પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલું છે. ખરું શું છે ?'

'મારું નામ ભદ્રંભદ્ર છે, પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.'

માજિસ્ટ્રેટ ભદ્રંભદ્ર સામું તાકીને જોઈ રહ્યા. થોડી વાર પછી તેમણે પૂછ્યું, 'બાપનું નામ શું ?'

'પ્રશ્નસ્ય અનૈચિત્યમ્.'

'પરશોતમ ?'

અમારા વકીલે ભદ્રંભદ્રને સીધા જવાબ આપવાની શિખામણ દીધી તેથી તેમણે આખરે બાપનું નામ 'અવિદ્યમાન વિષ્ણુશંકર' લખાવ્યું.

'ધંધો શો કરો છો ?'

'સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયનો.'

અમારા વકીલે ઊઠીને માજિસ્ટ્રેટને કહ્યું, 'મારો અસીલ પોતાના વિરુદ્ધ પડેલા ખોટા પુરાવાથી ઉશ્કેરાયેલો છે અને સ્વભાવે પણ જરા ઉગ્ર છે. તેના કહેવાનો અર્થ એ છે કે ધંધો ધર્મ વિશે ભાષણ કરવાનો છે.'

'તમારે કંઈ કહેવું છે ?'

'કહેવાનું અત્યંત છે, પણ શ્રોતાનો અભાવ છે. પૃચ્છો છો ત્યારે શ્રુયતામ્. વેદધર્મનું અનાદિત્વં અને અનંતત્વં પ્રતિપાદન કરવાની પરમ આવશ્યકતા પ્રત્યક્ષ થયાથી તદર્થે મેં અનેકા: પ્રયાસા: આરંભ્યા છે અને સમાપ્યા છે. સુધારાવાળા મારાથી ત્રાસ પામ્યા છે. તેમનાં પ્રમાણાનિ નિષ્ટાનિ થયાં છે. ઉદાહરણાર્થ, સુધારાવાળા કહેતા હતા કે વિધવાઓના કેશનું વપનં કરવું એ ક્રૂરતા છે. મેં કહ્યું શાસ્ત્રાજ્ઞા છે. નિરાશ થઈ તેમણે કહ્યું, અર્વાચીન ગ્રંથોની આજ્ઞા છે, પ્રાચીન ગ્રંથોમાં એવું નથી. મેં ઉત્તર દીધો, પ્રાચીન અર્વાચીન એ કાલભેદ કલિયુગમાં છે, સત્યયુગમાં કાલક્રમ હતો જ નહિ. માટે સર્વે શાસ્ત્રગ્રંથા: પ્રાચીન: જ છે. તે પછી સુધારાવાળા નિરુત્તર થઈ ગયા છે.'

કેદીને જે કહેવું હોય તે કહેવા દેવાની કાયદામાં છૂટ છે. પણ માજિસ્ટ્રેટની સહનશક્તિ વધારે ટકી નહિ. ભદ્રંભદ્ર વાક્ય પૂરું કરી રહ્યા એટલે માજિસ્ટ્રેટ બોલી ઊઠ્યા, 'એ વિષે અહીં કહેવાનું નથી. તમારા પર મૂકેલા આરોપ વિશે જે કહેવું હોય તે કહો.'

'આર્યોને આરોપ લાગી શકતા જ નથી. કેમ કે તેમની સર્વ વ્યવસ્થા વેદવિહિતા હોઈ દોષરહિત છે. આર્ય વ્યવસ્થામાં ખામી કહાડનારા સુધારાવાળા પર જ આરોપ થવો ઘટે છે અને તેઓ જ શિક્ષાને પાત્ર છે. સુધારાવાળા કહે છે કે આર્ય વ્યવસ્થામાં ભોજનવ્યવહાર હોય ત્યાં કન્યાવ્યવહાર નથી માટે એ ખામી સુધારવી જોઈએ. એ મૂર્ખા જાણતા નથી કે વ્યવહાર ઓછો હોય એ જ ઇષ્ટ છે; કેમ કે સુખત્યાગમાં મહત્ત્વ છે અને કન્યાઓ ન મળવાથી કુટુંબો નિર્વંશ થઈ નષ્ટ થાય એ સુખત્યાગ છે. બાળલગ્ન, વિધવાવિવાહ પ્રતિબંધ, જ્ઞાતિભેદ-એ સર્વ સુખત્યાગના ઊંચા ધોરણ પર રચાયેલાં છે. સુખનો ત્યાગ કરી દુ:ખી થવું, સંતાનોને દુ:ખી કરવાં, ભવિષ્યની પ્રજાને