પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખરતા તારારૂપે નીચે પડે છે ત્યારે જલ,સ્થલ,વાયુ,વ્યોમ,વૃક્ષ, પર્વત,પશુ,પક્ષી,મનુષ્ય સર્વ 'શિવ' 'શિવ' વચનો કહી શોકોદગાર કરે છે. પરંતુ આજે અહીં ભૂદેવો ભોજનભ્રષ્ટ થઇ પલાયન કરે છે,છતાં દુષ્ટો! તમે હર્ષથી પ્રફુલ્લ થાઓ છો તથા તેમના અધિકારનું અન્ન લૂંટી લ્યો છો તે પુનર્જન્મમાં તમારી શી વલે થશે? પુનર્જન્મમાં આ અન્ન તમારે ભૂદેવોને પાછું આપવું નહિ પડે? તો શું કામ હમણાં લઇ લ્યો છો અને વ્યાજ ચઢાવો છો? પેટ ભરાવાનો મિથ્યા સંતોષ લેવા કરતાં બ્રહ્મભોજનનું મહાપુણ્ય લેવાથી તમને શું વધારે લાભ નથી? તમે શું સુધારાવાળાના ઉપદેશથી દૂષિત થયા છો અને એમ માનો છો કે જ્ઞાતિભોજનથી વ્યર્થ ધનવ્યય થાય છે તથા ખરેખરો રુચિકર હર્ષોત્સવ થતો નથી? સુધારાવાળા અજ્ઞાન છે, પણ તમે શું સમજતા નથી કે રૂઢિઓ ધનરક્ષણ માટે અથવા સુખરક્ષણ માટે નથી, પણ જ્ઞાતિરક્ષણ માટે છે? તમે, શું પાશ્ચાત્ય દેશોના વતની છો અને જાણતા નથી કે જ્ઞાતિભોજનના પ્રસંગમાં આહાર કરવો, એ સમાન સુખ સ્વર્ગમાં પણ દુર્લભ છે? સ્વર્ગમાં ભોજન છે, પરંતુ ત્યાં જ્ઞાતિભોજન છે એવો શો પુરાવો છે? જ્ઞાતિભોજનની રૂઢિને અભાવે પાશ્ચાત્ય પ્રજાઓ ભોજનનો સ્વાદ પરિપૂર્ણ રીતે જાણતી નથી એ શું તમને અનુભવસિધ્ધ નથી? એવાં સતિ જ્ઞાતિભોજનસ્ય ખંડનુ કર્તુ મૂર્ખાઃ! મેં કયા શાસ્ત્રાધારે તત્પર થયા છો? જ્ઞાતિભોજન ગંગાજલ સમાન છે, ગમે તેટલી મલિનતા અંદરથી ભરી હોય તો પણ જ્ઞાતિભોજન અને ગંગાજલ અંદરથી પવિત્ર જ રહે છે, અમૃત તુલ્ય મિષ્ટ જ રહે છે. જ્ઞાતિભોજન અને ગંગાજલ વિના જીવન સાર્થક થતું નથી. એ આર્ય સિધ્ધાંત તમારા શ્રવણપથમાં આવ્યા જ નથી? જ્ઞાતિભોજન જમનારને જે ઉગારો થાય તેથી વધારે ખર્ચ તેને પોતાની જ્ઞાતિ જમાડવી પડે છે ત્યારે થાય છે, - એ સુધારાવાળાની દલીલ શું તમે સબળ માની બેઠા છો? સુધારાવાળાની પેઠે તમે પણ શું શાસ્ત્રથી અનભિજ્ઞ છો અને અન્નનું મૂલ્ય ધન વડે કરો છો? પારકું અન્ન મફત મળે તો અમૂલ્ય છે, અને જ્ઞાતિ જમાડવા જે ધન ખરચવું પડે તે પેટમાં મફત પડેલા પારકા અન્ન આગળ કંઇ ગણનાને પાત્ર નથી. તેથી આર્યધર્મશાસ્ત્રને પ્રભાવે જ્ઞાતિભોજનના વિષયમાં પાશ્ચાત્ય અર્થશાસ્ત્રનું બળ ચાલતું નથી - એટલું પણ તમે આર્યો છતાં જાણતા નથી?'

આ સર્વ ઉપદેશનો અનાદર થતો જોઇ અને અન્ન અયોગ્ય મુખોમાં જતું જોઇ ભદ્રંભદ્ર ખિન્ન થયા, તેમનો ખેદ વધતો અટકાવવા હું તેમને ત્યાંથી લઇ ગયો.ચાંડાલોનો સ્પર્શ થવાની બીકથી અને માર્ગમાં પડેલા ઉચ્છિષ્ટ અન્નમાં પગ પડતા અટકાવવા સારુ અમારે કુદકા મારવા પડતા હતા. આ ક્રિયામાં ભદ્રંભદ્ર એક બે વખત ગબડી પડ્યા તથા લપસી પડ્યા, પરંતુ ત્યાં પડ્યા ન રહેતાં ધૈર્ય રાખીને પાછા ઊભા થઇ ગયા.તેમના મનમાં ઊંડું ચિંતન ઘોળાતું હતું. ગુલાંટ ખાવાના પ્રસંગો પૂરા થયા પછી ચાલતાં ચાલતાં તેમણે કેટલીક વારે કહ્યું,

'અમ્બારામ! વિયોગનું દુઃખ અસહ્ય કહેવાય છે તે સત્ય છે. પત્રાળી દેવીનો વિયોગ ખમવો કઠણ છે. એ દેવીનો મુખોચ્છશ્વાસગંધ અવશિષ્ટ રહેલા અન્નની સુગંધ રૂપે ભોજનસ્થાનની સમીપના ઘરવાળાને મળશે. આપણને તો એટલું આશ્વાસન પણ નહિ મળે. આમાં કોઇ સુધારાવાળાની ઉશ્કેરણી છે તેમાં સંશય નથી, પત્રાળી દેવીની