પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શક્યો નથી; તેથી તે 'કાયદેસર ગાંડો' કહેવાય નહિ. પોતે ગાંડો છે એમ દેખાડવા તરંગીપણાના ડોળથી તે બોલ્યો છે તેમાં પણ તે કબૂલ કરે છે કે મારામાં બળ હોત તો હું મારા બધા દુશ્મનોને મારી નાખત, તેથી, ખૂન કરવાનો તેનો ઇરાદો સાબિત થાય છે. એવો ખૂની પણ નાકૌવત માણસ બીજાઓની મદદ લઈ પોતાના સામાવાળા પર હુમલો કર્યા વિના રહે જ નહિ. 'બદાદત જશપૂરી વિજય.' નામના કોઈ માણસનું નામ તે ઘડી ઘડી દઈ ઊઠે છે. તે એનો મિત્ર છે કે શત્રુ છે તે તેના બોલવાથી સમજાતું નથી, પણ તે 'સનાતન આર્યધર્મ' નામના કોઈ પંથનો છે એમ જણાય છે. આ માણસ કંઈ મુદ્દાની હકીકત જાણતો હોય એમ લાગે છે. પણ તેને તોહોમતવાળાએ સાક્ષીમાં બોલાવ્યો નથી તેથી પણ તેમની બદદાનત તથા કપટ ઉઘાડાં પડે છે. એ સદદત્ત કન્યાઓ વેચવાનો ધંધો કરે છે અને એ નીચ કામમાં તોહોમતવાળો ભદ્રંભદ્ર તેનો સાથી છે, તથા બંનેને એ સંબંધે ભોજનવ્યવહાર બાબત તકરાર પડેલી છે એવું કંઈ જણાય છે. તેથી આવાં હલકાં કામ કરી પેટ ભરનાર આ ભદ્રંભદ્ર—'

'ધિક્ મૂર્ખ !' એટલું ભદ્રંભદ્રથી બોલાઈ જવાયું. તેમના ચિત્તમાં ઉકળાટ ચાલી રહ્યો હતો. વકીલને બોલતો અટકાવવા અને જરૂર જેવું લાગે તો પાંજરામાંથી બહાર આવી તેના પર પ્રહાર કરવા તે તલપી રહ્યા હતા. તેમનો ઘાંટો સાંભળી વકીલે તેમના તરફ જોયું. તેમની લાલચોળ આંખો જોઈ વકીલ કંઈ ખંચાયા અને માજિસ્ટ્રેટ તરફ જોઈ આજીજી કરી બોલ્યા,

'રક્ષણ માટે નામદાર કોર્ટને હું વિનંતી કરું છું. નં ૬નો તોહોમતવાળો જુસ્સામાં આવી ગયેલો છે અને તે કંઈ કાયદા વિરુદ્ધ કૃત્ય કરશે એવો ભય રહેલો છે.'

ભદ્રંભદ્ર તરફ ક્રોધભરી દૃષ્ટિ કરી તેમને નરમ કરી દેવાના પ્રયત્નમાં માજિસ્ટ્રેટ રોકાયા હતા તે હવે વકીલ તરફ જોઈ બોલ્યા, 'ચલાવો, તમારું ભાષણ અગાડી ચલાવો. તોહોમતદારથી ભય રાખવાનું કારણ નથી. તેની મગદૂર નથી કે પીનલ કોડ ભૂલી જઈને કાયદો તોડે.'

'પણ સાહેબ, પાંજરામાં ઊભેલો ગુનેગાર કેદી આબરૂદાર ગૃહસ્થને કોર્ટ વચ્ચે 'મૂર્ખ' કહે એ અપમાન નથી ?'

'તમે પોતે જ તિરસ્કારના શબ્દો બોલી તેને ઉશ્કેર્યો છે.'

'એ તો કોર્ટમાં આવ્યો ત્યારનો અને ત્યાર પહેલાંનો ઉશ્કેરાયેલો છે. નહિ ઉશ્કેરાયેલો એવો મેં તેને કોઈ દિવસ જોયો જ નથી. કોણ જાણે કંઈ પીએ છે કે શું ?'

ભદ્રંભદ્ર પાંજરામાં ઊભા ઊભા ઊછળ્યા, પણ એક પોલીસના સિપાઈને પોતાને મળવા આવતો જોઈ તે પાછા સ્વસ્થ થઈ ગયા. તેમને ઠપકો ન દેતાં માજિસ્ટ્રેટે સિપાઈને ઠપકો દીધો: 'કેદી હવે પછી તોફાન કરશે તો તમને સખત શિક્ષા કરવામાં આવશે.' 'કાયદેસર' કારણ ગમે તે હશે, પણ એ ધમકી સાંભળી રહ્યા વિના તેને છૂટકો નહોતો માટે જ તેને વગર વાંકે ધમકાવ્યો એમ અમને લાગ્યું. શાંતિ માટે આવો બંદોબસ્ત કરી માજિસ્ટ્રેટે વકીલને કહ્યું, 'તમારે પુરાવા બહાર જવું ન જોઈએ. જેનો પુરાવો પડ્યો ન હોય તે વિશે ટીકા કરવાનો તમારો હક નથી.'

'પણ સાહેબ હું અનુમાન બાંધું છું કે એ દારૂ પીએ છે.'