પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'અનુમાન બાંધવાનું કામ તમારું નથી, કોર્ટનું છે.'

ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, 'શું ! હું મદિરાપાન કરું છું એવું અનુમાન ભવાન્ બાંધશે ?'

'પુરાવાના કાયદા પ્રમાણે હર કોઈ અનુમાન બાંધવાને કોર્ટને સત્તા છે.'

'શાસ્ત્રમાં મદિરાપાનનો નિષેધ છે અને ભાંગગાંજાના સેવનની આજ્ઞા છે તોપણ ? મ્લેચ્છના પાણીને લીધે મદિરા સેવ્યા છે તોપણ ? વેદમાં મદિરાનું નામ નથી પણ સોમરસનું નામ છે તોપણ ? ભક્ષ્યાભક્ષ્ય અને પેયાપેયનો વિવેક વેદવિધાનુસાર જ્ઞાતિભેદ પ્રમાણે છે અને તેમાં પુરાવાના કાયદાથી કે બીજા કોઈ પણ કાયદાથી ફેરફાર થઈ શકતો નથી તોપણ ? આર્ય ગ્રંથોનું આર્યત્વ, પાશ્ચાત્ય ગ્રંથોના પાશ્ચાત્યત્વથી ચડિયાતું હોવાને લીધે આર્ય ગ્રંથોના પ્રમાણથી બલવત્તર છે તો પણ ?—'

માજિસ્ટ્રેટના કોપસ્ફુરણને લીધે ભદ્રંભદ્ર બોલતા અટકી ગયા અને વકીલનું ભાષણ અગાડી ચાલ્યું.

'વંદાનું મોત શી રીતે થયું એ હકીકત આ કામમાં બહુ મુદ્દાની છે, કેમ કે તેથી ગુનો કરવામાં તોહોમતવાળાનો શો નીચ હેતુ હતો તે જણાઈ આવે છે. વંદાને મગને મારી નાખ્યો અને એમાં ભદ્રંભદ્ર તથા બીજાઓએ મદદગારી કરી એમાં લેશમાત્ર શક રહેતો નથી, કેમ કે તે બાબત મજબૂત પુરાવો પડેલો છે અને આબરૂદાર સાક્ષીઓના કહેવા પર વહેમ આણવાનું કંઈ કારણ નથી. જે તોહોમતવાળા આવું કરપીણ કૃત્ય કરતાં આંચકો ન ખાય તે કેવી ચાલના હોવા જોઈએ ! અને એવી દુષ્ટ ચાલવાળા માણાસો ફરિયાદીને અને તેના સોબતીઓને આવો સખત માર મારે એમાં શી નવાઈ ? એમાં શો સંદેહ ! કોણે, કોને, કેટલો માર માર્યો એ બાબતમાં સાહેદીઓની જુબાનીઓમાં કંઈ જૂજ તફાવત પડ્યો છે. પણ તે બહુ નજીવો છે. મારામારીના ગરબડાટમાં કોણે યાદ રહેતું નથી કે મને લાકડી વાગે છે કે મુક્કો વાગે છે, માથાં વાગે છે કે પગમાં વાગે છે, જીવ જાય છે, કે જીવ આવે છે, ફલાણો મારે કે ફલાણાનો બાપ મારે છે. માર માર્યો એ નક્કી છે તે શા વાસ્તે તોહોમતવાળાને સજા થવી ન જોઈએ ? નામદાર કોર્ટ અનુભવી છે અને તે સારી પેઠે જાણે છે કે આવા વીફરેલા માણસોને છૂટા મૂકવાથી લોકોના જાનમાલની સલામતીને બહુ ધાસ્તી રહે છે.'

તે પછી અમારા વકીલ ભાષણા કરવાને ઊઠ્યા. શરૂઆત તેમણે બહુ થોડા શબ્દે અને ધીમે ઘાંટે કરી; પણ સમુદ્રના પાણીની ભરતી માફક તેમના શબ્દોનો પ્રવાહ અવાજ સાથે વધવા લાગ્યો અને આખરે આખું મકાન ગાજી રહ્યું. તેમની આસપાસ બેઠેલા તેમના વકીલબંધુઓ ભાષણો ચાલતાં ખુરશી પર ઊંઘતા હતા તે એકાએક જાગી ઊઠ્યા અને ટટાર થઈ આંખો પહોળી કરી ડોળથી દર્શાવવા લાગ્યા કે અમે કોઈ દિવસ આવે વખતે ઊંઘતા જ નથી. અને અમારા પર ઊંઘવાનો જૂઠો આરોપ મૂકવામાં આવે છે, અમારા વકીલની મોટી બૂમો જુલમ પામેલા નિર્દોષ માણસના પોકારને ઘટતી હતી અને તેમણે બહુ છટાથી બતાવી આપ્યું કે તોહોમતવાળા બહાર ગામ હતા તે વખતે તેમની ગેરહાજરીનો લાભ લઈ વિના અપરાધે તેમના વેરીઓએ કપટ રચી ફસાવવાનો