પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રયત્ન કરેલો છે. ફરિયાદીના પક્ષવાળા પહેલાં ઘણી વાર બોલી ગયેલા છે કે કોઈ દહાડો વંદો મરશે કે એવો કંઈ લાગ આવશે ત્યારે જોઈ લઈશું, અને તેમણે જ યુક્તિ રચી વંદો મરાવ્યો છે તથા સાક્ષીઓએ પહેલી તોહોમતવાળા પાસે લાંચ માગી તે ન આપી ત્યારે દ્વેષે ભરાઈ તેમણે ફરિયાદી પાસે જઈને તેમની તરફથી સાહેદી આપવાની ખુશી બતાવી અને તેથી આ કામ ઉત્પન્ન થયું છે.' ભદ્રંભદ્ર વિરુદ્ધ જે વચનો સામા પક્ષના વકીલે કહ્યાં હતાં તેના ઉત્તરમાં અમારા વકીલે કહ્યું,

'નં ૬ના તોહોમતવાળા વિરુદ્ધ બહુ સખત વચનો કહેવામાં આવ્યાં છે, એવા વેરાગી સાધુપુરુષને અપમાન કરવા માટે કોર્ટે પોતે જ ઠપકો આપેલો છે; માટે તે સંબંધે વધારે કહેવાની જરૂર નથી. ભદ્રંભદ્રે ગાંડા હોવાનો દાવો કર્યો જ નથી અને કરવો હોત તો તે આવાં ડાહ્યાં વચનો કહેત જ નહિ. 'વિદ્યમાન' શબ્દનો અર્થ સમજવામાં મારા વિદ્વાન મિત્રે ભૂલ કરેલી છે. નામ બદલવા માટે નહિ પણ નામ કાયમ રાખી ઉપનામ ઉમેરવાના ઇરાદાથી એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને સ્ત્રીઓ જો પોતાન નામ આગળ "સૌભાગ્યવતી" એ ઉપનામ પોતાના ઘણીની હયાતી બતાવવા ઉમેરી શકે તો પુરુષો પોતાની હયાતી બતાવવા પોતાના નામ આગળ 'વિદ્યમાન' શા માટે ઉમેરી શકે નહિ ? સ્ત્રીઓના હક્ક પુરુષ સરખા હોય તો પુરુષોના હક્ક સ્ત્રી સરખા નહિ ? અને જે સ્ત્રી પોતાને 'સૌ' કહેવડાવે તેના ધણીએ તો પોતાને 'વિ.' કહેવડાવવો જ જોઈએ, નહિ તો લોકોને શક પડી જાય કે ધણી હયાત ન છતાં સ્ત્રી શા આધારે પોતાને સૌભાગ્યવતી કહેવડાવે છે.'

'સદાદત્ત જશપુરીવિજય' નામનો માણસ મુદ્દાની હકીકત જાણે છે એ સાબિત કરવાનો બોજો ફરિયાદી પર છે અને તે (ફરજ) તેણે બજાવવી જોઈતી હતી. તે વખતે જીવતો નથી એમ સાબિત થાય નહિ ત્યાં સુધી તેણે કહેલી હકીકત પુરાવામાં લઈ શકાય નહિ; કેમ કે સાંભળેલી હકીકત પુરાવાના કાયદા પ્રમાણે નકામી છે, પછી તે તોહોમતવાળો કહેતો હોય કે બીજો કોઈ કહેતો હોય. તકરાર ખાતર ઘડીભર માનો કે કન્યાવિક્રયની અને ભોજનવ્યવહારની વાતો ખરી છે, તોપણ તેથી તોહોમતવાળા પર શો ગુનોહ સાબિત થાય છે ? પીનલકોડની કઈ કલમ પ્રમાણે એવાં કૃત્યથી ગુનોહ બને છે ? એ માણસ તોહોમતદારનો મિત્ર છે કે શત્રુ એ તકરાર કામ ચાલતાં લેવાઈ નથી, માટે તે તકરાર હવે કામ પૂરું થયે નવી ઉઠાવી શકાતી નથી.

'નં. ૬ના તોહોમતવાળાએ પોતાનું નામ ભદ્રંભદ્ર રાખ્યાની બાબતમાં તેણે મને ખુલાસો આપેલો છે, પણ તે ધર્મને લગતો હોવાથી અહીં કહી જણાવવાથી કંઈ ફળ નથી.'

'વૈકુંઠવાસ એ કંઈ ઓછું ફળ છે ?' દુનિયામાં જવલ્લે બને એવા બનાવનું વર્ણન કરવામાં કંઈ ફળ નથી, એમ વકીલને કહેતા સાંભળી ભદ્રંભદ્રે તત્કાળ આર્યોચિત