પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોર્ટમાં જઈ અમે અને શત્રુઓનું ભૂંડું થાય તે માટે ભદ્રંભદ્ર અડધી ગાયત્રી સીધી અને બાકીની અડધી ઊંધી દર પગલે અને દર ક્ષણે ભણ્યા જતા હતા. ચિંતાનો ફેલાવ થતો અટકાવવા હું પણ તેમની પેઠે 'तत्सवितुवरिन्यम भर्गो देवस्य तयादचोप्र न: यो योधि हिमधि 'નો પાઠ કરતો હતો. પરંતુ બંને પક્ષવાળા ચિંતાગ્રસ્ત જણાતા હતા અને માજિસ્ટ્રેટ સાહેબની મુખાકૃતિ ઉગ્ર જણાતી હતી તેથી એમને સ્વસ્થતા રહેતી નહોતી. આવા સંશયમાં કેટલોક વખત વીત્યા પછી કોર્ટે હુકમ ફરમાવ્યો. ભદ્રંભદ્ર અને સોમેશ્વર પંડ્યાને દરેકને બે માસ કેદની શિક્ષા કરી, મને અને વિરુદ્ધ પક્ષના એક માણસને દોઢ માસ કેદની શિક્ષા કરી, કેટલાકને એથી ઓછી કેદની તથા દંડની શિક્ષા કરી તથા બાકીનાને છોડી મૂક્યા.

ભદ્રંભદ્ર પ્રથમ સ્તબ્ધ થયા, પછી ખિન્ન થયા, પછી વિહ્વલ થયા, પછી વ્યગ્ર થયા, પછી ક્રુદ્ધ થયા, પછી કૂદ્યા, પછી પાછા હઠ્યા અને પછી ઉદ્ગાર કર્યો,

'અબ્રહ્મણ્યં, અબ્રહ્મણ્યં, છલં, સુધારકાણાં છલં, આર્ય જ્યોતિષને, આર્ય શુકનને, આર્ય દેવોને, આર્ય સાધનાને ખોટાં પાડવા સુધારાવાળાએ કરેલી આ કપટમાયા યુક્તિ, જેવી ધ્વસ્તા થઈ છે મુક્ત, જેથી લુપ્તા થઈ છે ભુક્તિ-'

'લે જાઓ!' એવા મહોટે નાદે કોર્ટનો હુકમ થયાથી સિપાઈએ ભદ્રંભદ્રને હાથ ઝાલી ખેંચ્યા તેથી વાક્ય પૂરું કરવું તેમને યોગ્ય લાગ્યું નહિ.

અમે બહાર નીકળ્યા એટલે લોકોએ 'હે' અને 'હુરીઓ'ના હર્ષનાદે અમને વધાવી લેવા માંડયા. પણ સિપાઈઓએ કેટલાકને ધક્કા મારી આ પ્રશંસામોહમાંથી જાગ્રત કર્યા અને શાંત કર્યા. ભદ્રંભદ્ર લોકો તરફ ફરીને બોલ્યા,

'અજ્ઞાન મનુષ્યો! હર્ષના ઉચ્ચાર કરવાનો આ સમય નથી. પૂજય મહાન આર્યવીરના સંકટની વેળા છે, તેથી ઉદગાર કરો કે શિવ! શિવ! શિવ! હર! હર!'

ટોળામાંથી કોઈ બોલ્યું, 'રામ બોલો!'

ભદ્રંભદ્ર કહે, 'તે પણ ઠીક છે. પણ હું હજી જીવવાની આશા રાખું છું. પરંતુ આ વિપત્તિને સમયે કોઈ બાધા રાખો, કોઈ વ્રત લ્યો, કોઈ તપ આચરો, કોઈ કષ્ટ સહો, કોઈ અપવાસ કરો, કોઈ સુખ વર્જો, કોઈ સંસાર તજો, કોઈ જપ કરો, કોઈ યજ્ઞ કરો.'

વળી કોઈ બોલ્યું, 'કોઈ કૂવામાં પડો.'

'તે પણ ઠીક છે.'

અમે કાચી જેલના બારણા આગળ જઈ પહોંચ્યા હતા તેથી, ભદ્રંભદ્રનું ભાષણ આગળ ચાલી શક્યું નહિ. કંઈ પણ ક્રિયા કે વિધિ વિના અમને કોટડીમાં હડસેલી દીધા. સંભાષણથી અમારા પહેરેગીરો અપ્રસન્ન થતા હતા તેથી અમે મૂંગા બેસી રહ્યા.

જેલના બીજા યાત્રાળુઓ આવી એકઠા થયા. બે ત્રણ કલાક પછી અમારું સરઘસ મહોટી જેલ તરફ જવાને તૈયાર થયું. કેટલાક જાત્રાળુઓ અનુભવી હતા. તેમણે ભથ્થાની માગણી કરી. પણ, સિપાઈઓએ ખબર આપી કે આજનું ભથ્થું કાચી જેલમાંથી નહિ મળે.