પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને તે માટે અગ્રાહ્ય છે. વળી સરખા પ્રાચીનતા માત્રથી બનેલા ધર્મસ્તંભને ભોજનના, ધનના કે બીજા કંઈ પણ લાભમાંથી દૂર કરવાના કાયદા કરવા એ પ્રાચીનતા પર માનબુદ્ધિનો અભાવ દર્શાવે છે. અને તે અપમાનબુદ્ધિના ભાવ કરતાં પણ વધારે ઉત્પાતસૂચક સિહ્ન છે, કેમ કે સુધારાવાળા તેમને અનુત્પાતસૂચક ગણે છે.'

આખરે અમારા પરના આરોપની તપાસ થઈ અને, અમને, અમાર મિત્રોને તથા અમારા શત્રુઓને સાથે પાંજરામાં ઊભા રાખ્યા. પહેલો સાક્ષી સામી તરફનો હતો, તે સોમેશ્વર પંડ્યાનો ભાઈ હતો. અને એ પક્ષવાળા એમ સમજતા હતા કે નાતમાં મારામારી થયેલી સાબિત કરવા કરતાં વંદાનો વધ સાબિત કરવાથી ભદ્રંભદ્રના પક્ષને વધારે નુકસાન છે. અંદાનો વધ સાબિત થવાથી વધ કરનારનીઇ ગેરાબરૂ અને તેના પક્ષને નાત તરફથી હાનિ હતી. મારામારી સાબિત થતાં બંને પક્ષને શિક્ષા થવાની ભીતિ હતી. તેથી વંદો મરી ગયો છે એ મહોટી વાત જ આ સાક્ષીના ધ્યાનમાં હતી. ઘણાં કામને લીધે આ મુકરદમાની હકીકત માજિસ્ટ્રેટ સાહેબના લક્ષમાંથી ખસી ગઈ હતી. સાક્ષીને તેમણે પહેલો સવાલ પૂછ્યો કે,

'મરનારને તમે ઓળખતા હતા ?'

'ઘણી સારી પેઠે, એ અમારી પાડોશમાં રહેતો.'

'તે શાથી મરી ગયો ?'

'મગને મારી નાખ્યો. બિલાડીની વાત તદ્દન જૂઠી છે.'

'બિલાડીની વળી શી વાત ? મન ઠેકાણે રાખીને બોલો.'

'સાહેબ, એ વંદાને બિલાડીએ મારી નાખ્યો એમ એ લોક કહે છે તે બનાવટની વાત છે. મગને માર્યો તે વખતે હું અને મારો ભાઈ સોમેશ્વર બંને હતા. સોમેશ્વર તો એને અડક્યોયે નથી.'

માજિસ્ટ્રેટ સાહેબ રોફબંધ ગુસ્સો કરીને શિરસ્તેદાર તરફ વળ્યા, અને બોલ્યા, 'મરનાર શકસનું નામ વંદો છે તે મને કહ્યું કેમ નહિ ? પોલીસ તજવીજના કાગળોમાં જુવો કે ખૂન સંબંધે બિલાડી બાબત શી હકીકત છે.' ગભરાયેલો શિરસ્તેદાર ઉત્તર દેવાને ફાંફાં મારતો હતો. એટલામાં માજિસ્ટ્રેટને બીજો સવાલ પૂછવાનું સૂઝી આવ્યું, 'મરનારના બાપનું નામ શું ?'

'બાપનું નામ ? નામ તો શું હોય ? — જાણ્યામાં નથી.'

'તેની ઉંમર કેટલી હતી ?'

'ઉંમર તો સાહેબ એ લોકની શી રીતે કહેવાય ? પણ હશે, પુખ્ત ઉંમરનો હશે, બચ્ચું નહોતું.'

'જાતે કોણ હતો ?'

'જાતે વંદો હતો.'

માજિસ્ટ્રેટ સાહેબે ગુસ્સે થઈ જોરથી પગ ઠોક્યો અને બોલ્યા, 'આ સાક્ષી કેવો બેવકૂફ છે ! જુબાનીમાં કેટલી છેકછાક કરાવે છે ? તું જાને છે કે જૂઠી સાહેદી આપીશ તો કેદમાં જવું પડશે ! હવે સાચેસાચું બરાબર કહે. મરનારનું નામ વંદો હતું ? કે જાતે વંદો હતો ? કે તે નામે પણ વંદો હતો અને જાતે પણ વંદો હતો ?'