પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલું વધારે ને વધારે નમતું જતું હતું અને અમારો પક્ષ માહાદુષ્ટ અને ઘાતકી છે એવી માજિસ્ટ્રેટના મન પર બલવાન અસર થતી હતી તેથી ભદ્રંભદ્ર આકુળવ્યાકુળ થઈ ગયા. તેમનાથી શાંત રહેવાયું નહિ અને એકદમ પુકારી ઊઠ્યા. 'મારી એક વિનંતી છે તે શ્રૂયતામ્..

વિદનથી માજિસ્ટ્રેટ અસંતુષ્ટ થયા પણ કેદીને ગેરૈન્સાફ ન થાય એવી ઇચ્છા દર્શાવતી રહેમતભરી નજર કરી બોલ્યા, 'શા વિશે ?'

'સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજય વિશે. આર્યનીતિરીતિગીતિધીતિપ્રીતિભીતિ એવી અનુપમા છે, એવી ઉત્કૃષ્ટા છે, એવી વેદોક્તા છે કે હિંસાનો તેમાં અવકાશ નથી. સુધારાવાળા કહે છે કે વેદમાં હિંસા લખી છે, પણ વેદાનુયાયીઓ હિંસા નથી કરતા તેથી સિદ્ધ થાય છે કે હિંસા વેદવિહિત્તા નથી.'

ખીજવાઈ જઈને માજિસ્ટ્રેટે કહ્યું, 'એ તકરાર અહીં કરવાની નથી.'

'ત્યારે શું આર્યધર્મને લાંછન લાગવા દેશો ? સુધારાવાળાને જય પામવા દેશો ? આર્ય નામને કલંકિત કરવા માટે સુધારાવાળાઓએ જ બિલાડીને ઉશ્કેરી વંદાનો વધ કરાવ્યો છે. મગનથી વધ થાય એસંભવિત જ નથી.'

'તેનો પુરાવો છે ?'

'વેદ, શ્રુતિ, સ્મૃતિ. એથી વધારે બીજો શો પુરાવો હોઈ શકે ?'

ઓઉરાવો નથી એવી કબૂલાત થતી અટકાવવા અમારા વકીલ બોલ્યા, 'જાતમાહિતીવાળા સાહેદીઓની મુખજુબાનીનો પુરાવો જોઈએ તેટલો છે.'

ભદ્રંભદ્રથી આ સહન થઈ શક્યું નહિ, વકીલ તરફ અપ્રસન્ન દૃષ્ટિ કરી તે બોલ્યા, 'કેવું અનાર્યત્વ ! શાસ્ત્રો કરતાં શું કલિકાળના મનુષ્યોનું પ્રમાણ બલવત્તર ? શાસ્ત્ર સમજવાની કળિકાલનાં મનુષ્યોની અશક્તિને લીધે શાસ્ત્રોના અર્થને નહિ પણ શબ્દને પ્રમાણ કહ્યા છે, તેનો શું વિપર્યય કરવો છે ? સુધારાવાળા કાયદાની સહાયતા માગે છે તેથી શાસ્ત્રોને સ્થાને મનુષ્યો પ્રમાણ ગણાશે એ શું આમ સિદ્ધ થતું નથી !'

આર્યત્વની આવી ખૂબીઓ ન સમજનારા માજિસ્ટ્રેટે ભદ્રંભદ્રને વધારે બોલવા દીધા નહિ અને કામા અગાડી ચાલ્યું.

વંદાના વધ વિશે પુરાવો અપાઈ સહ્યા પછી મારામારી વિશે પુરાવો શરૂ થયો. મારામારી વખતે જેટલી ગરબડ થઈ હતી તેટલી જ ગરબડ તેનું વર્ણન આપતી વખતે થઈ રહી. અને તે ઘટિત હતું. કેમ કે મૂળ હકીકતમાં જે બન્યું હોય તે બધાનો આબેહૂબ ચિતાર તેના નાટકમાં આવવો જોઈએ. સાક્ષીઓ અને વકીલો વચ્ચે, સાક્ષીઓ અને કેદીઓ વચ્ચે, કેદીઓ અને માજિસ્ટ્રેટ વચ્ચે, કેદીઓ અને વકીલો વચ્ચે, માજિસ્ટ્રેટ અને વકીલો વચ્ચે, માજિસ્ટ્રેટ અને સાક્ષીઓ વચ્ચે જે વાગ્દંડની ઝપાઝપી, ખેંચાખેંચી, અને મારામારી ચાલી રહી તે બધાનું યથાર્થ વર્ણન આપવું અશક્ય છે. વકીલોના સવાલ સાક્ષીઓને નાપસંદ પડતા હતા. સાક્ષીઓના જવાબ વકીલોને નાપસંદ પડતા હતા. તે સવાલ અને જવાબ બંને માજિસ્ટ્રેટને પાનસંદ પદતા હતા. કેદીઓ નવા પૂછવાના સવાલ પોતાના વકીલોને કહી સંભળાવતા હતા અને ખરું