પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની ઇચ્છા તો જૂદાં થવાની નહોતી જ. તેના આકર્ષણને લીધે જ મારે માર્ગમાં ઘડી ઘડી નમ્ર થવું પડતું હતું.'

ભદ્રંભદ્રના મુખમાંથી પ્રેમવચનો નીકળતાં પહેલી વાર જ સાંભળ્યાં. પણ મુદિત થવાનો આ પ્રસંગ નહોતો. તેમની વિરહવ્યથા દુઃખજનક હતી. માત્ર કાળે કરીને તેમનું ચિત્ત શાંત થયું.ખાધેલું અન્ન પચાવવાના પ્રયાસમાં દિવસો ચાલ્યા ગયા અને વાત વિસારે પડી.


૨૮. “કેસ” ચૂક્યો

માજિસ્ટ્રેટ કોર્ટમાં અમારા કામનો ફેંસલો આપવાનો દિવસ આવ્યો. શુભ અને જયદાયી મુહૂર્તમાં અમે ઘેરથી કોર્ટ જવા નીકળ્યા. માર્ગમાં શુકનની વાટ જોતા અમે ઊભા રહ્યા. ભદ્રંભદ્રની સૂચનાને અનુસરી મિત્રો કોઈ ઓળખીતાના મરણની ખબર કાઢવા રાતના શહેરમાં નીકળી પડ્યા હતા. તેઓ ભલામણ વડે ગોઠવણ કરી એક મડદું સામું લેવડાવી આવ્યા એટલે એ ઇષ્ટ શુકન જોઈ અમે અગાડી ચાલ્યા. કપાળ ઉપર કુમકુમથી ઓંકાર લખી માંગલ્યની સિદ્ધિ અમે કરી લીધી હતી, અને સર્વવિઘ્નવિનાશન ગજાનનની આકૃતિ અમારા પેટ ઉપર ચીતરી હતી. આ પ્રમાણે સર્વ રીતે અમે ભયમુક્ત હતા. તે છતાં માર્ગમાં ભદ્રંભદ્ર ચિંતાતુર જણાતા હતા. તેમના બોલવાની કેટલીક વાર રાહ જોઈ મેં પૂછ્યું,

"મહારાજ, આપની શ્રદ્ધા વિશે શંકા અસ્થાને છે, પરંતુ, સર્વ આર્ય રીતિઓએ વિજય નિ:સંશય હોવા છતાં ચિંતાનું કાંઈ કારણ આપની અગાધ બુદ્ધિને જણાય છે?"

ભદ્રંભદ્ર નીચું જોઈ રહી બોલ્યા, 'એકલી "અગાધ" નહિ, "અપૂર્વ અને અગાધ." '

મહાપુરુષોની આજ્ઞા તત્કાળ સ્વીકારવી જોઈએ અને તે સ્વીકારી છે એમ દર્શાવવું જોઈએ, તેથી છેલ્લું વાક્ય હું સુધારીને ફરી બોલ્યો,

'ચિંતાનું કોઈ કારણ આપની અપૂર્વ અને અગાધ બુદ્ધિને જણાય છે?'

ભદ્રંભદ્રે હવે ઊંચું જોયું. મારા સામું ક્ષણવાર જોઈ રહી તે બોલ્યા,

'અમ્બારામ, ચિંતા માત્ર તારા વિશે છે. તારા કપાળ ઉપરના ઓંકારમાંના અનુસ્વારની આકૃતિ ખંડિત થયા પછી ફરીથી કરેલી છે. તે ઉપરથી તથા મેં જ્યોતિષની ગણતરી મનમાં કરી જોઈ તે ઉપરથી પરિણામ એવું જણાય છે કે જો કેદની શિક્ષા થશે તો આજ પાછા ઘેર નહિ જવાય. હું તો બ્રહ્મતેજ વડે સર્વત્ર ગમન કરી શકું છું, પણ તારે માટે ચિંતા થાય છે.'

'કેદની શિક્ષા થવાની જ નથી એમ જોષી કહે છે અને આપ કહો છો, પછી આપ સરખા મહાપુરુષના ભક્તે શા માટે ઉદ્વેગ કરવો?'

'યથાર્થ છે, પરંતુ સંકેતાર્થ ભવિષ્ય સત્ય નીવડે તો પરિણામ શું થાય તે વિમર્શન કરી જોવું તે ત્રિકાલજ્ઞાનીનું લક્ષણ છે. આપણે કંઈ સુધારાવાળા નથી કે ત્રિકાલજ્ઞાનિત્વનો દાવો મૂકી દઈએ. તેટલા માટે હું આ ચિંતા કરું છું.'