જવું એવો દોલતશંકરે નિશ્ચય કર્યો. મુંબાઇમાં ટાઢ-તડકો નડશે તો તો હઠયોગનું ફળ પ્રાપ્ત થશે, એમ બે-ત્રણ વાર બોલી ગયા. એટલે મેં એ વાંધો કહાડ્યો જ નહિ.

શનિવારે બપોરની ગાડીમાં ઊપડવાનું હતું તેથી શુક્રવારે રાત્રે હું દોલતશંકરને ઘેર જઈ સૂઇ રહ્યો, કેમ કે સવારે ત્યાં જ ખાવાનું ઠીક પડે તેમ હતું. બીજે દિવસે રાત્રે ઉજાગરો કરવાનો તેથી હું વહેલો સૂઇ ગયો. હું એકાદ કલાક ઊંઘ્યો હઈશ એટલામાં 'ઓ બાપ રે' એવી બૂમ સાંભળી હું જાગી ઊઠ્યો. જોઉં છું તો દોલતશંકર પથારીમાં બેસી ગાભરા ગાભરા ચારે તરફ જોતા હતા. મેં ગભરાઇને પૂછ્યું, 'શું છે ? શું થયું ?'

દોલતશંકર કહે, 'અંબારામ, તેં જતા જોયા ?'

'કોને?'

'મહાદેવને, શંભુને, દીનાનાથને, પાર્વતીપતિને, શંકરને, શિવને, જટાધારીને.'

'સ્વપ્નું આવ્યું હશે.'

'કોણ જાણે, પણ મેં તો સાક્ષાત્ જોયા. આપણને સ્વપ્ન આવે પણ કંઇ દેવ સ્વપ્નમય થઈ ગયા ? ઓ શિવ ! ઓ શંભુ ! ઓ ભોળાનાથ ! દયા કરો, ક્ષમા કરો, ઓહો ! મેં આવો મોટો અપરાધ કર્યો ત્યાં લગી ભાન જ નહિ ! અંબારામ, તને પણ ન સૂઝ્યું ?'

'પણ શું થયું તે તો કહો ? તમે સ્વપ્નથી કેમ આટલા બધા ગભરાયા છો ? દોલતશંકર, તમે સ્વસ્થ -'

'શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, 'ભક્ત ! તું તારા નામમાં 'દોલત' જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-' હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, 'મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.' પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી 'ઓ બાપ રે' કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને