પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગૂંચવાડો વધતો અટકાવવાને અમારા વકીલ ઊઠીને બોલ્યા, 'નામદાર સાહેબ—'

'બેસી જાઓ. ઊલટતપાસ કરવાનો તમારો વારો આવશે.'

'પણ ખુદાવિંદ ખુલાસો કરવાની જરૂર છે.'

'ભાષણ કરવા ઊઠો ત્યારે જોઈએ તેટલો ખુલાસો કરજો. હાલ જુબાની લેવામાં ગરબડ ન કરો.'

સાક્ષીએ પણ ખુલાસો ન કર્યો. ધમકીથી તે બીધો હતો અને એટલું જ બોલ્યો કે 'જાતે વંદો, નામે નહિ.'

માજિસ્ટ્રેટ સાહેબનો કોપ વધ્યો અને તે સાથે તેમનો ઘાંડો વધ્યો. સાક્ષી એકાએક બહેરો થઈ ગયો હોય તેમ હાથપગ પકડી બહુ મહોટે અવાજે તેમણે પૂછ્યું, 'ત્યારે એનું નામ શું ? અને વંદો એ કયી જાત છે ?'

ગભરાયેલો સાક્ષી અટકીને ઊભો. તેને બચાવવા ફરિયાદી તરફના વકીલ ઊઠ્યા અને શાંત ચહેરે બોલ્યા, 'નામદાર કોર્ટની તો નહિ પન કોઈની ગેરસમજ થયેલી જણાય છે; વંદો તો એક જાતનું જીવડું છે.'

ગોળી ગળ્યા પછી તે કડવી માલૂમ પડ્યાની વાત મુખાકૃતિ પરથી જણાઈ ન આવે એવો પ્રયત્ન કરતા હોય તેવી સ્થિતિમાં માજિસ્ટ્રેટ આવી ગયા અને એટલું જ બોલ્યા, 'ત્યારે તેને બાબત પુરાવો શા માટે આપો છો ?'

'વંદો માર્યાની હકીકત આ કામમાં ઘણી મુદ્દાનૂ છે.'

લાગ જોઈને અમારા વકીલ સંભાષણમાં દાખલ થઈ ગયા અને બોલી ઊઠ્યા, 'પુરાવાના કાયદાની કયી કલમ પ્રમાણે વંદો માર્યાની હકીકત મહાવ્યથાના કામમાં પુરાવામાં લઈ શકાય તે મારા વિદ્વાન મિત્ર બતાવશે ?'

માજિસ્ટ્રેટને કામની હકીકત કહી સંભળાવી અને 'વંદો માર્યો છે કે નહિ અને માર્યો તો કોણે માર્યો' એ મુદા વિશે કામમાં પુરાવો લેવો કે નહિ એ વિશે બંને વકીલોએ જુસાભેર તકરાર કરી. બધું સાંભળી અને ઘણી ચોપડીઓ ઉઘાડી અને પાછી બંધ કરીને કોર્ટે છેવટે ઠરાવ્યું કે એ વિશે પુરાવો લેવો. તે ઉપરથી મગને વંદાને કેવી રીતે માર્યો છે તે વિશે એક પછી એક સાક્ષીઓ આવી જુબાની આપવા લાગ્યા.

સાક્ષીઓ ક્યાં ઊભા હતા, દીવાનો પ્રકાશ ક્યાં પડતો હતો. મગનના ડાબા હાથમાં શું હતું, જમણા હાથમાં શું હતું, પગે શું હતું, સાક્ષીઓ એકબીજાને કેવી રીતે જોઈ શકતા હતા અને એકબીજાના કાનમાં શું કહેતા હતા, એ બધી વિગતથી પોતાનું સત્યવાદિત્વ આબિત કરી વંદો કેવો કૂદતો હતો, મગન કેવો પકડવા દોડતો હતો, આખરે કેવો વંદાને પકડ્યો, ઈંટ લઈને મગને કેવો છૂંદ્યો, કેવી રીતે તેની પાંખો ખરી ગઈ. પેટ દબાઈ ગયું, કેવો તે તરફડિયાં મારતો મૂછો હલાવવા લાગ્યો. અંતે કેવો શ્વાસોચ્છ્‌વાસ લેતો બંધ થઈ ગયો. એ વર્ણન સાક્ષીઓએ કર્યું. કોર્ટમાં ભરાયેલા મનુષ્યો 'શિવ શિવ' કરવા લાગ્યા અને ખૂનની હકીકત સાંભળવાની જિજ્ઞાસા તૃપ્ત કરવા કોર્ટમાં નિત્ય આવનારા માણસો આ ત્રાસદાયક વૃત્તાન્ત સાંભળી ખિન્ન થઈ બહાર ચાલ્યા ગયા.