પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'કાગપાલ કીયો !'

'નિયુક્તાધિકારી.'

'એ શું ? સમું બોલને બામણા !'

નેતર ભરનાર ભદ્રંભદ્રને ઠોંસો મારવા જતો હતો પણ એક સિપાઈને આવતો જોઈ તે પોતાને ઠેકાણે જઈ કંડીઓ ભરવા મંડી ગયો. સિપાઈના હાથમાં સોટીઓ હતી તેના પ્રહાર માટે તે વાંકો વળી તૈયાર થઈ જ રહ્યો હતો, તેથી વાંસા પર સોટી પડતાં છતાં નેતર ભરવામાં તેને બિલકુલ ખલેલ થઈ નહિ. ભદ્રંભદ્ર પર પ્રહાર થતાં તે જરા ચમ્,અક્યા. પણ, તેમના સાથીએ ઇશારત કર્યાથી ચૂપ રહ્યા અને ઘંટી ફેરવવી ચાલુ રાખી. સિપાઈ ગયા પછી થોડી વારે મેં ભદ્રંભદ્રના તરફ જોઈ તેમના સાથીને કહ્યું,

'એમનું કહેવું એમ છે કે જેલર સાહેબને કહેવડાવીએ કે રસોઈમાં લાડુ કરાવે.'

'બંને જણા ગમાર દેખાઓ છો. જેલર સાહેબ તે લાડુ કરાવે ? એ તો રોટલા ને દાળ જ ખવડાવે, બીજી રસોઈનો હુકમ નહિ. પણ તમારા પૈસા હોય તો રસોઈનો બંદોબસ્ત છાનોમાનો કરાઈએ.'

'અમારી પાસે તો કાંઈ પૈસા નથી. જે હતું તે અમારા લૂગડાંમાં રહ્યું.'

'પણ ઘેરથી આવવાના હશે ને ?'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'ઘેરથી પૈસા આવવા દેશે ?'

'બધું સિપાઈના હાથમાં, થોડુંક કાઢી લે એટલું જ.'

'ત્યારે તો ઘરે કહેવડાવીએ.'

'કહેવા કોણ તારો બાપ જશે ? ઘરવાળા ગોઠવણ કરે તો થાય.'

ખોટું લાગ્યાથી ભદ્રંભદ્રે ઉત્તર દીધો નહિ, પણ થોડી વાર પછી મારી તરફ જોઈ કહ્યું,

'અમ્બારામ ! આર્યોનું અહીં અપમાન થાય છે એ વાત પ્રારબ્ધના જાણવામાં હોત તો પ્રારબ્ધ અહીં આપણને લાવત નહિ એવી મારી પ્રતીતિ છે, કેમ કે પ્રરબ્ધ આર્યપક્ષમાં છે, સુધારક નથી.'

મેં કહ્યું, 'પ્રારબ્ધ આર્યપક્ષમાં હોય તો આપણી આવી ગતિ કેમ થવા દે ?'

પ્રારબ્ધ પણ પોતાના પ્રારબ્ધને વશ છે, વળી આ કારાગૃહનું પ્રારબ્ધ બળવાન થયું હશે તે આપણને અહીં લાવ્યું. અહીં રોટલાદાળ પર આધાર ચલાવવો પડશે તે રોટલાદાળનું પ્રારબ્ધ બળવાન થયાનું પરિણામ. આપણું પ્રારબ્ધ તો આપણને મિષ્ટાન ભણી લઈ જવા પ્રયાસ કરતું હતું. સુધારાવાળાએ રોટલાદાળના પ્રારબ્ધને સહાયતા કરી, કારણ એ છે કે પૂર્વકાળમાં આપણા ઋષિમુનિઓ વાયુભક્ષણ કરી કાળ કહાડતા તે સુધારાવાળા માનતા નથી, પણ વૃક્ષવનસ્પતિ વાયુભક્ષણ કરે છે એ વાત પાશ્ચાત્ય જ્ઞાનને આધારે તેઓ માને છે, તો શું વૃક્ષવનસ્પતિ જેટલી પણ ઋષિમુનિઓની શક્તિ નહિ ? સુધારાવાળા કહે છે કે અન્નાદિ વિના શરીરની પુષ્ટિ થાય નહિ. તો બીજમાંથી છોડ થાય છે, છોડમાંથી વૃક્ષ થાય છે તેને અન્ન ખાવનું ક્યાંથી મળે છે ? પ્રત્યેક વૃક્ષના સમાન બીજું એક વાયુમય વૃક્ષ હોય છે, તેનો ભક્ષ ધીમે ધીમે કરી વૃક્ષ પુષ્ટ થાય છે. વાયુમય થડ ખાધાથી વૃક્ષને થડ થાય છે, વાયુમય અંકુર ખાધાથી વૃક્ષને અંકુર