પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહેવાની સાક્ષીઓને શિખામણ દેતા હતા તથા તે ખોટું બોલે ત્યારે સોગન દેતા હતા, અને સાક્ષીઓની ચાલ વિષે પોતાના અભિપ્રાય માજિસ્ટ્રેટને કહી સંભળાવતા હતા. વકીલો પોતાના અસિલને રોકવાનો પ્રયત્ન કરતા હતા અને વકીલોને તેમના ગુમાસ્તા રોકતા હતા. વકીલો માજિસ્ટ્રેટ સાથે કે સાક્ષી જુસાબંધ તકરાર કરતા હોય ત્યારે ગુમાસ્તા વચમાં ઊભા થઈ વકીલના કાનમાં કહેવા માંડી તેમને ગૂંચવી દેતા હતામ્, અને તે અવસરે કેદીઓના મિત્રો અને સલાહકારો ગુમાસ્તા અને વકીલના હાથપગ લૂગડાં ખેંચી તેમનો કોપ જુદી દિશામાં ખેંચી લેતા હતા. માજિસ્ટ્રેટ, શિરસ્તેદાર અને કોર્ટના તમામ નોકરો આ ગરબડાટ અટકાવવા બૂમો પાડતા હતા, ધમકી દેતા હતા, અને વાતો તથા હસાહસી કરતા જોવા આવનારને બહાર કાઢતા હતા. પરિણામે ગરબડ વધતી જ હતી. ઘટતી નહોતી, અને તે ઘટાડવાની કોઈની અંત:કરણની ઇચ્છા હોય એમ જણાતું નહોતું. અમારી માફક કેદી થઈ પાંજરામાં ઊભા નહોતા તે બધાને ખરેખરી ગમ્મતનો દિવસ હતો; પણ અમને તો ઊલટો ચિંતામાં વધારો થતો હતો; કેમ કે અમારી તરફની કે અમારી વિરુદ્ધની સાબિતી થાય છે તે સમજાતું નહોતું. અમને વધારે દિલગીરી અને વધારે ગુસ્સો થવાનું કારણ એ હતું કે જે ખરેખરા માર મારનારા હતા તેમાંના ઘણાખરા સાક્ષી થઈને આવ્યા હતા; અને અમારા જેવા માર ખાનાર મારામારી કરતા હતા એવી સાહેદી આપતા હતા. આ અન્યાય થતો જોઈ ભદ્રંભદ્રની ધીરજ રહે એ અશક્ય હતું. જે માણસ હાથમાં દંડો લઈ ચારે તરફ પ્રહાર કરતો ફરી વળ્યો હતો અને જેણે ભદ્રંભદ્રને ફરી ફરી ઊથલાવી પાડ્યા હતા તે સાક્ષી આપવા આવ્યો, અને ભદ્રંભદ્રે કેવી રીતે ઘણા માણસોને લાકડીઓ મારી, લાકડીઓ તૂટી ગઈ એટલે બારણાં કાઢીને માર્યા, બારણાં તૂટી ગયાં એટલે થાંભલા કાઢવા માંડ્યા, તેનું વર્ણન કરવા લાગ્યો. ભદ્રંભદ્ર ઊછળીને પાંજરામાંથી અડધા બહાર આવીને બોલી ઊઠ્યા;

'કેવું વિપરીતમ્ ! માર મેં ખાધો અને માર ખાવાનો અપરાધી પણ હું ? અરે ભ્રષ્ટ થઈ છે બુદ્ધિ જેની એવા ! સત્યં બોલ, અંગશક્તૌ હું રાક્ષસસમ: નથી, મારું બલં વાચાયાં છે, શરીરે નથી, હું સ્તંભો ઉખેડી શકયો હોત તો તું મારા મિત્રાદિ અને સુધારાવાળા આજ જિવન્ત: ક્યાંથી હોત ? મારી વાચા એવી સમર્થા છે કે તે વડે સર્વ હણાઈ ચુક્યા છે, તેમનાં જરી પુરાણાં ખોખાં જ રહ્યાં છે. પરંતુ મારા પર શરિરોપરિ પ્રહારસ્ય આરોપ મૂકવો એ શું જે પ્રાચીનતા તને ઇષ્ટા છે. જે પ્રાચીનતા દેવોને ઇષ્ટા છે, જે પ્રાચીનતા દાનવોને ઇષ્ટ છે, જે પ્રાચીનતા બ્રહ્મર્ષીઓને ઇષ્ટા છે, જે પ્રાચીનતા—'

'બસ ચૂપ !' કહી માજિસ્ટ્રેટે બૂમ પાડવાથી ભદ્રંભદ્ર અટકી ગયા. ભદ્રંભદ્રનું વાક્ય ક્યારે પૂરું થશે તે ત્રિકાળજ્ઞાન ન હોવાથી માજિસ્ટ્રેટને સમજાયું નહિ અને અધીરા થઈ જઈ જગતમાં સુંદરમાં સુંદર થાત એવો વાક્ય ઉચ્ચાર થતો તેમણે અટકાવ્યો. પોતાના વક્તૃત્વમાં વિઘ્ન થયું એટલું જ નહિ પણા આર્યધર્મની વ્યાખ્યા અપૂર્ણ રહી ગઈ તેથી ભદ્રંભદ્ર ક્રોધાયમાન થયા હોત તો તે નિષ્કારણ કહેવાત નહિ. પણ સમય વિચારી તેમણે ક્રોધને વશ કર્યો અને મૌન ધારણ કરી કંઈ બન્યું જ ન હોય તેમ આડુંઅવળું જોવા લાગ્યા.