પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાલાકીની સ્પર્ધામાં કહેવાતાં તિરસ્કાર વાક્યો,વીજળીની તારની ગોઠવણો ન હોવાથી દૂર સંદેશા મોકલવા માટે પાડવામાં આવતી બૂમો, એ સર્વથી થતો ઘોંઘાટ વળી પૃથક હતો.સાગરમાં ઘણી તરફથી નદીઓ મળી આવે તેમ છૂટીછવાઇ લડાઇઓના અવાજ મહાન કોલાહલમાં આવી મળતા હતા. એક સ્થળે પીરસનારને કોઇએ 'મહારાજ' કહી સંબોધન કર્યાથી ઊઠેલું યુધ્ધ મચી રહ્યું હતું. એક સ્થળે જમનાર પર પીરસનારે પોતાને અડક્યાનો આરોપ કર્યાથી યુધ્ધ મચી રહ્યું હતું.એક સ્થળે જમનારના દાદાના મામાએ પચાસ વર્ષ પહેલાં જમાડેલી નાતમાં ઓછું ઘી વાપર્યાનો અરોપ બીજા જમનારે કર્યાથી તેમનું યુધ્ધ મચી રહ્યું હતું.

શેરીમાં આવવાનાં જ્યાં જ્યાં મથક હતાં ત્યાં ત્યાં ઢેડ, વાઘરી અને ભિખારીઓનાં ટોળાં ટમટમી રહ્યાં હતાં. કેટલેક નવેણમાંનાં બળતાં લાકડાં સામે ધરીને તેમને પાછા હઠાવવામાં આવતા હતા, કેટલેક ઠેકાણે છૂટી લાકડીઓ ફેંકી તેમના હુમલા પાછા હઠાવવામાં આવતા હતા અને કેટલેક ઠેકાણે માત્ર અતિશય બીભત્સ ગાલિપ્રદાનથી તેમને આવતા રોકવાનો પ્રયત્ન થતો હતો.

હું અને ભદ્રંભદ્ર આ સર્વ દેખાવ શાંત ચિત્તે જોતા હતા અને કોઇ પણ ખલેલ થવા દીધા વિના ભોજનનું કાર્ય ચલાવ્યા જતા હતા.કેટલાક કઠણ કોળિયા પૂરા કરવા જતાં વખત જતો, ત્યારે ભદ્રંભદ્ર કદી કદી ભોજનની સ્વદિષ્ટતા તથા આર્યધર્મની ઉત્તમતા વિશે ટુંકાં વ્યાખ્યાન કરતા હતા. આર્યત્વયુકત 'મહારાજ' પદ અપમાનજનક અને તેનો અર્થ 'રસોઇયો' અથવા 'ભિખારી' થાય છે એ સુધારાવાળાએ પ્રવર્તાવેલા 'મિસ્ટર' પદનું પરિણામ છે, - એ વિશે ભદ્રંભદ્ર આ રીતે કોળીયાના અંતરમાં વિવેચન કરતા હતા, એવામાં એક ઠેકાણે કનાત પાડી નાખી એક અધીરી થઇ રહેલી ગાય અંદર પેઠી અને નાતની વચ્ચે દોડવા લાગી.તેને હાંકી કાઢવા પડેલી બૂમોથી ગાય ભડકી અને પતરાળાં અને પતરાળાંના અધિપતિઓને ઉથલાવી પાડવા લાગી. જમવાનું મૂકીને નાસી જવાનો નિષેધ હોવાથી શબ્દોચ્ચાર સિવાય ભૂદેવોને રક્ષણોપાય રહ્યો નહિ. પીરસનારામાંના ઘણાખરા પાસેના ઓટલા પર ચઢી ગયા અને બાકીના ગાયને ભડકાવી તથા દોડાવી ગમ્મત કરવા લાગ્યા.

ગૌમાતાની આ રીતે અવગણના થાતી જોઇને ભદ્રંભદ્ર અપ્રસન્ન થયા. આર્યત્વનું દ્રષ્ટાંત આપવું આવશ્યક ધારી તે ગૌમાતાની વાટ જોતા બેઠા.ગૌમાતા સમીપ આવતાં ભદ્રંભદે ઠામેથી વાંકા વળી તેમનું પૂછડું ઝાલ્યું અને આંખ તથા કપાળ પર તેનો સ્પર્શ કરવા પોતાનું ડોકું લાંબું કર્યું. પરંતુ આ કરતાં ભદ્રંભદ્ર સ્વસ્થાનેથી ખસી ગયા અને જમીન પર કાદવમાં ઢળી પડતા અટકવાનો પ્રયત્ન કરતાં પૂંછડે લટકી રહ્યા. પગ જમીનને અડકે નહિ તે સારુ ટુંટીયું વાળી તેમણે પગ ઊંચા લઇ લીધા અને એવી સ્થિતિમાં ગૌમાતા તેમને લઇને દોડવા લાગ્યાં. ભદ્રંભદ્રમાં ભરેલી આર્યતાના ભારથી ગૌમાતા ઉશ્કેરાઇ વધારે કુદવા લાગ્યાં અને ભદ્રંભદ્ર માણસો તેમ જ ઓટલા અને ભીંત સાથે અથડાવા-કુટાવા લાગ્યા. છોકરાઓ તેમના પર પત્રાળીમાંના વિવિધ પદાર્થો ફેંકવા લાગ્યા અને બીજા પૂ્છડું મૂકી દેવાની સલાહ ઘાંટા કાઢી આપવા લાગ્યા પણ ભદ્રંભદ્ર કશાથી ડગ્યા નહિ. પૂંછડે લટકતા તે આખી નાતમાં ફરી વળ્યા