પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધો. તેનો ત્યાં જ ઇન્સાફ થયો. 'હમકો બહોત હૈરાન કીયા' એ સિવાય બીજો કશો ખુલાસો પઠાણે આપ્યો નહિ. લાકડાની ઘોડી સાથે તેના હાથ બાંધી તેનો વાંસો ઉઘાડો કરી તેને બહુ સખત ફટકા માર્યા, તે તેણે શાંતપણે ખાઈ લીધા; ઘણા ફટકા પડ્યા ત્યારે 'યા અલ્લાહ,' એટલો તેણે ધીમેથી ઉદ્ગાર કર્યો તે સિવાય તે કશું બોલ્યો નહિ. વેદનાનું લેશમાત્ર ચિહ્ન તેના મુખ પર જણાયું નહિ. હાથ છોડ્યા પછી જાણે કંઈ બન્યું જ નહોય તેમ તે બીજા કામમાં લાગ્યો. પોતાના પગમાં ખખડતી બેડી તે જોતો કે સાંભળતો હોય એમ લાગતું નહોતું.

જેલર સાહેબે ભદ્રંભદ્ર પાસે આવી કહ્યું, 'જોઈ આ વલે ! એવું છતાં તને ખાધું નહિ પચે તો પેલા ઢગલામાંના ગોળા તારે ઉપાડવા પડશે અને અપવાસ કરવો પડશે.'

જેલર સાહેબ ચાલ્યા ગયા. તેમની પીઠ ભણી ભદ્રંભદ્રે તિરસ્કારભરી દષ્ટિ નાખી. શબ્દ કાને પડે નહિ એટલે દૂર ગયા પછી મારી તરફ જોઈ ભદ્રંભદ્ર બોલ્યા, 'આ કારાગૃહપાલ બુદ્ધિહીન જણાય છે. જ્યાં પેટ ભરી ખાવાનું નથી ત્યાં અપચાનો સંભવ નથી એ વાત તેના જાણવામાં નથી. વળી અપવાસનું આર્યરહસ્ય તેના સમજવામાં આવેલું જણાતું નથી. અપવાસ કર્યાથી વિષ્ણુપદ પ્રાપ્ત થાય છે અને આત્માના ઉદ્ધારના બીજા કશા ઉપાયની આવશ્યકતા રહેતી નથી એ સત્ય છે, પરંતુ અપવાસનો દિવસ પ્રથમથી જણાવેલો હોય, અપવાસના દિવસ પહેલાં જોઈએ તેટલું ખાઈ મૂકવાનું બની શકે તેમ હોય અને અપવાસના દિવસે મન માનતાં ફરાળ કરવાનાં સાધન હોય, ત્યારે જ અપવાસનું ફળ મળે. આ જ કારણથી અપવાસના દિવસ આપણા શાસ્ત્રકારોએ નક્કી કર્યા છે. આ કારાગૃહમાં એવી કંઈ વ્યવસ્થા નથી અને માત્ર ભૂખ્યા રાખવા સારુ અપવાસ કરાવ્યાથી કંઈ પણ પુણ્ય થશે નહિ. એક વેળા અગિયારશને દિવસે ઠાકોરજી મંદિરમાં એકાંતમાં હતા તે વેળા તેમને પેટ પંપાળતા જોઈ મેં કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, 'વિષ્ણુપદ કાયમ રહેવા માટે અમારે પણ અપવાસ કરવો પડે છે, પરંતુ અપવાસના દિવસે ખાધામાં ઊણા રહેવું એ શાસ્ત્રવિરુદ્ધ છે, તેથી બે ટંકનો ખોરાક એક ટંકે પેટમાં સમાવવાનો અભ્યાસ પાડવો પડે છે. અમારા નામ પ્રમાણે આહાર ધરાવવામાં આવે છે, પણ અમારાં પેટ છેક નાનાં ઘડવામાં આવે છે એ માણસોની કંઈક ભૂલ છે.' શ્રદ્ધાહીન સુધારાવાળાઓ આ રહસ્ય વિષે અંધકારમાં જ છે.'

અંધારું થયા પહેલાં સૂવાની કોટડીમાં અમને પૂરી દીધા. હું અને ભદ્રંભદ્ર જે કોટડીમાં પુરાયા તેમાં બીજા ત્રણ જેલવાસીઓ હતા. પણ તે કોટડીને તાળું દેવાતું સાંભળી ભદ્રંભદ્રને કેટલીક વાર સુધી એવી વ્યાકુલતા રહી કે તેમની દષ્ટિ સર્વ દિશામાં અસ્થિરપણે ભ્રમણા કરતી અટકી નહિ અને સહવાસીઓ પર તેમની નજર પડી નહિ. કંઈક શાંત થયા પછી ભદ્રંભદ્ર વિચારાગ્રસ્ત થયા. થોડી વાર મનન કરી તે બોલ્યા,

'અમ્બારામ, તાળું દેનાર મૂર્ખ જણાય છે. આપણે સારુ ખાટલાગોદડાં અંદર લાવતી વેળા તાળું ઉઘાડ્યા વિના છૂટકો નથી, તો પછી હમણાંથી તાળું દેવાનો શ્રમ વૃથા છે.'

મેં નિશ્વાસ મૂકી કહ્યું, 'મહારાજ, આપ તો ઉદાર ચિત્તવાળા છો. પરંતુ કહે