પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખદુઃખ ભૂલી જઇ પરમાર્થ બુધ્ધિ ધરી ગમે તેમ કરી ભક્ષણવ્યવસ્થાને અનુકૂળ થવાય તેવી રચનામાં ગોઠવાઇ ગયા. પીરસનારને સર્વત્ર આવકાર મળ્યાથી ભદ્રંભદ્રનો વિશેષ સત્કાર કરવાનો ધર્મ તેમના ચિત્તમાં સ્ફુર્યો નહિ. તે સ્ફુરે તેવી આવશ્યકતા હતી,પરંતુ ભાષણ કરવામાં કાલક્ષેપ કરી મુખનું ભોજનબળ ઓછું કરવું એ અનિષ્ટ હતું, તેથી ભદ્રંભદ્ર આતુર આકૃતિથી જ ચિત્તમર્મ પ્રકટ કર્યા જતા હતા. એક પીરસનાર અમારા ઠામ પાસે આવ્યા વિના ચાલ્યો જતો હતો તેથી અધીરો થઇને હું તેને બોલાવવા શબ્દોચ્ચાર કરતો હતો. પણ ભદ્રંભદ્રે મને અટકાવી કહ્યું:

'ઉચ્ચારેલો અર્થ તો પશુઓ પણ સમજે છે. પંડિતો વગર કહેલું કળી શકે છે,એ આર્યત્વરહસ્યનું તને કેમ વિસ્મરણ થાય છે?'

પીરસનારને પંડિત કહી શકાય કે નહિ એ વિશે મને શક હતો, પણ એવામાં ભોજનવ્યાપાર એકાએક શરૂ થઇ ગયો અને વાદવિવાદમાં ભદ્રંભદ્રનું મન ચહોંટે એમ નહોતું.વળી,પીરસનારે પશુબુધ્ધિ અગર પંડિતબુધ્ધિ વાપરી;ભદ્રંભદ્રના શબ્દ તેણે સાંભળ્યા,અને ઉચ્ચારેલું અગર નહિ ઉચ્ચારેલું તે સમજ્યો તથા અમારી ઇચ્છા તત્કાલ પૂર્ણ થઇ.

હર્ષપ્રાપ્તિનું પહેલું અંગ મૌન છે અને બીજું અંગ ઉત્ક્રોશ છે - એ કોઇ અંગ્રેજી લેખકનું વાક્ય પ્રસન્નમનશંકર અનેક વાર પોતાનું રચેલું કહી પ્રચલિત કરતા હતા અને ભદ્રંભદ્ર એ પ્રયોગમાં તેનું અનુકરણ કરતા હતા પણ એ વાક્યનું તાત્પર્ય મારા સમજવામાં આવતું નહોતું. આજ સાક્ષાત્કારથી મને તેનો અનુભવ થયો. ભોજનપર તૂટી પડતા વિપ્રો પ્રથમ તો નિઃશબ્દ બની ગયા અને થોડીક વાર સુધી સડકા અને સબડકા સિવાય બીજા અવાજો સંભળાતા નહોતા. કેટલીક વારે 'મૂકજો' 'મૂકજો'ના ઉચ્ચાર કંઇ કંઇ ઊઠવા લાગ્યા અને ધીમે ધીમે એ સર્વવ્યાપી થઇ ગયો. એન્જીનમાં નાખેલા કોયલા કેટલીક વાર રહ્યા પછી વરાળનો અવાજ જોરથી નીકળવા માંડે તે પ્રમાણે ભૂદેવોના પેટમાં મિષ્ટાન્ન્નો કંઇક જમાવ થયેલી સર્વત્ર વાચાલતા પ્રસરી.'મૂકજો'ની સાથે વાનીઓનાં નામ દેવાવા લાગ્યાં. પીરસનારને નામ દઇને સંબંધોન થવા લાગ્યાં. પીરસનારા પ્રતિ સત્કારવચનો, સ્નેહવચનો ઉચ્ચારાવાં લાગ્યાં. પીરસનારા સમીપ આવતાં પ્રથમ અનુગ્રહ થવા માટે જમનારા વચ્ચે રકજક થવા લાગી.એકબીજાના હક સંબંધી જમનારા ભૂદેવોમાં તકરાર થવા લાગી.પીરસનારાઓએ કરેલા નીવેડા વિશે અસંતોષ ઉપાલંભ પ્રકટ થવા લાગ્યા. તુંકારા અને અપમાન વાક્યો ભૂદેવોમાં પરસ્પર પ્રવર્તિત થઇ અંતે પીરસનારા પ્રતિ ઉદિષ્ટ થવા લાગ્યા. ગાલિપ્રદાન અને ગાલિગ્રહણ પ્રચલિત થઇ રહ્યાં.પીરસનારા કુપિત થઇ જમનારાને છાંટા ઊડે એવી રીતે પ્રવાહી પદાર્થો રેડવા લાગ્યા અને સર્વ પદાર્થો થોડા પત્રાળીમાં, થોડા કાદવમાં અને થોડા જમનારાના શરીર પર પડે તેમ ફેંકવા લાગ્યા.સ્પર્શનો પ્રતિશેધ હોવાથી જમનારા ભૂદેવો પીરસનારા પર માત્ર રોડાં ફેંકી પ્રહારની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા.

પીરસનારાના માંહેમાંહેમાંના ઝઘડા,વર્ગાવર્ગીની તકરારો,વાનીઓ પીરસવાની પસંદગી અને અનુક્રમ વિશેના વાદવિવાદ, એકબીજાને અપાતા ઠપકાનાં વચનો,