પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દુ:ખી રાખવાના ઉપાય દૃઢ કરવા એમાં જ આર્ય વ્યવસ્થાનું રહસ્ય છે તે જદવાદીઓ સમજતા નથી. વળી, અજ્ઞાન સુધારાવાળા જાણતા નથી કે પશુઓમાં સર્વ જાતિઓમાં ભોજન વ્યવહાર છે પણ કન્યા વ્યવહાર નથી. તેથી, સિદ્ધ થાય છે કે ભોજન વ્યવહાર હોય અને કન્યા વ્યવહાર ન હોય ત્યાં ભોજનવ્યવહાર બંધ કરવો એ જ ઉચિત છે, કન્યાવ્યવહાર બાંધવો એ ઉચિત નથી.'

નિરાશ થઈ માજિસ્ટ્રેટે કલમ મૂકી દીધી અને કહ્યું, 'તમારા બચાવમાં જે કહેવું હોય તે કહેવાની હું તમને છેલ્લી તક આપું છું.'

ભદ્રંભદ્ર બોલ્યા, 'શબ્દપ્રમાણ અને વેદનું અનાદિત્વં એ જ મારો બચાવ છે. મારા ખંડનમંડનનો નહિ પણ પ્રહારનો આરોપ મૂક્યો છે એ સુધારાવાળાઓનું છલ દર્શાવી આપે છે. પરંતુ શબ્દપ્રમાણ આપનાર સાથે વિગ્રહમાં સામું શબ્દપ્રમાણ જ આપી શકાય છે. વેદનું અનાદિત્વ માનનારા સામે વેદમત્રનો જ પાઠ થઈ શકે છે. તેને કારાગૃહની કે દ્રવ્યદંડની શિક્ષા થઈ શકતી નથી. બ્રાહ્મણને દ્રવ્ય આપવું ઘટે છે. તેની પાસેથી દ્રવ્ય લેવું એ અપરાધ છે. વળી કારાગૃહમાં બ્રાહ્મણ વાણિયાની રસોઈ જુદી થતી નથી એ ધર્મનો વાંધો મહોટો છે. તે જ માટે બ્રાહ્મણને શિક્ષા કરવાનો શાસ્ત્રમાં નિષેધ: છે. સુધારાવાળા આર્યત્વનું એ તત્ત્વં ગ્રહણ કરવાને અસમર્થા: છે.'

પુરાવો લેવાઈ રહ્યા પછી વિદ્વાન વકીલોનાં ભાષણ શરૂ થયાં. ફરિયાદીના વકીલે જોરથી અને જુસ્સાથી ભાષણ કર્યું. તે ઘણું લાંબું હતું પણ તેનો સાર એ હતો કે, બધા તોહોમતવાળા અત્યંત દુષ્ટ, લુચ્ચા, ઘાતકી અને હરામખોર છે. તેમના સાક્ષીઓ પણ જૂઠા, ભૂખે મરતા, દગલબાજ તથા કાવતરાંખોર છે અને તેમાંનો એકેએક પહેલાં સજા પામી કેદમાં જઈ આવેલો છે એવો તેમને વિશે શક છે. ફરિયાદી અને તેના સાહેદીઓ પરમ સત્યવાદી, નિર્દોષ, પ્રમાણિક, આઅબરૂદાર, શ્રીમંત, સાધુ, દેવાંશી પુરુષો છે. જૂઠું બોલવાની તેમને કંઈ લાલચ નથી અને લાલસ થાય તો પણ કોઈ કાળે ડગે એવા નથી; ફરિયાદી પર વિના અપરાધે તોહોમતવાળાએ બેહદ જુલમ ગુજાર્યો છે, માટે તોહોમતવાળાને છૂંદી અને કચરી માર્યા સિવાય દુનિયામાં ન્યાય થવાનો બીજો એકે રસો સંભવિત પણ નથી. અમારું દિલ દુખવનારાં અને અપમાન કરનારાં આવાં ઘણાં વાક્યો વકીલે કહ્યાં, પણ સહુથી વધારે દ્વેષભર્યાં વચન ભદ્રંભદ્ર વિશે કહ્યાં.

'નંબર ૬નો તોહોમતવાળો ગાંડો હોવાનો ઢોંગ લઈ બેઠેલો છે. પણ તે સમ્તાતા ફરવા માટે તેણે ભદ્રંભદ્ર એવું વિચિત્ર નામ ધારણ કરેલું છે તેથી જ તેની લુચ્ચાઈ બહાર પડી આવે છે. તેના વિરુદ્ધ પડેલો મજબૂત પુરાવો નકામો જાય માટે તેણે આ નામનો પણ ઇનકાર કરી પોતાનું નામ વિદ્યમાન છે એમ કહી નામદાર કોર્ટને છેતરવાનો પ્રયત્ન કર્યો હતો તેથી પણ તેનું કપટ જણાઈ આવે છે. જેને આવી યુક્તિઓ આવડે છે તેને ગાંડો કોણ કહેશે ? ગુનોહ નામુકર જવાની તે હિંમત ધરી શક્યો નથી, પણ અર્થ વિનાનાં લાંબાં લાંબાં વાક્યો બોલી ગયો છે. એ બધાં વાક્યોની મતલબ એવી છે કે મેં ગાંડપણમાં કંઈ કૃત્ય કર્યું હોય તેને માટે હું જવાબદાર નથી. પણ કાયદા પ્રમાણે જેવી ગાંડાઈ હોવી જોઈએ તેવી તે બતાવી શક્યો નથી. તેમ સાબિત પણ કરી