પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુરબીઆ, કંઈ ભાગે તાલીમબાજ અને ઘણે ભાગે ઉઠાઉગીર જણાતા અને હૃષ્ટપુષ્ટ તથા આનંદી છતાં દીનતાનો ખોટો ઢોંગ કરી ઊભેલા શખસ ઉપર ગાંજાની ચોરી કર્યાનું તોહોમત હતું. સાહેદીઓ લેવાઈ રહ્યા પછી એ બહુનામી ગૃહસ્થે કહ્યું, 'હઝુર, હમારે પે ઝુલમ હોતા હે. બનિયેકી દુકાનમેં સે પેસે છોડકે હમ ગાંજા કાયકુ ચોર જાતેં ? ઓર ઓર ગાંજા ચિલમમેં ડાલકે પી જાનેકી કુછ મુશ્કેલી હયે કે હમ પાઘડીમેં રખ છોડતા ? સિરાઈમેં હમારા સબ અસબાબ પોલીસવાલે લે ગયે, હમારી સંદુક જલા દીઈ, ઉસકા હમારા ફરિયાદ કોન સુનેગા ? મેરા આજકા ભથ્થા બી ગવાહી દે ગયા વો સિપાઈ ખા ગયા, ઓર મેં કલકા ભૂખા હું.' માજિસ્ટ્રેટ સાહેબે ફેંસલો કહી સંભળાવ્યો કે 'આ કામમાં તોહોમતદાર જાતે બાવો છે એમ પુરાવાથી સાબિત થયું છે. હવે બાવાઓનું કામ ગાંજો ફૂંકવાનું છે. એમાં શક નથી અને તેમ કર્યું હોય તેમાં ગુનોહ નથી. પરંતુ આ તોહોમતદાર ગાંજો પી ગયો એવો કામમાં પુરાવો નથી તેમ તે પોતે બચાવમાં પણ કહેતો નથી. માટે હું તેને ઓગણત્રીસ દિવસ સખત કેદની સજા કરું છું.'

બીજું કામ બે વાણિયાઓ વચ્ચે મારામારી થયાનું હતું. તે શરૂ કરતાં માજિસ્ટ્રેટ સાહેબે કહ્યું, 'કજિયો થતાં વાણિયાઓ ગાળાગાળીને બદલે મારામારી કરે એવો રિવાજ આ કામમાં બીજો પુરાવો લેતાં પહેલાં સાબિત કરવાની જરૂર છે. રિવાજનો પુરાવો હાજર નથી માટે કામ પંદર દિવસ સુધી મુલતવી.'

ત્રીજું કામ ગૃહપ્રવેશના અપરાધનું હતું. તેમાં બંને તરફના વકીલોએ જાહેર કર્યું કે 'પ્રવેશ ઘરમાં થયો કે ઘર બહાર થયો એ વિશે શક છે માટે રાજીનામું આપીએ છીએ.' તેથી તે કામ કાઢી નાંખ્યું.

ચોથું કામ નીકળતાં પહેલાં કોર્ટનો પંખો ખેંચનાર સિપાઈ ઊંઘી ગયેલો માલૂમ પડ્યો તેથી તેને જગાડી તેનો જવાબ લખી લેવામાં આવ્યો. તે ઊંઘી ગયા બાબત, પંખો અટકી ગયા બાબત, અને કોર્ટને 'કાયદા વિરુદ્ધ' ગરમી લાગ્યા બાબત, વકીલોની સાહેદી લખી લેવામાં આવી, અને સિપાઈ ધ્રુજી ગયો ત્યાં સુધી તેને શા માટે 'કાયદા વિરુદ્ધ' ઊંઘી ગયો એ પ્રશ્ન ફરી ફરી પૂછવામાં આવ્યો. એ પ્રશ્નનો તે ઉત્તર દઈ શક્યો જ નહિ. અને આખરે તેની પોતાની અને એકઠા થયેલા બીજા અનેક જનોની 'ગરીબ પરવર'ને થયેલી આજીજી પરથી માફી બક્ષવામાં આવી અને 'આયંદે હુંશિયાર રહેવાની તાકીદ' આપવામાં આવી.

કેટલાંક કામ ચાલ્યા પછી અમારા વકીલને ખબર આપવામાં આવી એક્ કોર્ટ નાસ્તા માટે ઊઠશે પછી તુમારું કામ લેવામાં આવશે. માજિસ્ટ્રેટનો નિરંકુશ અધિકાર જોઈ અમારા ભવિષ્ય સંબંધે ઉદ્વેગ થતો હતો; તેમાં આ નાસ્તાની ખબર જાણી કંઈક સંતોષ થયો. પણ બહાર જઈ ગુમાસ્તાને પૂછતાં જણાયું કે 'આખી કોર્ટને નાસ્તો કરાવવામાં આવતો નથી, પણ માજિસ્ટ્રેટ જાતે નાસ્તો કરે છે તે કોર્ટ નાસ્તો કરે એમ કહેવાય એવું કાયદામાં છે.' નિરાશાથી ક્રુદ્ધ થઈ ભદ્રંભદ્ર બોલ્યા,

'એવો કાયદો કેવળ અનુચિત છે અને તેથી અભેદભાવના સિદ્ધ થાય છે એમ માનવામાં આવતું હોય તો તે ભ્રાન્તિ છે, કેમ કે અદ્વૈતવાદી આર્યપક્ષને ભોજનવ્યવહારમાં ભેદભાવના માન્ય છે. એ વિષયમાં અભેદ માનવો એ સુધારો છે